
Spotlight
Special Articles Special Articles હિમાલયનાં શિખરો પર બિરાજતા શ્રી કેદારનાથ, ગુજરાતમાં જ દર્શન આપે એનાથી રૂડું બીજું શું હોઇ શકે? હા, પંચમહાલ જિલ્લાના હાલોલથી માત્ર ૩ કિલોમીટર દૂર આવેલા ધાબાડુંગરી ગામે કેદારનાથ મહાદેવ ગુફામાં બિરાજે છે. હાલોલ વડોદરાથી ૪૦ કિલોમીટર દૂર આવેલું છે. એક સવારે અમે આ સ્થળનાં દર્શને વડોદરાથી નીકળી પડ્યા.
ધાબાડુંગરી એ એક ઉજજડ ટેકરી જ હતી. પણ સાવલીના એક સ્વામીજીએ આ સ્થળે નિવાસ કરી ૧૯૮૪માં ભગવાન કેદારનાથની પ્રાણ પ્રતિષ્ઠા કરી. ત્યારથી આ સ્થળ ઘણું જ જાણીતું થયું છે. મૂળ આ જગા વિશ્વામિત્ર ઋષિની તપોભૂમિ છે. ૧૯૯૧માં અહીં શ્રીયંત્ર ઉપર ચાર દેવીઓ શ્રી સરસ્વતી, મહાકાળી, અંબામાતા અને લક્ષ્મીજીની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યાર બાદ દુર્ગામાતાનું મંદિર પણ બન્યું છે.
આ સ્થળે એક હોમિયોપથિક હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. અહીં દર્દીઓને લગભગ મફતમાં સારવાર મળે છે. હોસ્પિટલના પ્રવેશ આગળ એક મોટી આંખ બનાવેલી છે, એ તરત જ આપણું ઘ્યાન ખેંચે છે. આજુબાજુ બગીચો અને સ્વામીજીની સમાધિ છે.
ટેકરી પર ૬૭ પગથિયાં ચડો એટલે આ બધું જોવા મળે. ટેકરી પરથી આખું હાલોલ શહેર દેખાય છે. સામે દેખાતા પાવાગઢ પર્વતનું દ્દશ્ય તો ખૂબ જ મનોહર લાગે છે. ધાબાડુંગરીથી પાવાગઢ ફકત ૪ કિલોમીટર જ દૂર છે. મે મહિનામાં ઊજવાતો કેદારનાથનો પાટોત્સવ, શિવરાત્રિ અને નવરાત્રિ જેવા પ્રસંગોએ હજારો ભકતો અહીં પધારે છે. શનિ-રવિ અન્નક્ષેત્ર પણ ચાલે છે.
આ સ્થળ એટલું સુંદર છે કે કલાકો સુધી અહીં બેસવાનું મન થાય. પિકનિક સ્થળ જેવું જ લાગે. અગાઉથી નક્કી કરો તો અહીં જમવાની સગવડ પણ થઇ જાય. અમે શ્રી કેદારનાથજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી. ફરી કયારેક આ સ્થળે આવવાનું વિચારી અહીંથી વિદાય લીધી.
