HomeSpotlightSpecial Articles Special Articles

અહિંસા પરમો ધર્મ...

પંચશીલનું પ્રથમ શીલ છે, અહિંસા. શરીર, વાણી અથવા મનથી કોઇ પણ જીવને હાનિ પહોંચાડવાની વૃત્તિ હિંસા કહેવાય. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ બંનેનો સમાવેશ થાય છે. કોઇ હિંસક કાર્યમાં સંમતિ આપવી કે નિષ્ક્રિય પ્રેક્ષક બનવું પણ સૂક્ષ્મ હિંસા જ છે. જીવસૃષ્ટિના અન્ય સહચરો જેવા કે પશુ-પંખી અને વૃક્ષો સાથે ક્રૂરતાપૂર્ણ આચરણ કરવું તે હિંસા છે. જોકે ફરજના ભાગ રૂપે દંડ આપવાનું કાર્ય હિંસા નથી.

યોગદર્શનમાં સુંદર સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, રોગીને સારવાર દરમિયાન શરીરનું કોઇ અંગ કાપી નાખવું પડે તો પણ તે જીવ બચાવવા આવશ્યક હોવાથી તેને હિંસા ન ગણવી, પરંતુ દંડ આપતી વખતે તેમાં ક્રોધ, દ્વેષ કે વેરભાવ ભળી જાય તો આવી ક્રિયા હિંસક ગણાય.

વેદવ્યાસે અહિંસાની સર્વ વ્યાપક વ્યાખ્યા કરી છે , ક્યારેય કોઇ પણ પ્રાણી વિશે ચિત્તમાં દ્રોહ ન કરવો તે અહિંસા છે. જૈનદર્શન તો સમૂળું અહિંસા પર આધારિત છે. વાસ્તવમાં અહિંસા બધા જ યમ-નિયમ અને વ્રતોનું મૂળ સ્ત્રોત છે. અન્ય બધાં જ વ્રતો અહિંસાને વધુ અર્થપૂર્ણ બનાવવા લેવાય છે. અહિંસાના અભાવમાં સત્ય વગેરે અન્ય વ્રતોનું કોઇ મૂલ્ય નથી.

અહિંસાનું મૂળ કયાં છે? ‘અદ્વૈત’ અહિંસાનું મૂળ છે. અદ્વૈત એટલે એકાત્મભાવ. સમગ્ર જીવસૃષ્ટિ સાથે ‘લોહીનો સંબંધ’ અનુભવવો એટલે અદ્વૈતનો આવિષ્કાર! ઇશોપનિષદના છઠ્ઠા મંત્રમાં અહિંસાના તત્ત્વનું દર્શન થયું છે. પ્રત્યેક જીવ સાથે પોતીકાપણું અનુભવનાર માણસ કયારેય કોઇનો તિરસ્કાર નહીં કરે. જગદ્ગુરુ શંકરાચાર્યે સમસ્ત માનવજાતને દિવ્યતાના એક સૂત્રમાં બાંધવા અદ્વૈત મંત્ર આપ્યો છે. પ્રત્યેક જીવમાં શિવનું દર્શન એ એકાત્મ વ્રતનું સર્વોચ્ચ શિખર છે.

એક સંત નદીમાં સ્નાન કરતા હતા, ત્યારે તેમણે પાણીના પ્રવાહમાં એક વીંછીને તણાતો જોયો. સંતે વીંછીને હથેળીમાં લઇ કિનારે મૂકયો. વીંછીએ તેમના હાથમાં ડંખ માર્યો. થોડી વારે વીંછી ચાલતો ચાલતો ફરીથી નદીના પાણીમાં પડયો અને માંડયો તણાવા. સંતે ફરીથી તેને કિનારે મૂકયો, વીંછીએ તેમને વળી પાછો ડંખ માર્યો. આમ વારંવાર થયા કરે.

આ જોઇ શિષ્યથી ન રહેવાયું. તેણે સંતને કહ્યું, ‘ગુરુદેવ, આ તુચ્છ હિંસક પ્રાણી આપની કરુણાનો ઉપકાર વાળવાને બદલે આપને ડંખ મારે છે. તેને તેના હાલ પર છોડી દેવો જોઇએ.’ વીંછીના ડંખની પીડા થવા છતાં સંતના મોઢા પર કરુણાનું સ્મિત ફરકી રહ્યું. તેમણે કહ્યું, ‘જો આ તામસી અને તુચ્છ જીવ પોતાની પ્રકૃતિ ન છોડી શકતો હોય તો પછી મારે મારી સાત્ત્વિક વૃત્તિ કેમ છોડાય?’

હિંસા-અહિંસાનો સંબંધ પ્રકૃતિ સાથે છે. કેટલાંક રાની પ્રાણીઓ શિકાર કરીને પેટ ભરે છે. તેમની હિંસા પ્રકૃતિ ગત છે. પાપી પેટના કાજે હિંસા કરતી વેળા તેમનામાં વેરભાવ છે કે નહીં તે જાણવા તો તેમનો જ અવતાર લેવો પડે, પણ માણસ જયારે હિંસા કરે છે, ત્યારે તેમાં ક્રોધ કે વેરવૃત્તિની હાજરી ચાડી ખાય છે.

ગીતામાં સત્ત્વ-રજસ-તમસ નામની ત્રણ પ્રકૃતિનું વર્ણન છે. પ્રેમ-કરુણા-બંધુત્વ જેવી શુભ ભાવનાઓનું માવતર છે, સત્ત્વગુણ. રજોગુણના થડ પર વિંટળાયેલી વેલીઓ છે, તૃષ્ણા, લોભ, મોહ અને અહંકાર. જયારે ક્રોધ અને હિંસા એ તમોગુણનાં સંતાનો છે. ઘણા લોકો પ્રકૃતિને અપરિહાર્ય એટલે કે ટાળી ન શકાય તેવી ગણે છે, પરંતુ જો તેવું જ હોય તો આ બધા સંસ્કાર-પરંપરાઓ અને ધર્મની શી જરૂર? મૂળ-પ્રકૃતિ તો અદ્વૈત છે. પણ તેનાથી વિમુખ થઇને અન્ય વિધર્મી પ્રકૃતિને વશ થયેલા માણસને તેની બુનિયાદી વૃત્તિ તરફ વાળવાનું કામ ધર્મનું છે. એટલે ડાહ્યો માણસ પ્રકૃતિનું બહાનું બનાવવાને બદલે વૃત્તિના ઊર્ધ્વગમન માટે પ્રયાસ આદરશે.

આતંકવાદ જેવી માનવસર્જિત આપદાઓ અને સંભવિત અણુયુદ્ધથી થનાર સર્વનાશના ભયથી થર થર કાંપતી માનવ સભ્યતા માટે અહિંસા એ પ્રથમ અને અંતિમ સહારો છે. તેના માટે પ્રત્યેક જીવમાં શિવનાં દર્શનની શંકરાચાર્યજીની અને ભગવાન મહાવીરની શીખ હૈયે ધરવી પડશે. એક વાત નિ:શંક છે, આ યુગમાં અવતરનાર વિશ્વ વિભૂતિના હાથમાં એક માત્ર શસ્ત્ર હશે, અહિંસાનું. ‘ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય’ ગાનાર નરસિંહ મહેતાના પુનરાવતાર માટે કોઇ શીલવાન માતા-પિતાએ વ્રત ધારણ કરવું પડશે.

મહાત્મા ગાંધી અને કબીરના પ્રેરક જીવન પ્રસંગો હજુ આપણા પર્યાવરણમાં તાજા-માજા અને અકબંધ સચવાયેલા છે. ચાલો આપણા પૂર્વજોએ રચેલ આ માનવ સભ્યતાની રક્ષા માટે કટિબદ્ધ થઇએ. જાતિ-કૂળ અને ધર્મ- સંપ્રદાયની સંકીર્ણ માનસિકતાને તગેડી મૂકીએ. સર્વોપરિતાને બદલે સંસ્કારિતાને વૈશ્વિક આદર્શ તરીકે સ્વીકારીએ. આવું કરીશું તો જ ટીવીના કાર્યક્રમોમાં દેખાડાતી પ્રલયની જયોતિષીય સંભાવનાને નકારી શકીશું.

આવો, ઋગ્વેદના એ અમર ઉદ્ઘોષથી સમગ્ર વિશ્વના બાંધવોને આહ્વાન કરીએ, ‘શ્રુણ્વન્તુ વિશ્વે અમતસ્ય પુત્રા: ...’

non_violence_gandhiji