
Spotlight
Special Articles Special Articles
વ્યક્તિ ૩૫ થી ૫૫ વર્ષની થાય ત્યારે જ આ રોગ હોવાની જાણ થાય છે. આ ઉમર સુધીમાં તો બાળકો થઈ ચૂકયાં હોવાથી કમનસીબે આ રોગ વારસામાં આવતો અટકાવી શકાતો નથી. જોકે એવાં સંશોધનો ચાલી રહ્યાં છે, જેને લીધે ભવિષ્યમાં આ રોગની જાણ ગર્ભાવસ્થામાં જ થઈ જશે.
વારસાગત કિડનીના રોગોમાં પોલિસિસ્ટિક કિડની ડિસીઝ (પી.કે.ડી.) સૌથી વધુ જોવા મળતો રોગ છે. આ રોગમાં મુખ્ય અસર કિડની પર થાય છે અને બંને કિડનીમાં સસ્ટિ (પ્રવાહી ભરેલા પરપોટા) જોવા મળે છે. ક્રોનિક કિડની ફેલ્યોરનાં અગત્યનાં કારણોમાં એક કારણ પી.કે.ડી. પણ છે. કિડની ઉપરાંત કેટલાક દર્દીઓમાં સસ્ટિ લીવર, બરોળ, આંતરડાં અને મગજની નળી પર પણ જોવા મળે છે.
પી.કે.ડી.નું પ્રમાણ સ્ત્રી-પુરુષ અને અલગ અલગ જાતિ અને દેશના લોકોમાં એક સમાન જોવા મળે છે. આશરે ૧૦૦૦ વ્યક્તિઓમાં એક વ્યક્તિમાં આ રોગ જોવા મળે છે.
પી.કે.ડી. રોગ કોને થઇ શકે :
પુખ્ત વયે જોવા મળતો પી.કે.ડી. રોગ એક પ્રકારનો વારસાગત રોગ છે, જેમાં દર્દીનાં ૫૦ ટકા એટલે કે કુલ સંતાનોમાંથી અડધા સંતાનોને આ રોગ થવાની શકયતા રહે છે.
સામાન્ય રીતે પી.કે.ડી. રોગનું નિદાન થાય ત્યારે દર્દીની ઉમર ૩૫થી ૫૫ વર્ષની આસપાસ હોય છે. મોટા ભાગના પી.કે.ડી.ના દર્દીઓમાં આ ઉમર પહેલાં જ બાળકો થઇ ગયાં હોવાથી કમનસીબે પછીની-ભવિષ્યની પેઢીમાં આ રોગ થતો અટકાવી શકાતો નથી.
પી.કે.ડી.ને લીધે કિડની પર થતી અસર :
‘પી.કે.ડી. રોગમાં બંને કિડનીમાં ફુગ્ગા કે પરપોટા સાથે સરખાવી શકાય તેવા અસંખ્ય સસ્ટિ હોય છે. આવા વિવિધ કદના સસ્ટિમાં, નાના સસ્ટિ નરી આંખે જોઇ ન શકાય તેટલા નાના હોય છે અને મોટા સસ્ટિનું કદ ૧૦ સે.મી. કરતાં વધારે વ્યાસનું પણ હોઇ શકે છે. સમય સાથે આવા નાના-મોટા સસ્ટિનું કદ વધતું જાય છે, જેને કારણે કિડનીના કદમાં વધારો થાય છે.
આ વધતા જતા સસ્ટિના કદને કારણે કિડનીના કાર્ય કરી રહેલા ભાગો પર દબાણ આવે છે, જેને લીધે લોહીના દબાણમાં વધારો અને કિડનીની કાર્યક્ષમતામાં ક્રમશ: ઘટાડો જોવા મળે છે. વર્ષો બાદ ઘણા દર્દીઓની બંને કિડની સાવ બગડી જાય છે ત્યારે દર્દીને જાણ થાય છે. પી.કે.ડી.ના દર્દીઓમાં કિડની ફેલ્યોરનું પ્રમાણ ૬૦ વર્ષની ઉમરે ૫૦ ટકા અને ૭૦ વર્ષની ઉમરે ૬૦ ટકા દર્દીઓમાં જોવા મળે છે.
ચિહ્નો
સામાન્ય રીતે ૩૦-૪૦ વર્ષની ઉમર સુધી મોટા ભાગના દર્દીઓમાં કોઇ ચિહ્નો હોતાં નથી. ત્યાર બાદ જોવા મળતાં ચિહ્નો નીચે મુજબ છે :
‘લોહીના દબાણમાં વધારો થાય.
‘પેટમાં દુખાવો થવો, પેટમાં ગાંઠ હોવી, પેટ મોટું થાય.
‘પેશાબમાં લોહી જાય.
‘પેશાબમાં વારંવાર ચેપ લાગે, પથરી થાય.
‘રોગ વધવા સાથે ક્રોનિક કિડની ફેલ્યોરનાં ચિહ્નો જોવા મળે છે.
‘કિડનીનું કેન્સર થવાની થોડી વધારે શક્યતા.
નિદાન
‘કિડનીની સોનોગ્રાફી :
સોનોગ્રાફીની મદદથી પી.કે.ડી.નું નિદાન સરળ રીતે, ઓછા ખર્ચે પણ ચોક્કસપણે કરી શકાય છે.
‘સીટી સ્કેન :
પી.કે.ડી.ના રોગમાં જો સસ્ટિનું કદ ખૂબ જ નાનું હોય તો સોનોગ્રાફીની તપાસમાં કોઇ તકલીફ જણાતી નથી, આ તબક્કે પી.કે.ડી.નું નિદાન સીટી સ્કેન દ્વારા થઇ શકે છે.
‘કૌટુંબિક માહિતી :
જો કુટુંબમાં કોઇ એક વ્યક્તિમાં પી.કે.ડી.નું નિદાન થાય તો કુટુંબના અન્ય સભ્યોમાં પણ પી.કે.ડી. હોવાની શકયતા રહે છે.
‘કિડની પરની અસર જાણવા માટે તપાસ :
પેશાબની તપાસ : પેશાબના ચેપ અને લોહીની હાજરી જાણવા માટે.
લોહીની તપાસ : લોહીમાં યુરિયા, ક્રીએટીનીનનું પ્રમાણ કિડનીની કાર્યક્ષમતા વિશેની માહિતી માટે જરૂરી છે.
‘જિનેટિક્સની તપાસ :
શરીરનું બંધારણ, જિન એટલે કે રંગસૂત્રો નક્કી કરે છે. અમુક રંગસૂત્રોની ખામીને કારણે પી.કે.ડી. રોગ થાય છે. ભવિષ્યમાં આ રંગસૂત્રોની હાજરીનું નિદાન ખાસ તપાસ દ્વારા થઇ શકશે. તેથી નાની ઉમરની વ્યક્તિમાં પણ ભવિષ્યમાં પી.કે.ડી.રોગ જોવા મળશે કે નહીં તેનું સચોટ નિદાન થઇ શકશે.
સારવાર
પી.કે.ડી. રોગ મટી શકે તેમ નથી છતાં શું આ રોગની સારવાર જરૂરી છે? તેવો પ્રશ્ન બધાને થાય તો હા, સારવારથી રોગ મટતો નથી તેમ છતાં યોગ્ય સારવાર જરૂરી છે. વહેલાસરની યોગ્ય સારવારથી કિડનીને થતું નુકસાન અટકાવવામાં અને કિડની બગડવાની ઝડપ ઘટાડવામાં મદદ ચોક્કસ મળે છે.
મુખ્ય સારવાર :
‘લોહીના દબાણ પર યોગ્ય કાબૂ.
‘યુરિનમાર્ગનો ચેપ અને પથરીની તરત અને યોગ્ય સારવાર.
‘સોજા ન હોય તે દર્દીઓએ વધારે પાણી પીવું, જે યુરિનમાર્ગના ચેપ પથરી અને લાલ યુરિન વગેરે પ્રશ્નો ઘટાડવામાં મદદરૂપ થાય છે.
‘પેટમાં દુખાવો થાય ત્યારે કિડનીને નુકસાન ન કરે તે પ્રકારની દવા દ્વારા સારવાર.
‘કિડની બગડે ત્યારે તેની સારવાર લેવી અત્યંત આવશ્યક છે.
‘ઘણા લોકોને આ કિડનીઓ બંધ થતાં જ ડાયાલિસસિ કરવાની સલાહ આપવામાં આવે છે. તેમ છતાં ડાયાલિસસિ લાંબા સમય સુધી આ રોગના દર્દીઓ માટે હિતાવહ નથી.
‘આ રોગમાં કિડની કામ કરતી બંધ થઈ જાય ત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિકલ્પ બાકી રહે છે પણ તાત્કાલિક પોતાના જ પરિવારના સભ્યો કે જેમને આ રોગ થવાની સંભાવના હોઈ શકે છે કે તેમની કિડનીને પણ આ અસર ભવિષ્યમાં થવાની સંભાવના હોવાથી તેવા પરિવારના સભ્યો માટે પણ કિડની ડોનેટ કરવી હિતાવહ નથી.
‘તેથી જ દર્દીને કેડેવર કિડનીની સલાહ આપવામાં આવે છે કે જેનાથી કુટુંબ બહારની વ્યક્તિ માટે રાહ જોઈ શકાય, પરંતુ આ દર્દીઓ વધુ પ્રમાણમાં પરેશાન થાય છે. તેમ છતાં ટ્રાન્સપ્લાન્ટ બાદ પણ વ્યક્તિને ફરીથી આ પ્રકારે અસર થવાની સંભાવના રહેલી હોય છે.
‘સામાન્ય રીતે ૩૦ વર્ષ સુધી આ રોગ પકડાતો નથી તેમ છતાં પરિવારમાં કોઈ વ્યક્તિને આવી સમસ્યા સર્જાઈ હોય તેમને પોતાના બાળકોને આ રોગ ન થાય તેનું અગાઉથી ઘ્યાન રાખવું, હાલ આ રોગને અગાઉથી પકડવા માટે સંશોધન ચાલી રહ્યાં છે. જેનાથી ગર્ભાવસ્થામાં જ આ રોગ પકડી શકાશે જેથી ભવિષ્યમાં તે વ્યક્તિને આ રોગ ટાળી શકાય.
‘તેમ છતાં બ્લડપ્રેશર અને ધૂમ્રપાન આ રોગને ઇરિટેટ કરે છે તેથી બ્લડપ્રેશર ન થાય તેનો ખ્યાલ રાખવો અને ધૂમ્રપાન ટાળવું જોઈએ.
‘પી.કે.ડી.એ વારસાગત રોગ છે જેને મટાડવાની કે અટકાવવાની કોઇ સારવાર હાલ ઉપલબ્ધ નથી. જો કુટુંબના કોઇ એક વ્યક્તિમાં પી.કે.ડી.નું નિદાન થાય તો આ રોગ વારસાગત હોવાને કારણે, ડોક્ટરની સલાહ મુજબ, અન્ય સભ્યોમાં સોનોગ્રાફી કરી આ રોગ છે કે નહીં તેની ખાતરી કરી લેવી આવશ્યક છે.
જાણવા જેવું...
પી.કે.ડી. હોય તેના બધા સંતાનોને રોગ વારસામાં આવે?
ના, આ રોગ હોય તે વ્યક્તિના ૫૦ ટકા સંતાનોને આ રોગ વારસામાં આવવાની શક્યતા હોય છે.
આ રોગ થયો હોય તે બધા દર્દીની કિડની ફેલ થઈ જાય?
ના, પી.કે.ડી.ના દર્દીઓમાં કિડની ફેલ્યોરનું પ્રમાણ ૬૦ વર્ષની ઉમરે ૫૦ ટકા અને ૭૦ વર્ષની ઉમરે ૬૦ ટકા દર્દીઓમાં જોવા મળે છે.