
Spotlight
Special Articles Special Articles
એડીના ભાગથી સમગ્ર તળિયાના વળાંકવાળા ભાગને આવરી લેતી સખત માંસપેશી ‘પ્લાન્ટર ફેસિયા’નો સોજો- એ એડીના દુખાવાનું સૌથી મહત્ત્વનું કારણ છે.
આ ઉપરાંત એડીના ભાગે હાડકું વધવું અથવા પગના પંજાની નીચેની સપાટીના ભાગે આવેલ ‘ટિબીયલ નર્વ’ ઉપર દબાણને લીધે પણ એડીનો દુખાવો ઉદભવે છે. ઘણી વખત એડીના સ્નાયુઓને હાડકાં સાથે જોડતા ટેન્ડનના સોજા ‘એકીલિસ ટેન્ડનાઇટિસ’ ને લીધે ઉદભવતી સમસ્યામાં એડીના નીચેના ભાગે નહીં પરંતુ પૃષ્ઠભાગે દુખાવો થાય છે.
પ્લાન્ટર ફેસિયા કે ટેન્ડનનો સોજો તેનું મુખ્ય કારણ હોવા છતાં જો આર્થરાઇટિસ કે અન્ય કોઇ સંલગ્ન સમસ્યા ન હોય તો હિલ પેઇનનાં લક્ષણોમાં તેના નામ મુજબ દુખાવા સિવાય સોજો કે અન્ય કોઇ લક્ષણો પ્રત્યક્ષ રીતે દ્રશ્યમાન થતાં નથી. વ્યક્તિને એડીના ભાગે થતો દુખાવો વહેલી સવારે ટેન્ડનની સખ્તાઇને લીધે વધી જાય છે. થોડા હલન-ચલન પછી સ્નાયુઓના રિલેક્સેશનથી તેની તીવ્રતા થોડી ઓછી થઇ જાય છે. ઉપરાંત, જો વધુ પડતું ચાલવાનું કે ઊભા રહેવાનું આવે તો દબાણને લીધે દુખાવો ફરી વધી જતો હોય છે.
હિલ પેઇનની આ સમસ્યામાં ખાસ પ્રકારનાં પગરખાં પહેરવાથી એડી ઉપર આવતું દબાણ અમુક અંશે ઓછું થવાથી દુખાવામાં વત્તે-ઓછે અંશે રાહત મળી શકે છે, પરંતુ તે કાયમી ધોરણે નાબૂદ થતો નથી. ઘણીવાર આ સમસ્યાથી પીડિત વ્યક્તિઓને એડીમાં ઇન્જેકશન કે સર્જરીની સલાહ પણ આપવામાં આવતી હોય છે. જે પણ કાયમી નાબૂદી માટે ફાયદારૂપ નીવડતી નથી.
હોમિયોપથી હિલ પેઇનની સમસ્યાથી હંમેશ માટે છુટકારો મેળવી શકાય છે. આ અંગેની કેટલીક હોમિયોપથી દવાઓમાં લિડમયાલ, બરબેરીસ વલ્ગારીસ, બે-ઝોઇક એસિડ, કોસ્ટિકમ વગેરેનો સમાવેશ કરી શકાય જે અત્રે માત્ર જાણ અર્થે સૂચવવામાં આવે છે. વાચકો માટે ખાસ નોંધ કે ઉપરોકત દવાઓ નિષ્ણાત હોમિયોપેથના માર્ગદર્શન સિવાય લેવી નહીં.