HomeSpotlightSpecial Articles Special Articles

આંખના રોગો સામે આંખ આડા કાન કરવા નહીં

eye_diseases૮ ઓક્ટોબરે દુનિયાભરમાં ‘વર્લ્ડ સાઇટ ડે’ ઊજવાયો ત્યારે ભારતમાં હજી પણ આંખના રોગને લઈને ભારે બેદરકારી જોવા મળે છે. ખાસ કરીને વૃદ્ધ લોકો આંખની સમસ્યાથી સૌથી વધુ હેરાન થતાં હોય છે. જોકે આધુનિક ટેકનોલોજીએ આંખોના ચીરફાડવાળાં પીડાદાયક ઓપરેશનોથી છુટકારો અપાવી દીધો છે, જે આંખના રોગોના ઈલાજમાં વરદાન સાબિત થયા છે.



આપણી આંખ એ કુદરતની અજાયબી છે. તે દુનિયા જોવાની બારી છે. તેને નુકસાન થાય તો કુદરતે સર્જેલી દુનિયા દેખાતી બંધ થઈ જાય છે. આંખના અનેક રોગો હોય છે જેમાં ચશ્માંના નંબર, બેતાળાં, મોતિયો અને ઝામર મુખ્ય હોય છે. તેની સાથે કેટલાક આધુનિક લાઇફસ્ટાઇલની દેન કહી શકાય તેવા પણ રોગો છે. આઠમીએ ઊજવાઈ રહેલા ‘વર્લ્ડ સાઇટ ડે’ નિમિત્તે આંખોના મહત્ત્વના રોગો અનેે તેની સારવાર વિશે જાણીએ.



ચશ્માં આવવા :



આંખના ચશ્માંના નંબરો આવી જવા તે આજે સામાન્ય બાબત છે. આપણે ત્યાં વૃદ્ધો નાનાં બાળકોને ચશ્માં પહેરેલા જુએ ત્યારે એવું કહે છે કે ‘આજનો હલકો ખોરાક ખાઈ-ખાઈને તમારા આંખોના નંબર આવી ગયા છે.’ તેમની વાત પણ આપણે માનવી જ રહી. કારણ કે આજની લાઇફસ્ટાઇલ અને ફૂડ કલ્ચરને લીધે પણ આપણા શરીરમાં અનેક રોગો થાય છે અને આંખોના રોગો પણ થાય છે. ચશ્માંના નંબર ત્રણ રીતે આવે છે જેમાં માઇનસ, પ્લસ અને ત્રાસા નંબર. માઇનસ નંબર એટલે દૂરનું ઝાંખું દેખાવું, પ્લસ એટલે નજીકનું ઝાંખું દેખાવું તથા ત્રાસા નંબરમાં દૂર તથા નજીક બંને થોડું થોડું ઝાંખું દેખાય છે.



નંબર દૂર કરવાની પદ્ધતિઓ : લેસિક લેસર:



૧૮ વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ જેના ચશ્માં છેલ્લાં વર્ષોથી સ્થિર હોય તે લેસિક કરાવી શકે છે. લેસિક કરાવતા પહેલાં કોન્ટેકટ લેન્સ પહેરવાનું ઓછામાં ઓછું એક અઠવાડિયું બંધ કરવું જોઈએ, ત્યારબાદ જ લેસિક કરાવી શકાય છે. લેસિક પદ્ધતિથી ચશ્માંના નંબરોનો કાયમી ઉકેલ આવી જાય છે. તેમાં અનેક પ્રકારનાં લેસિક હોય છે. લેટેસ્ટ લેસિકમાં ઓનલાઇન સાયકલોટોર્ઝન લેસિક છે. આ સિવાય વેવફ્રન્ટ લેસિક અથવા ત્રાસા નંબર (સિલિન્ડર નંબર) હોય તો ઓનલાઇન અને વેવફ્રન્ટ લેસિક હોય છે. આ બંને સાથે થાય તેવા લેસિકનો આગ્રહ આજકાલ વધી રહ્યો છે. આવા સંયુકત લેસિકને ઓપીડીસીએટી લેસિક કહેવાય છે.



મોતિયો :



આ એક એવો રોગ છે જે દરક વ્યક્તિને ઘડપણમાં થાય છે. કેટલાકને નાની ઉમરે પણ આવી જાય છે. મોતિયો થવાનું મુખ્યત્વે કોઈ કારણ હોતુ નથી. ઘડપણ જ કારણ હોય છે. મોતિયાનું ઓપરેશન મુખ્યત્વે બે રીતે થાય છે. ટાંકાવાળું અને ટાંકા વગરનું. ટાંકા વિનાનું મોતિયાનું ઓપરેશન આજે વધુ લોકો કરાવતા થયા છે. ટાંકા વિનાના ઓપરેશનના બે પ્રકારના છે. ફેકોઇમલ્સીફિકેશન અને એસઆઇસીએસ. ફેકો ઇમલ્સીફિકેશન એટલે મોતિયો ઓગાળીને કાઢવાની પદ્ધતિ. આ પદ્ધતિથી ઓપરેશન બે પ્રકારે થાય છે. આંખમાં ઇન્જેક્શન સાથે અને આંખમાં કોઈપણ જાતના પીડાજનક ઇન્જેકશન વિના અને પાટા વિનાનું મોતિયાનું ઓપરેશન.



હવેથી આવી જ રીતે ઝામરનું ઓપરેશન પણ ઇન્જેકશન વિના અને પાટા-પટ્ટી વિના થઈ શકે છે. આ ઉપરાંત જયારે ફેકો પદ્ધતિથી મોતિયાના ઓપરેશન બાદ મિલ્ટફોકલ મણિ મૂકવાથી દૂરના તથા નજીકના બંને નંબરો દૂર થઈ જાય છે અને દર્દીને ચશ્માંમાંથી મુક્તિ મળી જાય છે.



ઝામર :



ઝામર એ આંખનો છૂપો દુશ્મન છે. આંખમાં થતો આ રોગ ઝામર છે એટલે કે આંખનું દબાણ વધવું. આના કારણે આંખની નસ સુકાય. ઝામર બે પ્રકારનાં હોય છે કડવો ઝામર અને મીઠો ઝામર. કડવા ઝામરમાં આંખમાં દુખાવો થાય અને આંખો લાલ થાય અને તેનો ઉપાય છે લેસર. મીઠા ઝામરમાં દદીર્ને કોઈ તકલીફ પડતી નથી અને દ્દષ્ટિ ધીરે ધીરે ઓછી થાય છે. તેનું પણ સરળતાથી ઇન્જેકશન વગર ઓપરેશન થઈ શકે છે, પરંતુ સમયસર નિદાન થવું જરૂરી છે. તેથી દર વર્ષે આંખનું દબાણ મપાવતા રહેવું જોઈએ.



બેતાળાં :



૪૦ વર્ષથી ઉપરની વ્યક્તિને આવતા બેતાળાંના નંબર અત્યાર સુધી આવતા ધોળા વાળની જેમ સ્વીકારી લેતા હતા, પરંતુ આજના યુગમાં ઘણા લોકોને ચશ્માં બંધન લાગે છે. આવી વ્યક્તિઓ માટે આશીર્વાદરૂપ છે કન્ડકિટવ કેરેટોપ્લાસ્ટી નામની પદ્ધતિ, જેનાથી બેતાળાં દૂર કરી શકાય છે. આ ઉપરાંત હવેથી બેતાળાં માટે લેસિક સારવાર પણ ઉપલબ્ધ છે. ફ્રાન્સના ડો. તલેન્દ્રોએ વિકસાવેલ પી.એ.સી. લેસિકથી બંને આંખમાં બેતાળાંના નંબર ઉતારી શકાય છે. સાથે સાથે બંને આંખથી દૂર તથા નજીકનું ચોખ્ખું દેખી શકાય છે. બેતાળાંવાળા વ્યક્તિઓ પીએસી લેસિક કરાવીને બેતાળાંથી મુક્તિ મેળવી શકે છે.



કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ :



આ સિન્ડ્રોમ કોમ્પ્યુટર ઉપર સતત ૪થી ૫ કલાક કામ કરવાથી થાય છે. તેમાં વ્યક્તિને આંખમાં બળતરા થવી તથા આંખમાં ખંજવાળ આવવી તથા આંખ લાલ થવી વગેરે જેવી તકલીફ થાય છે. આવું થવા પાછળનું કારણ છે ઓફિસમાં સતત એસીને લીધે સૂકુ બનતું હવામાન તથા સતત કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર નજર રાખવાને લીધે આંખના પલકારા ઓછા થવા. સતત નજીક જોતા રહેવાને લીધે પણ આ સમસ્યા થાય છે. આનો ઉપાય છે ૨૦-૨૦-૨૦નો નિયમ. આમાં વ્યક્તિએ દર ૨૦ મિનિટે ૨૦ ફૂટ દૂર ૨૦ સેકન્ડ માટે જોવું જોઈએ. જેથી આંખને રાહત મળે છે. આ ઉપરાંત કોમ્પ્યુટરનું મોનિટર આંખોના લેવલથી નીચે રહેવું જોઈએ જેથી આંખોને રાહત મળે.



આંખ લાલ થવી:



કન્ઝકિટવાઇટિસ એટલે કે આંખ લાલ થવી એ આંખનું એક પ્રકારનું ઇન્ફેકશન છે. આ રોગ જયારે વ્યક્તિને સમૂહમાં થાય ત્યારે એપિડેમિક કહેવાય છે. આપણને તે ન થાય તે માટે વ્યક્તિએ આંખને અડતા પહેલાં હાથ ધોવા જોઈએ જેથી બીજા કોઈનો ચેપ આપણને ન લાગે અને આપણે બચી શકીએ.



આંખની અન્ય સમસ્યાઓ :



આ ઉપરાંત ઘણીવાર વ્યક્તિને આંખમાં ચળ આવતી હોય છે, જે આંખની એલર્જી હોઈ શકે છે મોટાભાગે ધૂળની એલર્જી, ધુમાડો, તડકો, કે રજકણોની એલર્જી હોઈ શકે છે. વ્યક્તિને જેની એલર્જી હોય તે સ્થિતિને ટાળવી અથવા તો વારંવાર સ્થિતિ પેદા થતી હોય તો આંખના ડોકટરને બતાવવું જરૂરી છે. કેટલીકવાર આંખમાં આંજણી થઈ દુખાવો થતો હોય છે ત્યારે એન્ટિબાયોટિક દવાઓ અને દુખાવાની ગોળીઓ લેવાની જરૂર પડે છે.



ઘરે ગરમ પાણીના શેક પણ કરી શકાય છે જેમને બ્લડપ્રેશર કે ડાયાબિટીસની સમસ્યા હોય તેમને આંખના પડદા ઉપર લોહી નીકળવાની કે સોજો આવી જવાની અથવા તો ઝાંખું દેખાવાની સમસ્યા થાય ત્યારે આંખના ડોકટરની સારવાર તાત્કાલિક લેવી જોઈએ. આંખમાં કચરો પડવાની તકલીફ ઘણા લોકોને થાય છે. કેટલીક વાર આ કચરો નીકળી જાય છે, પણ તેનાથી ઘણીવાર આંખમાં સોજો આવી જાય કે પછી કચરો નીકળે જ નહીં તો ડોક્ટર પાસે જઈ તે કઢાવવો પડે છે.



જો કચરો લાંબો સમય સુધી રહે તો આંખમાં ઇન્ફેકશન પેદા કરે છે અને આંખમાં ફૂલ પડી જાય છે. કેટલીકવાર એકિસડન્ટ કે કોઈપણ રીતે આંખ ઉપર ઝાપટ વાગે ત્યારે આંખ ફૂટી જાય અથવા તો આંખની કીકી ઘસાઈ જાય તેવું બને છે જેમાં ઘસાયેલી કીકીમાં જરૂરી સારવાર કરવામાં આવે છે અને ફૂટેલી આંખમાં ટાંકા લઈ ટ્રીટમેન્ટ કરવી પડે છે.



આમ તમને આંખમાં સહેજ પણ ગરબડ લાગે તો તરત જ આંખના ડોકટરને બતાવી જરૂરી સારવાર લેવાનું શરૂ કરી દેવું જોઈએ. ઘણી વાર લોકો જયાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવે રાખે છે, સહન કરે રાખે છે, જેને લીધે કયારેક અમૂલ્ય દ્દષ્ટિ ગુમાવવાનો વારો આવે છે. એટલે જ આંખની સમસ્યા સતાવતી હોય તો તે અંગે આંખ આડા કાન કરવા નહીં.



જાણવા જેવું...



આંખના મોટાભાગના રોગો સામે હવે તો લેસર પદ્ધતિથી ઓપરેશન સુલભ બન્યાં છે, એટલે કે આંખમાં કોઈ પ્રકારનું ઈન્જેકશન માર્યાં વિના કે આંખને અડ્યા વિના જ ઓપરેશન થઈ શકે છે, જેને લીધે આંખની ચીરફાડ કરવાની જરૂર રહેતી ન હોવાથી આંખની સલામતીનું પ્રમાણ પણ વઘ્યું છે.