
Spotlight
Special Articles Special Articles
આ રોગના દર્દીમાં હાર્ટએટેકનાં લક્ષણો જોવા મળે છે, પરંતુ બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે. વાસ્તવમાં તેમને થતો છાતીનો દુખાવો માનસિક કારણોસર થતો હોય છે
૫૭ વર્ષના હસમુખભાઈ બેંક ઓફિસર છે. બેંકના ઓફિસર હોવાને લીધે તેમની ઉપર કામનું ભારણ હોવું તે સ્વાભાવિક છે. એક દિવસ બેંકનું કામ પૂરું કરીને મોડેથી ઘરે આવ્યા અને જમ્યા પછી આરામ કરવા લાગ્યા ત્યારે છાતીમાં ડાબી બાજુ થોડો દુખાવો લાગતો હતો.
થોડીવારમાં તેમને દબાણનો અનુભવ થવા લાગ્યો અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી. સાથે હાથમાં ધ્રુજારી આવવા લાગતા હસમુખભાઈને લાગ્યું કે તેમનો જીવ હમણાં જ જતો રહેશે. તેમના બધા જ પ્રકારના રિપોટ્ર્સ નોર્મલ આવતાં સાઈકિયાટિ્રસ્ટને મળવાની સલાહ આપવામાં આવી.
ઉપરોક્ત કેસમાં હાર્ટએટેક આવ્યા હોય તેવાં જ લક્ષણો જોવા મળે છે તેમ છતાં આ રોગ મનોચિકિત્સાનો વિષય છે. કામના ભારણ અને વધુ પડતા સ્ટ્રેસને લીધે ઘણા વ્યક્તિઓમાં આવી સમસ્યા જોવા મળતી હોય છે. આ બીમારીમાં દર્દીને હૃદયરોગનાં કોઈપણ ચિહ્નો ન હોવા છતાં તેના જેવાં ચિહ્નો જોવા મળે છે.
આ બીમારીમાં દર્દીને તેના હૃદય બાબતે ખૂબ જ ચિંતા હોય છે. દર્દીને એવું લાગે છે કે તેને હૃદયરોગનો હુમલો આવી જશે. તેને છાતીમાં દુખાવો રહે છે તથા કયારેક શ્વાસ પણ ચડે છે. ઘણીવાર દર્દીને હૃદયરોગ હોવાનો ભય(સિવિયર ફોબિયા) હોય છે. અથવા તો દર્દીને એવી શંકા હોય છે કે તેને હૃદયરોગની બીમારી છે. દર્દીઓ આ રોગનાં લક્ષણો જણાય કે તરત જ સીધા જ કાર્ડિયોલોજિસ્ટ પાસે જઈ મોટા-મોટા રિપોર્ટ કઢાવી લે છે. કારણ કે મામલો આખરે દિલનો હોવાથી ગભરામણ થવી તે પણ સ્વાભાવિક છે.
આ બીમારી મનોશારીરિક છે જેમાં ડિપ્રેશનના કારણે આવું થાય છે. આમાં એન્કઝાયટીનાં લક્ષણો પણ જોવા મળે છે. મન ઉદાસ રહે છે સાથે કયારેક આત્મહત્યાના વિચારો પણ આવે છે. વ્યક્તિને કંઈ જ ગમતું નથી,માથાનો દુખાવો રહે છે. કેટલીક વાર વારંવાર પેશાબ જવાનું અને બેચેની તથા ચક્કર આવવા તે આનાં મુખ્ય લક્ષણો છે.
આ બીમારી ૫થી ૧૦ ટકા લોકોમાં જોવા મળે છે તથા સ્ત્રીઓમાં વધુ પ્રમાણ હોય છે. જેમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ ૨:૧ હોય છે. મોટાભાગના લોકો ૫૦ વર્ષથી મોટી ઉમરના હોય છે પણ કેટલીકવાર નાની ઉમરના લોકોમાં પણ આ રોગ જોવા મળે છે. તેની પાછળનું કારણ લાઇફસ્ટાઇલ, વર્કલોડ અને સ્ટ્રેસ જવાબદાર હોય છે.
આ બીમારીનાં ચિહ્નો મોટાભાગે પૌઢ વ્યક્તિઓમાં જોવા મળે છે. આ બીમારી મોટા ભાગે લાંબો ગાળાનો હોય છે અને વચ્ચે વચ્ચે વધી જાય છે. દર્દીને એવો ભય રહે છે કે તેને હૃદયરોગનો હુમલો આવશે અને તે તેની જ ચિંતામાં ડૂબેલો રહે છે. ક્યારેક ડિપ્રેશનનાં ચિહ્નો પણ જોવા મળે છે.(મન ઉદાસ રહેવું, બેચેની થવી, રડવું આવવું, આત્મહત્યાના વિચારો આવવા.)
સાઇકોજનિક નોન કાર્ડિયાક ડિસીઝનાં મુખ્ય લક્ષણો
‘શ્વાસ લેવામાં તકલીફ પડવી, ઊડો શ્વાસ ન લઈ શકાય, ધબકારા વધી જવા, છાતીમાં દુખાવો અથવા બેચેની થવી, ચક્કર આવવા, થાક લાગવો, ખૂબ જ પરસેવો થવો, ઊઘ ન આવવી, ભીડમાં ખૂબ જ બેચેની થવી વગેરે
નિદાન
ઉપરોક્ત લક્ષણોના આધારે એકવાર વ્યક્તિના બધા જ રિપોર્ટ તપાસી લેવામાં આવે છે તથા હાર્ટએટેકનાં કોઈ નિશાન ન જણાય અને આ રોગનાં લક્ષણો જણાય ત્યારે આ રોગ નિદાન કરવામાં આવે છે.
સારવાર
ઉપરોકત નિદાનને આધારે જ આ રોગની સારવાર શરૂ કરવામાં આાવે છે, જેમાં શરૂઆતમાં સાઇકોથેરાપીમાં ઇન્ડિવિઝ્યુઅલ થેરપી આપવામાં આવે છે. કેટલીકવાર ફેમિલી થેરાપી આપવામાં આવે છે. દર્દીના મનના વિચારો જાણી,ચિંતાઓ બહાર કાઢી હિપ્નો થેરપી આપવામાં આવે છે. જેનાથી દર્દીના મનના નકારાત્મક ભાવો બહાર આવે છે.
ઉપરાંત દવાઓ દ્વારા ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે જેમાં એન્કઝાયટીની દવાઓ અને ડિપ્રેશનનાં લક્ષણો જણાય તો એન્ટિડિપ્રેશનની દવાઓ શરૂ કરવામાં આવે છે. કયારેક ઊઘ ન આવે તો ઊઘની દવાઓ આપવાની પણ જરૂર પડે છે.