
Spotlight
Special Articles Special Articles
પાચનમાર્ગમાં જઠરમાંથી સ્ત્રવતા હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિન નામક દ્દવ્યોથી ખોરાકની પાચનની ક્રિયાને વેગ મળે છે, પરંતુ જયારે આ સ્ત્રાવની માત્રા વધવા માંડે ત્યારે હાઇપર એસિડિટીની સમસ્યા ઉદભવે છે. ખોરાકમાં અતિશય તીખા અને તળેલા પદાર્થોનું સેવન, ધૂમ્રપાન કે આલ્કોહોલનું વ્યસન, માનસિક તાણ, અમુક દવાઓ, સાથોસાથ, ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લેક્સ (ઠદ) જેવી સમસ્યા જેમાં જઠરમાંથી અન્નનળીમાં ખોરાકની ઊર્ધ્વગતિ પણ હાઇપર એસિડિટી માટે નિમિત્ત બની શકે છે.
હાઇપર એસિડિટીમાં છાતી અને પેટના ભાગે થતી અત્યંત બળતરા મુખ્ય છે. પ્રકૃતિ અનુસાર ભૂખ્યા પેટે અથવા ખોરાક લીધા બાદ થતી આ પ્રકારની બળતરા રાત્રિના સમયે પણ ક્યારેક ઉદભવતી હોય છે. સાથોસાથ વ્યક્તિને ખાટા અથવા આરોગેલ ખોરાકના ઓડકાર, પેટ ભારે લાગવું, ઊલટી-ઊબકા, ખોરાક માટે અરુચિ વગેરે લક્ષણો મુખ્ય છે. ઘણી વખત એસિડિટીની સાથે માથું દુખવાની ફરિયાદ જેને ‘ગેસ્ટ્રિક હેડેક’ કહે છે તે પણ સંકળાયેલી જોવા મળે છે.
હાઈપર એસિડિટીના દર્દીએ ભોજનમાં સાદો, સંતુલિત, રેષાયુક્ત સાત્ત્વિક ખોરાક લેવો. ભૂખ કરતાં થોડું ઓછું જ ખાવું. તીખા-તળેલા પદાર્થોને વજર્ય ગણવા. આલ્કોહોલ અને ધૂમ્રપાન સદંતર બંધ કરવું. માનસિક તણાવથી દૂર રહેવું. બિનજરૂરી દર્દશામક દવાઓનો ઉપયોગ ટાળવો.
હોમિયોપથીમાં હાઇપર એસિડિટીની આ સમસ્યામાં ઉપયોગી દવાઓમાં નકસવોમિકા, લાયકોપોડિયમ, કાર્બોવેજ, પલ્સેટિલા, ચાઇના વગેરેનો સમાવેશ કરી શકાય. અલબત્ત, આ દવાઓ નિષ્ણાત હોમિયોપેથના માર્ગદર્શન અનુસાર લેવી અનિવાર્ય છે.