HomeSpotlightSpecial Articles Special Articles

ધર્માચરણ મારક નહીં પણ તારક બનશે

વિષયાસક્ત બન્યા વગર તેને સમજણપૂર્વક વિવેકથી ભોગવીએ તો તે તારે અને અવિવેકથી ભોગવીએ તો તે ડુબાડે



ભગવાને જ માનવીને ‘કામ’ની-ઇચ્છાની દેણગી આપી છે. તે જ ‘કામ’ને ગીતામાં જ ભગવાને માણસનો શત્રુ ગણાવ્યો છે. મહાપાપ કરાવનારો, મહાખાઉધરો શત્રુ ગણાવ્યો છે.



‘કામ’ ભલે આપણો શત્રુ હોય, પણ તેના વગર જીવન વ્યવહાર શક્ય છે? તો એનો અર્થ એવો થયો કે આ શત્રુ આપણે પનારે પડયો છે અને એમ જ હોય તો જીવનમાં શાંતિ ક્યાંથી મળે? તો શું ભગવાનની એવી ઇચ્છા છે કે આપણે અશાંતિભર્યું જીવન જીવીએ? જો એવું હોય તો ભગવાનને આપેલું પરમ કારુણિકતાનું પરમ કૃપાળુપણાનું બિરુદ લાજે!



‘કામ’ નિર્માણ કેમ થાય છે તે પણ જાણી લઇએ અને તે ઘ્યાનમાં આવશે તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું સુગમ થશે. ‘કામ’ શબ્દ અનેક અર્થમાં વપરાયો છે. તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ ‘કામ’ એટલે ઉત્કટ ઇચ્છા-વાસના. ‘કામ’ એટલે ઇન્દ્રિય સુખોપભોગની -મૈથુન ઇત્યાદિની ઇચ્છા અને કોઇ પણ પ્રકારનો ‘કામ’ નિર્માણ થાય છે. તેનું કારણ ભગવાને ગીતામાં સમજાવ્યું છે, વિષયનું ચિંતન કરનાર માણસને વિષયમાં સંગ ઉત્પન્ન થાય છે અને સંગમાંથી કામ ઉત્પન્ન થાય છે. સંગ એટલે તે તે વિષયનું વળગણ અને તે ‘કામ’ માણસને વિષયાસકત બનાવે છે.



સષ્ટિમાં ભગવાને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ એ પાંચ વિષયો નિર્માણ કર્યા છે અને તે ભોગવવા માટે અનુક્રમે કાન, ત્વચા, આંખ, જીભ અને નાક એમ પાંચ ઇન્દ્રિયો આપી છે અને માણસ ઓછાવત્તા અંશે આ પાંચ ઇન્દ્રિયો મારફતે આ પાંચ વિષયોમાં રમમાણ થાય છે. શ્રીમદ્ શંકરાચાર્યે ‘વિવેક ચૂડામણિ’માં તેનું સુંદર દ્રષ્ટાંત આપ્યું છે.



શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ -એ પાંચ વિષયોમાંથી માત્ર એક એક વિષયમાં જ પોતપોતાના સ્વભાવ પ્રમાણે રમમાણ થયેલાં હરણ, હાથી, પતંગિયું, માછલી અને ભમરો મોતને નોતરે છે. શિકારીની વાંસળીથીં મોહિત થઇને હરણ તે સાંભળવા ઊભું રહી જાય છે અને શિકારી તેનો શિકાર કરે છે.



ખાડા ખોદી તે ઢાંકી દઇ શિકારી હાથણી ઊભી કરે છે અને હાથણીના સ્પર્શના મોહમાં મદમસ્ત થઇ હાથી દોડતો આવી તે ખાડામાં પડે છે. શિકારીના હાથમાં સપડાય છે.



દીવો જોઇ પતંગિયું તેની નજીક આવીને બળી મરે છે. માછીમારના કાંટામાં ખાધ પદાર્થના રસના મોહમાં માછલી તેને ખાવા જાય છે અને કાંટામાં ફસાઇને મોતને નોતરે છે.



અને કમળની સુવાસમાં લોભાયેલો ભમરો સાંજે કમળ બિડાય છે ત્યારે તેમાં ગૂંગળાઇને મરી જાય છે. જયારે મનુષ્ય તો પાંચે વિષયોમાં આસકત છે તો તેની અવદશાનું તો શું કહેવું?



મતલબ, સંસારમાં વિષયો રહેવાના જ છે. તે ભોગવવા માટે ભગવાને ઇન્દ્રિયો પણ આપી છે. તેથી ભોગવવાની ઇચ્છા થાય તે સહજ છે, પરંતુ તેને સમજણપૂર્વક વિવેકથી ભોગવીએ તો તે તારે અને અવિવેકથી ભોગવીએ તો તે ડુબાડે. ગુજરાતીમાં કહેવત છે કે, રસના ચટકા હોય, કુંડાળાં ન હોય.



ખલિલ જિબ્રાને આ વાતને સરસ રીતે મૂલવતાં લખ્યું છે, ‘આ બધા વિષયો, તેની તૃષ્ણા-ઇચ્છા ન હોય એમ પણ નહીં. એ ભલે હોય, એ તો દુનિયામાં રહેવાનાં, પણ તમે તો તેનો કમરબંધ બનાવીને પહેરી લીધો હોય, તમારા અંગમાં તે હોય પણ હૃદયને કે મસ્તકને તેનો સ્પર્શ પણ ન હોય, જાણે તમે એ બધાથી પર હો, તદ્દન નિર્લેપ એક વસ્ત્ર પેઠે.’ માણસે વસ્ત્ર પહેર્યું હોય પણ શરીરને તે ચોંટતું નથી. તેમ વિષયો રાખવાના, ભોગવવાના છતાં તે મન, બુદ્ધિનો કબજો લઇ ન લે. તેની ઝંખના મનમાં ન ઉદ્ભવે તો જ કામ શત્રુ નહીં બને.



hindu_religion