HomeSpotlightSpecial Articles Special Articles

દેવ જેવું ઉત્તમ અને સુંદર સંતાન

આપણે પણ આપણાં બાળકોનું નાનપણથી જ પ્રોગ્રામિંગ કરી શિવાજી અને અભિમન્યુ જેવા પરાક્રમી બનાવી શકીએ!

પોતાનું સંતાન દેવના જેવું ઉત્તમ અને સુંદર થાય એટલા માટે ગર્ભાધાન પૂર્વે અને પછી સગર્ભાએ કોઇ અત્યંત સુંદર મૂર્તિને કે ચિત્રને પોતાની દ્દષ્ટિ સમીપ અને મનમાં નિરંતર રમતું રાખવું જોઇએ. બને તો તેમણે પોતાના ઘરમાં ભીંત ઉપર મનોહર ચિત્રો ટાંગવાં જોઇએ અને આરસપહાણની ચિત્તને હરનારી મૂર્તિઓ ઉપર વારંવાર દ્રષ્ટિ પડે એવે સ્થળે ઘરમાં મૂકવી.

જેમની કલ્પનાશક્તિ બહુ ઉત્તમ હોય તેમણે પોતાની કલ્પનામાં રામ જેવું કે કૃષ્ણ જેવું એક અત્યંત મનોહર સ્વરૂપ રચવું જોઇએ. તેનામાં ઈશ્વર જેવા અથવા પોતાના પુત્રને જેવો કરવો હોય તેવા સર્વ ગુણો ધારવા જોઇએ અને પછી તે ચિત્રને પુન: પુન: અત્યંત રસથી જોયા કરવું જોઇએ.

આ પ્રમાણે ગર્ભાધાન પહેલાં બાર માસથી, છ માસથી, ચાર માસથી અથવા ઓછામાં ઓછા એક માસથી, જેમને જેવી અનુકૂળતા હોય તેમણે એ પ્રમાણે ઉપર કહ્યા પ્રમાણે પોતાનાં બાળકોને ઉત્તમ પ્રકારનાં કરવા માટે પોતાનું વર્તન, વાણી અને વિચાર સર્વ પ્રકારે સુધારવાં. ઉપર ઉપરથી નહીં, પણ ખરા મનથી પોતાનું વર્તન સુધારવામાં આવે તો તેની ઊડી છાપ બાળકના મનમાં પડે છે, એ સિદ્ધાંતને નિરંતર સ્મરણમાં રાખીને મા-બાપોએ દ્રઢ સંકલ્પપૂર્વ ખરા મનથી પોતાના સર્વ વર્તનને ઊચા પ્રકારનું કરવું. વધારે સમય ન બને તો ગર્ભાધાનથી પૂર્વના એક માસના સમયમાં તો સર્વ પ્રકારનો ભોગ આપીને પણ પોતાના સર્વ વર્તનને અત્યંત શુદ્ધ રાખવું.

આ માટે અનેક દિવસોની સાધના કે મહેનત કરવી પડશે. આ ઉત્તર તમારું અર્ધજાગૃત મન શરીરના દરેક કોષોને બાયોકેમિકલ્સ મેડિકલ સંદેશ દ્વારા જણાવશે અને આમ તમારા કોષો, પેશી અને અવયવ જાણશે કે ગર્ભ રચવા માટે કેવા બીજની જરૂરી છે. જેમ જેમ જીવનપોષક લાગણીઓ વધતી જશે તેમ-તેમ આપોઆપ શુક્રાણુઓની સંખ્યા અને તેની કવોલિટી સુધરશે. જાગૃતતા કેળવો તો કરોડો શુક્રાણીઓની સ્ત્રીબીજ પસંદ કરવાની હરીફાઇમાં તમારા દ્વારા પસંદ કરાયેલ શુક્રાણુ જ આ હરીફાઇ જીતશે.

પ્રોગ્રામિંગની ૧૦૦ ટકા સફળતા માટે આશંકાના વાયરસને તમારા પ્રોગ્રામમાંથી દૂર કરો. તે માટે આંતર-મનને જ સંપૂર્ણ શરણાગત થવાની જરૂર છે. જો જરા પણ સંશય રાખશો તો આંતર-મન ‘રિસાઇ’ જશે. ગીતામાં ભગવાન શ્રીકષ્ણે પણ કહ્યું છે ‘સંશયાત્મા વિનશ્યતિ’ તેમણે બીજી વાત કરી છે, ‘સર્વધર્માન પરિત્યજ્ય મામેકંશરણં વ્રજ, અંહ ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યમિ મા શુચ:’ દુનિયાની તમામ આધિ, વ્યાધિ, ઉપાધિ છોડીને ‘ભગવાન’ને શરણે થાવ, તે જ તમારો ઉદ્ધાર કરશે.

જો તમે તમારા જ શકિતશાળી અર્ધજાગૃતમન પર વિશ્વાસ અને શ્રદ્ધા નહીં રાખી શકશો તો પછી બહારના કોઇ પણ તમારી ઇરછા પૂર્ણ કરી શકે નહીં અને તમારા જીવનને દિશા આપી શકે નહીં. તમારા બાળકના આંતરમનનું પ્રોગ્રામિંગ એટલે વિધાતાના લેખ જ છે, તેને રચવાની સુવિધા કુદરતે તમને આપેલ છે તેનો ફાયદો ઉઠાવો.

આંતરમનનું પ્રોગ્રામિંગ એક દિવસ કે એક મહિનામાં શક્ય નથી. આંતરમન હંમેશાં ધીરે-ધીરે જ ચમત્કાર કરે છે. આંતરમનની શકિતઓ અપાર અને અચૂક છે. તેનો ઉપયોગ કરતાં પહેલાં મનના વિચારોને સમજવા પડશે. પહેલાંનું પ્રોગ્રામિંગ દૂર કરવું પડશે. આંતરમન પર વિશ્વાસ રાખો, તમારી જાત પર વિશ્વાસ રાખો. જો તમારી તીવ્રતમ ઇરછા ઉત્તમ બાળકની હશે તો, તમારું આંતરમન તેને પૂરું કરશે જ. વિશ્વમાં થતા મહાન ચમત્કાર આંતરમન દ્વારા જ થાય છે!

આંતરમનમાં આત્મવિશ્વાસની લાગણી કેળવવા માટે દરરોજ તમારા મનને ‘હું કરી શકીશ’, ‘મારાથી થશે જ’ તેવા પોઝિટિવ વિચારો દિવસ દરમિયાન આપો. નકારાત્મક અને નબળા વિચારોને બરાબરથી ઓળખી લો અને તેને તમારાથી દૂર કરો. ધીરે-ધીરે તમારું અર્ધજાગૃત મન તમારા પોઝિટિવ પ્રોગ્રામિંગને સ્વીકારશે. એનો શ્રેષ્ઠ ઉપાય છે સતત અભ્યાસ અને ઘ્યાન, સ્વાઘ્યાય, સત્સંગ, મનોચિત્રણ અને પ્રાર્થના.

પ્રાર્થનાની અસર અંગે દેશ-વિદેશમાં ઘણા પ્રયોગો થયા છે. તાજેતરમાં દક્ષિણ કોરિયાની કેટલીક મહિલાઓ પર પ્રાર્થનાની અસર ચકાસવા માટે એક પ્રયોગ કરાયો હતો. આ પ્રયોગ કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો હતો. તેમાં પુરુષબીજ અને સ્ત્રીબીજનું લેબોરેટરીમાં મિલન કરાવ્યા બાદ ગર્ભાશયમાં આરોપણ કરવાનું હતું.

આ સમયે નવતર પ્રયોગ એવો કરાયો કે અમુક સ્ત્રીઓને પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું, જયારે અન્ય સ્ત્રીઓને પ્રાર્થના કરવાની સૂચના અપાઇ નહીં. પ્રાર્થના વખતે જ પુરુષબીજ અને સ્ત્રીબીજનું મિલન કરાવાયું. આ પ્રયોગમાં પ્રાર્થના કરનાર મહિલાઓમાં ગર્ભ રહેવાની શકયતા પ્રાર્થના નહીં કરનાર કરતાં બમણી થઇ ગઇ હતી! પ્રાર્થનાની આવી ચમત્કારિક અસર થાય છે.

ધર્મશાસ્ત્રોનું વાચન, સતી નારીઓના જીવનચરિત્રની ચર્ચા ખૂબ આવશ્યક છે. જે તમારા અંત:મનના પડદા પર જુઓ છો તે તમારા જીવનના પડદા પર પણ થશે જ. જેઓને ભગવાન કે આંતરમનની શકિતઓમાં પૂર્ણ વિશ્વાસ છે તેઓને તેનું ફળ પણ મળશે જ. સૌથી પ્રથમ તમારી ઇચ્છાઓને સ્પષ્ટ કરો. તેને પ્રાર્થનાનું રૂપ આપો. તમારી ઇચ્છાઓને તમે રોજ મંદિરે જઇને તમને શ્રદ્ધા હોય તેવા દેવ પાસે જઇને પ્રાર્થો. તેના દરબારમાં તમે નમ્ર ભાવે અરજ કરો. દરરોજ એ અરજીને સવાર-સાંજ પૂરતી ઇરછા અને શ્રદ્ધા સાથે રિપીટ કરો. રાત્રે સૂતી વખતે પણ તંદ્રાવસ્થામાં આ જ પ્રાર્થના રિપીટ કરો. કુદરત હંમેશાં આપવા તૈયાર જ છે, જરૂર છે ફકત પાત્રતા કેળવીને માગવાની.

ઉત્તમ બાળક પ્રાપ્ત કરવાની પ્રાર્થના મેડિકલ સંદેશામાં ફેરવાઇ જાય છે. તમારું આંતરમન રચશે શરીરમાં શ્રેષ્ઠ બાયોકેમેસ્ટ્રી. આંતરમન દરેક કોષને સર્જનાત્મક કાર્ય કરવાની સૂચના આપશે. શરીરની શ્રેષ્ઠ બાયોકેમેસ્ટ્રી શ્રેષ્ઠ બીજાણુઓનું સર્જન કરશે. શ્રેષ્ઠ સ્ત્રીબીજ મિલન માટે આકર્ષશે શ્રેષ્ઠ પુરુષબીજને. શ્રેષ્ઠ બીજાણુઓનું મિલન સર્જશે ઉત્તમ બાળક!

પોઝિટિવ પ્રોગ્રામિંગનાં અદભૂત પરિણામો આવે છે. પોઝિટિવ પ્રોગ્રામિંગથી મહાન પુત્રો પેદા થાય છે. દેવકી-વસુદેવને આકાશવાણીથી શ્રદ્ધા બેસી ગઇ હતી કે તેમનું આઠમું સંતાન મહાન બનશે અને કંસને મારશે. દેવકી-વસુદેવના મનમાં આ રીતે વિજ્ઞાનની ભાષામાં પ્રોગ્રામિંગ થયું અને પ્રોગ્રામિંગ પ્રમાણે જ પરિણામ આવ્યું. દેવકી-વસુદેવને ત્યાં મહાન શ્રીકૃષ્ણનો જન્મ થયો. જીજાબાઇએ પણ શિવાજીના જન્મ વખતે પોતાના મનનું પ્રોગ્રામિંગ કર્યું હતું તેથી સામાન્ય કુટુંબમાં જન્મેલા શિવાજીએ પુન: હિંદુરાજ્યની સ્થાપના કરી હતી. ભક્ત પ્રહ્લાદ અને લવ-કુશના જન્મ પણ આશ્રમમાં પવિત્ર વાતાવરણમાં થયા હતા જેથી ભકત પ્રહ્લાદ પ્રભુના ભકત બન્યા અને લવ-કુશ મહાબળવાન બન્યા હતા.

બાળક જ્યારે માના પેટમાં હોય છે, ત્યારથી પ્રોગ્રામિંગ થઇ શકે છે. માના પેટમાં બાળક સાંભળી શકે છે. મહાભારતમાં અભિમન્યુના સાત કોઠાના યુદ્ધનું જ્ઞાન, માના ગર્ભમાં અર્ધજાગૃત મનનું પ્રોગ્રામિંગ થઇ શકે છે તેનો પુરાવો છે. ‘થિંક એન્ડ ગ્રો રિચ’ પુસ્તકમાં નેપોલિયન હિલે, પોતાનો છોકરો જયારે માના પેટમાં હતો ત્યારે જ તેના અર્ધજાગૃત મનનું પ્રોગ્રામિંગ કરેલ એ વાત આપેલ છે.

નેપોલિયન હિલનો પુત્ર જયારે માના ગર્ભમાં હતો ત્યારે અમેરિકાના ડોક્ટરોએ સોનોગ્રાફી વડે એક ચોકાવનારું નિદાન કરેલું કે આ બાળક કાન વગર અવતરશે અને કયારેય જીવનમાં સાંભળી નહીં શકે. નેપોલિયન હિલે ડોક્ટરના નિદાનને ચેલેન્જ તરીકે સ્વીકારી બાળક માના ગર્ભમાં હતું ત્યારથી સૂચનો આપવાનાં શરૂ કરી દીધાં કે બેટા, તું આ દુનિયામાં આવીને ખૂબ સરસ રીતે સાંભળી શકીશ. આ રીતે તેના અર્ધજાગૃત મનને સતત સૂચન આપીને તે સાંભળી શકે તે માટેનું પ્રોગ્રામિંગ કર્યું. અર્ધજાગૃત મને ચમત્કાર કરી બતાવ્યો અને નોર્મલ બાળકની જેમ જ સાંભળતો થયો! બહેરાની શાળામાં ભણવાને બદલે સામાન્ય વિધાર્થીની જેમ જ ભણ્યો અને એક સામાન્ય નાગરિક બન્યો.

ઇતિહાસ સાક્ષી પૂરે છે કે આ પ્રોગ્રામિંગનું પરિણામ શ્રેષ્ઠ આવ્યું. આપણે પણ આપણાં બાળકોનું નાનપણથી જ પ્રોગ્રામિંગ કરી શિવાજી અને અભિમન્યુ જેવા પરાક્રમી બનાવી શકીએ!

(લેખક ભૌતિકશાસ્ત્રના પૂર્વ અઘ્યાપક અને અમરનાથધામના મેનેજિંગ ટ્રસ્ટી છે)

lord_krishna_child