HomeSpotlightSpecial Articles Special Articles

ઉત્તમ બાળક માટે ગર્ભાધાન સંસ્કાર

સંસ્કાર એ સારવાર કે ચિકિત્સા નથી, પરંતુ સારવાર કે ચિકિત્સા કરતાં ચઢિયાતી પ્રક્રિયા છે.



ભારતીય સંસ્કતિ અને શાસ્ત્રોમાંથી જે કેટલાંક ઉત્તમ અને સમાજોપયોગી વિધિવિધાન મળી આવે છે, તેમાં સર્વશ્રેષ્ઠ છે ગર્ભાધાન સંસ્કાર. સંસ્કાર એ સારવાર કે ચિકિત્સા કરતાં ચઢિયાતી પ્રક્રિયા છે.



સંસ્કારનો ટૂંકો અને સીધોસાદો અર્થ થાય છે ‘ગુણાંતરધાન’, એટલે ગુણમાં પરિવર્તન આવવું. કોઇ પણ પદાર્થના મૂળ ગુણમાં સંસ્કાર દ્વારા પરિવર્તન આવે છે. ચોખામાંથી પૌંઆ બને અને મમરા પણ બને. પૌંઆ પચવામાં ભારે અને મમરા પચવામાં હલકાં. ચોખા ઉપર સંસ્કાર કરીને આવું પરિવર્તન શકય બને છે.



ચોખાના બે અલગ અલગ ગુણવાળા પદાર્થો બનાવવા માટે જે ક્રિયા કરવામાં આવી તેને સંસ્કાર કહેવાય છે. સંસ્કારનું બીજું ઉદાહરણ લઇએ. આપણો સામાન્ય અનુભવ છે કે બે પોપટમાંથી એક પોપટ ખાટકીને ત્યાં જાય તો તે અશિષ્ટ ભાષા બોલે છે અને બીજો પોપટ પંડિતને ત્યાં જાય તો તે શિષ્ટ ભાષા બોલે છે. અલગ અલગ સંસ્કારથી પોપટમાં આવું પરિવર્તન થાય છે. આપણાં શાસ્ત્રો મુજબ સંસ્કાર એ સારવાર કે ચિકિત્સા નથી, પરંતુ સારવાર કે ચિકિત્સા કરતાં ચઢિયાતી પ્રક્રિયા છે!



મહર્ષિ વ્યાસ દ્વારા ‘પ્રતિપાદિત સતિ’માં સોળ મુખ્ય સંસ્કારોનું વર્ણન છે, જેમાં ગર્ભાધાન સંસ્કાર સૌથી મહત્ત્વનો સંસ્કાર છે. પુત્ર પેદા કરવા માટેના સંસ્કારને પુંસવન સંસ્કાર કહે છે જેનો ઉલ્લેખ પુરણોમાં પણ છે. ભાગવતના અઢારમા અઘ્યાયમાં ઉલ્લેખ છે કે મહર્ષિ કશ્યપની અજ્ઞાથી દિતિએ પુંસવન વ્રત રાખ્યું હતું.



ભારતીય સંસ્કૃતિમાં અને શાસ્ત્રમાં ઉત્તમ સંતાન પેદા કરવા માટે જે ગર્ભાધાન સંસ્કારનો ઉલ્લેખ છે તેમાં સંસ્કારને અંતે સંતાનમાં નીચેના ગુણો ઊતરે છે.



(૧) પૂર્ણ વિકસતિ (૨) સંપૂર્ણ તંદુરસ્ત (૩) પૂર્ણ અંગોવાળો (૪) તમામ અંગો સમપ્રમાણ (૫) દેખાવડો (૬) ભરાવદાર (૭) રૂપાળો (૮) બુદ્ધિશાળી (૯) તેજસ્વી અને (૧૦) દીઘાર્યુ



એટલે આયુર્વેદમાં દંપતીને ગર્ભધાન સંસ્કાર અપાય છે, જેથી ગર્ભસ્થ શિશુમાં ઉપરના ગુણો આવે તેનો પૂર્ણ વિકાસ થાય, તેનો અધૂરે મહિને ગર્ભપાત ન થાય, તે વહેલો ન આવે, ગર્ભમાં તેનો વિકાસ રુંધાઇ ન જાય, તે પૂરા સમયે સંપૂર્ણ તંદુરસ્ત રીતે જન્મે. આમ, ગર્ભાધાન સંસ્કારનો હેતુ વિશાળ છે અને શિશુના સ્વાસ્થ્ય માટે ઉપકારક પણ છે.



આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે શ્રેષ્ઠ ફલ માટે શ્રેષ્ઠ બીજ જરૂરી છે. આથી પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ બીજાણુઓના શુદ્ધિકરણ માટે દંપતીના આંતરમનનું (શરીર, મન અને આત્માનું) શુદ્ધિકરણ કરતા હતા. આયુર્વેદનાં શાસ્ત્રો પ્રમાણે ઋષિમુનિઓ રાજા-મહારાજાઓના કુંવરની જન્મતારીખ નક્કી કરી ૯ માસનો સમય બાદ કરી, તેના છ માસ પહેલાં શુદ્ધિકરણ કે ગર્ભધાન સંસ્કાર કરતા હતા.



પ્રાચીન સમયમાં નવદંપતી માટે રાજાના મહેલ અને શયનકક્ષને સુંદર રીતે શણગારી હોમ-હવન અને ધૂપ વડે તેને શુદ્ધ કરવામાં આવતા. ત્યારબાદ ઇષ્ટદેવતા અને વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પૂજા થતી. આ છ મહિના દરમિયાન નક્કી કરાયેલ સજજન માણસો જ રાજાના મહેલમાં પ્રવેશ પામી શકતા. મહેલના વાતાવરણને પવિત્ર રાખવા શ્લોકો, મંત્રો, પ્રાર્થનાની મદદ લેવાતી હતી. નવદંપતી (રાજકુંવર અને રાણી) પણ એકદમ આનંદિત મન અને શરીર સાથે બાગ-બગીચા, નદી-તળાવમાં ફર્યા બાદ, સ્વરછ સ્વિમિંગ પૂલમાં સુગંધિત પાણીમાં સ્નાન કર્યા પછી, આકર્ષક વસ્ત્રોથી સજજ થઇ, ફૂલોની ખૂશ્બુઓથી મઘમઘતા શયનકક્ષમાં પ્રવેશ કરતી. આમ આપણા પૂર્વજો આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે અનેક વિધિ દ્વારા શ્રેષ્ઠ બાળક સહેલાઇથી મેળવતા.



આધુનિક વિજ્ઞાને શોધી કાઢયું છે કે ગર્ભમાં રહેલ બાળક પર માતાના વિચારોની અસર થાય છે, પરંતુ આયુર્વેદ તો તેનાથી પણ આગળ વધીને કહે છે કે માતાના શરીરમાં જયારે બીજ તૈયાર થયું હોય ત્યારે (ઋતુકાળે) માતા જેવા આચાર-વિચાર કરશે તેવું સંતાન તેને પ્રાપ્ત થશે. આથી જ આયુર્વેદમાં ઋતુમતી સ્ત્રીને પાળવાના નિયમો ઘડાયા હતા અને તેને લોકપરંપરાનું રૂપ આપીને જનસમાજમાં પ્રચલિત બનાવાયા હતા.



‘સુશ્રત સંહિતા’માં લખ્યું છે કે ‘ઋતુસ્નાતા સ્ત્રી જેવા પુરુષને જુએ કે જેના રૂપગુણનું ચિંતન કરે છે તેવા સંતાનને તે જન્મ આપે છે.’ મહર્ષિ ચરક તો ઋતુકાળમાં સ્ત્રીને જેવા સંતાનની ઇચ્છા હોય તેવા પુરુષના ચિંતન ઉપરાંત તેના જેવા આહાર વિહારનું સેવન કરવાની પણ સલાહ આપે છે. આથી ઋતુકાળમાં સ્ત્રીએ ક્રોધ ન કરવો, ઠંડું ભોજન ન કરવું, દિવાસ્વપ્ન નહીં જોવાં, બીભત્સ વાણીનું શ્રવણ ન કરવું, ઊચા સૂરે વાત નહીં કરવી વગેરે નિયમોનું પાલન કરવાની હિમાયત કરવામાં આવી છે.



આયુર્વેદમાં ગર્ભની ઉત્પત્તિને ખેતરમાં અનાજ ઉગાડવા સાથે સરખાવાઇ છે. જેમ ઉત્તમ અનાજ માટે સારી જમીન, યોગ્ય ઋતુ અને યોગ્ય માત્રામાં પાણીની જરૂર હોય તેમ શ્રેષ્ઠ ગર્ભોત્પત્તિ માટે પણ તંદુરસ્ત જનન અવયવો ધરાવતી સ્ત્રી, ઋતુકાળ તથા સ્ત્રીશરીરમાં આવશ્યક પૂરતી ધાતુઓ, સ્વસ્થ સ્ત્રીબીજ અને પુરુષના ઉત્તમ શુક્રાણુની આવશ્યકતા છે.



આ થઇ આપણાં શાસ્ત્રોમાં વર્ણવેલ ગર્ભાધાન સંસ્કારની ટૂંકી વાત. હવે આપણે આપણાં શાસ્ત્રો અને આધુનિક વિજ્ઞાન બંનેનો સમન્વય કરી ઉત્તમ બાળક કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેની વિગતવાર ચર્ચા કરીએ. શરૂઆત લગ્નથી કરીશું.



લગ્ન : લગ્ન એટલે બે આત્માઓનું મિલન! લગ્ન એટલે બે દિવ્યતાઓનું જોડાણ, જેથી ત્રીજી દિવ્યાતાનું નિર્માણ થઇ શકે!! લગ્ન એ જીવન માંગલ્યનો સૌથી મહત્ત્વનો ઉત્સવ છે. લગ્ન એ દંપતીના સહજીવનની યાત્રાનું પ્રથમ સોપાન છે. લગ્નમાં કન્યા જેને વરે તે વર.



આપણી હિંદી લગ્નવિધિમાં કંઇ ને કંઇ સંકેત-રહસ્ય છુપાયેલાં છે. દરેક વિધિ પાછળ ચોક્કસ અર્થ રહેલો છે, જેનો મર્મ વરરાજા અને કન્યા સમજે અને આંતરમનમાં ઉતારે તો ધન્ય બની જાય! લગ્નના અનુસંધાનમાં અથર્વવેદ કહે છે કે હે નવદંપતી! તમે બંને સાથે સાથે ચાલો. સાથે આગળ વધો. સાથે ઐશ્વર્ય અને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરો. તમારા બંનેનાં ચિત્ત પરસ્પર મળેલાં રહો. તમારાં બધાં કર્મો પરસ્પર હળીમળીને થતાં રહો.



પ્રેમ : ઉત્તમ સંતાન પેદા કરવા માટે પતિ-પત્ની વચ્ચે અદભૂત, અદ્વિતીય અને અલૌકિક પ્રેમ હોવો અતિ આવશ્યક છે. પતિ-પત્નીનો પવિત્ર, પ્રબળ અને પ્રગાઢ પ્રેમ આંતરમનને પુલકિત રાખે છે, જેની સુંદર અસર જીન્સ દ્વારા સંતાનમાં ઊતરે છે.



- લેખક ભૌતિકશાસ્ત્રમાં પૂર્વ અઘ્યાપક અને અમરનાથધામના મેનેજિંગ ટ્રસ્ટી છે.



cute_baby_india