HomeSpotlightSpecial Articles Special Articles

મહાન સૂફી ઉમર ખૈયામ

omar_khayyamમહાન સૂફી ઉમર ખૈયામને હકીમ અબુ અલી સીનાનું પુસ્તક ‘શીફા’ અત્યંત પ્રિય હતું. ‘વહદત’ (એકત્વ) અને ‘કસરત’ (બહુત્વ)નાં પ્રકરણોનું તેઓ વારંવાર અઘ્યયન કરતા. તે દિવસે પણ પુસ્તકનું વાંચન કરતા હતા, ત્યારે ઇબાદતનો સમય થયો. પુસ્તકનાં છેલ્લાં બે પાનાં વચ્ચે દાંત ખોતરવાની સળી મૂકી તેઓ નમાજ અદા કરવા બેઠા. એ ઇબાદત તેમની જિંદગીની છેલ્લી ઇબાદત બની રહી.



ઇબાદત સમયે તેમની દુઆ હતી...



‘હે ખુદા, મારી શક્તિ મુજબ મેં તને ઓળખવાનો પ્રયાસ કર્યો છે. એમાં કોઇ ક્ષતિ રહી ગઇ હોઇ તો મને ક્ષમા કરજે. કારણ કે જેટલું જ્ઞાન મેં તારા વિશે મેળવ્યું છે, તે તો તારા સુધી પહોંચવાનું સાધન માત્ર છે.’



અને નિશાપુર (પર્શિયા-ઇરાન)ના તેમના નિવાસમાં હિજરી સંવત ૫૭૧ (ઇ.સ.૧૧૨૩) માં ઉમર ખૈયામનું અવસાન થયું. હિજરી સંવત ૪૦૮ (ઇ.સ.૧૦૪૮)માં નિશાપુર નજીકના એક ગામમાં જન્મેલા ઉમર ખૈયામનું મૂળ નામ ગ્યાસુદ્દીન અબુલ ફતેહ ખૈયામ હતું. તેમના પિતા ઇબ્રાહીમ તંબુ બનાવવાનો વ્યવસાય કરતા હતા. અરબીમાં તંબુને ખયમા કહે છે અને તંબુ બનાવનારને ખૈયામ કહે છે.



એ સમયે ખુરાશાનનું નિશાપુર ગામ સાહિત્ય અને વિધાનું મોટું ધામ હતું. ખ્વાજા મોફિક ત્યાંના વિદ્વાન અઘ્યાપક હતા. તેમના મદરેસામાં યુવા ઉમરે હદીસ, વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ઇતિહાસ, તર્કશાસ્ત્ર, જયોતિષશસ્ત્રનું ઉચ્ચ શિક્ષણ લીધું. યુવા અવસ્થાથી જ ઉમર ખૈયામ એકાંતમાં વાંચન, મનનમાં લીન રહેતા. તેમની યાદ શક્તિ તીવ્ર હતી. ઇસ્લામના ઊડા અભ્યાસ અને સૂફી વિચારધારાના મોટા કદના વિદ્વાન હતા.



નિશાપુર (પર્શિયા-ઇરાન)ના એક જૂના મદરેસાનું સમારકામ ચાલતું હતું. એ સમયે ગધેડાઓ પર માટી અને ઇંટો લઇ જવામાં આવતી. એક ગધેડો મદરેસાના દરવાજા પાસે જ અટકી ગયો. કોઇ હિસાબે અંદર જાય જ નહીં. તેના માલિકે બહુ ડફણાં માર્યાં છતાં ગધેડો હાલ્યો નહીં. ઉમર ખૈયામ તેમના શિષ્યો સાથે આ ઘટના નિહાળી રહ્યા હતા. અંતે તેઓ ગધેડા પાસે ગયા અને તેના કાનમાં કંઇક કહ્યું અને અત્યાર સુધી હઠીલો બની ઊભેલો ગધેડો કાનમાં રુબાઇ પડતાં જ ચાલવા માંડયો. ગધેડાના માલિક અને શિષ્યોને આ જોઇ નવાઇ લાગી. શિષ્યોએ ઉમર ખૈયામને તેનું રહસ્ય પૂછ્યું.



ઉમર ખૈયામે શિષ્યોને સમજાવતા કહ્યું, ‘આ ગધેડો પૂર્વ જન્મમાં જ્ઞાની (આલીમ) હતો. આ જન્મમાં તેને મળેલ અવતારથી મદરેસામાં પ્રવેશતા શરમાતો હતો. એટલે મેં તેના કાનમાં એક રુબાઇ પઢી. જેનો અર્થ હતો. ઓ છળકપટ રહિત ત્યાગી, તું આ નાશવંત જગતમાંથી કૂચ કરીને ફરીવાર ગધેડા રૂપે જન્મ્યો છે. તારી વિદ્વતાની દાઢી હવે તારી પૂંછડી બની ગઇ છે. તારા નખો હવે પગની ખરીઓ બની ગયા છે. એટલે શરમાયા વગર મદરેસામાં પ્રવેશ. આ તો તારી જ કર્મભૂમિ છે.’



ઉમર ખૈયામ પૂર્વજન્મમાં માનતા હતા. દરેક જન્મમાં ખુદાએ સોંપેલું કાર્ય નિષ્ઠાથી કરવાની હિદાયત તેમની આ કથાનો અર્ક છે. કેટલાક લોકોએ તેમના વિચારોનો વિરોધ કર્યોહતો, પણ તેમને કયારેય તેની પરવા કરી ન હતી. ખૈયામના સાહિત્યનો ઊંડો અભ્યાસ કરનાર કીટ્સ જીરાલ્દ લખે છે, ‘નાસર ખુશરુની દોસ્તી થયા પછી જ ઉમર ખૈયામ ધીમે ધીમે ઉચ્ચ મકામ પર પહોંચ્યા હતા. તે હંમેશ હયાત છે. તે પોતાની કિતાબમાં લખી ગયા છે કે હું હંમેશાં જીવતો છું અને રહીશ.’