HomeSpotlightSpecial Articles Special Articles

શ્રી લક્ષ્મી, સરસ્વતીના ગુણધર્મોને પાણી સાથે સામ્યતા

‘વહેતાં પાણી નર્મિળાં, બંધ ગંધીલાં હોય’, તે જેટલું પાણી માટે લાગુ પડે તેટલું જ શ્રી લક્ષ્મી તથા જ્ઞાનને પણ લાગુ પડે છે. સરખાવા બેસો તો ત્રણે વચ્ચે ઘણી સામ્યતાઓ જોવા મળશે.



જેમ પાણી ઉપરની તરફથી નીચેની તરફ વહે છે, તેમ શ્રી લક્ષ્મીનો પ્રવાહ ધનવાન તરફથી મઘ્યમ ને ગરીબ તરફ હોય છે. બેંકો, તિજોરી વગેરેમાં રહેવું નાણું ધિરાણ રૂપે કે ખર્ચ, ખરીદીમાં વહેતું રહે છે. જો તે પ્રમાણે ન થાય તો તે શુદ્ધ ન રહે ને (વ્યાજ, ડિવિડન્ટ વગેરેનું) નુકસાન થાય.



જેમ નદીના પાણીને પહાડો વચ્ચે, વિશાળ સ્થળે ભેગું થવા દઇ (કેચમેન્ટ એરિયા) પછી ડેમ બાંધી, તેમાંથી (હાઇડ્રોપાવર સ્ટેશનથી) વીજળી ઉત્પન્ન કરાય અને આગળ જતાં કેનાલો દ્વારા પીવા કે ખેતીના ઉપયોગમાં લેવાય તેમ થાપણોમાં એકઠું કરેલું (બેંકમાં) નાણું, યોગ્ય પ્રોડક્ટિવ (ઉધોગો, ખેતી, ધિરાણો)માં વપરાય અને દેશમાં ધંધા, ખેતીનો વિકાસ કરાય તથા રોજીરોટી માટે એમ્લોયમેન્ટ (રોજગારી) માટે સદુપયોગ કરાય. જ્યારે પ્રકારનો પ્રવાહ અટકે (ખોટા લોકોને, ખોટાં ધિરાણો કરીને) ત્યારે (કરોડોના એન.પી.એ. ખાતાં થવાથી) દેશમાં પ્રોડકિટવ (પ્રગતિ) પ્રોગ્રેસ અટકે અને તેનો પ્રવાહ ચાલુ કરવામાં (ડી.આર.ટી, કોર્ટો, વકીલો) ખૂબ ખર્ચા થયા જ કરે.



જેમ માન સરોવર, ગંગા, નર્મદા, કાવેરી જેવી નદી કે પવિત્ર કુંડોનાં પાણી શુદ્ધ અને પવિત્ર હોય, તેમ નાણાં પણ એક નંબરના શુદ્ધ ગણાય અને બે નંબરના અશુદ્ધ. જેમ પાણી વરસાદ રૂપે વાદળામાંથી વરસે, પછી ઝરણાં, નદી, નાળાં, સરોવર, ડેમ પછી વરાળથી પાછાં વાદળાં બંધાય અને ફરી વરસાદ રૂપે વરસે એટલે તેની ‘સરકીટ’ ને ‘સાઇકલ’ છે, તે જ પ્રમાણે બેંકો પાસેથી ધંધા, ઉધોગવાળા તથા જોબ કરનારાના પગારરૂપે તેઓ પાસેથી ખર્ચ, ખરીદી રૂપે, ધંધા કરનારાને ઉધોગપતિ પાસે બચતરૂપે પાછા બેંકમાં થાપણ થાય તેમ તેની પણ સાઇકલ છે. જેમ પાણી માટે ઘણા શબ્દો જળ, વારિ કે ભૂ વગેરે છે તેમ નાણાં માટે શ્રી, લક્ષ્મી, પૈસો, ધન વગેરે શબ્દો છે.



શ્રી લક્ષ્મીની જેમ જ્ઞાનને પણ પાણી સાથે સરખાવતાં ઘણી બાબતોમાં સામ્યતા જોવા મળશે. પાણીની જેમ જ એટલે ઉપરથી નીચે જેમ તે વહે છે તેમ જ્ઞાની પુરુષો, વિદ્વાનો પાસેથી જ્ઞાન બીજા ન જાણનારા કે ઓછા જાણનારા તરફ જાય છે. પ્રાચીન જમાનામાં આશ્રમમાં ગુરુ પાસેથી ખગોળવિધા, ધનુર્વિધા, જ્યોતિષ શાસ્ત્ર, રાજવિધા, ગૂઢ રહસ્યો વગેરે જ્ઞાન તેના શિષ્યોને મળતું. એકવીસમી સદીને તો જ્ઞાનની સદી કહે છે, શિક્ષકો, પ્રોફેસરો તથા સેમીનારો કે વર્કશોપમાં સ્પીકરો તરફથી વિધાર્થી તથા શ્રોતાઓને જાણકારી, જ્ઞાન મળે છે. આ સિવાય મિડિયા, ન્યૂઝપેપરો, મેગેઝિનો, કેસેટ, વિડિયો વગેરે દ્વારા જ્ઞાનનો પ્રચાર એ એક પ્રકારનો તેનો પ્રવાહ છે.



જેમ પાણીના અમુક જથ્થાથી વધુ સંગ્રહવા જાવ તો ડેમ તૂટે, તિરાડ પડે તેમ જે વ્યકિત તેના મગજમાં વધુ પડતું જ્ઞાન ભેગું થવા દે અને તેને વહેવા ન દે, એટલે બોલે કે લખે નહીં તો તેને પોતાને જ મગજની બીમારી, બીપી વગેરે થાય. બાળપણમાં રાજાના સુપડા જેવા કાન તેના વાળંદે જોયા તે જ્ઞાન તે છેવટે જંગલમાં જઇ ઝાડને કહે છે. તેવી વાર્તા સાંભળી હશે. શ્રી ગીતાજીમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે તેમ તે જ્ઞાન પણ યુગો પહેલાં સૂર્યને કહેલું ને પાછું તે બહાર આવે છે. પાણી જમીન નીચે ભૂગર્ભ, પાતાળમાં જાય તો ત્યાંથી પણ એક દિવસ ફરી જમીન પર ઝરા, કુંડમાં આવે જ છે, તે કાયમ ભૂગર્ભમાં રહી ન શકે. તેવું જ જ્ઞાન માટે છે.



ઘણાં ગૂઢ રહસ્યો, મેલી વિધા કે અઘોર વિધા પણ છેવટે મરતા પહેલાં ગુરુ તેના એકાદ-બે શિષ્યોને બતાવે જ છે. પાણી, લક્ષ્મીની જેમ જ્ઞાન પણ શુદ્ધ, અશુદ્ધ કે સારું ને ખરાબ એવા વિવિધ પ્રકારનું હોય છે. પાણી, શ્રી લક્ષ્મી તથા જ્ઞાન ઓચિંતાનું ગમે તે રસ્તે આવે, ગમે તેટલા સમય માટે રહે ને પાછું જો જતું રહેવું હોય તો ઓચિંતુ જતું પણ રહે. તેના આવવાના માર્ગોને જવાના માર્ગો અનેક ને અનિશ્ચિત છે. તેને તમે લાંબો કાળ પકડી રાખી ન શકો. ત્રણે ચંચળ છે. લોટરી લાગે તો ભાડાના નાના મકાનમાંથી બીજા જ અઠવાડિયે મોટા બંગલામાં મોકલી આપે. ત્રણેને પચાવવું પણ સહેલું નથી. ત્રણેનો સદ્ઉપયોગ થાય તો જમીનથી આસમાને પહોંચી જવાય અને જો દુરુપયોગ થાય તો રાજામાંથી રંક થઇ જવાય.



godess_lakshmi_saraswati