HomeSpotlightSpecial Articles Special Articles

આસો એટલે ઉજાસનો મહિનો

જયોત સે જયોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો



જેમ શ્રાવણને ભક્તિમાસ, ભાદરવાને પિતૃમાસ તેમ આસો એટલે ઉજાસ-ઓજસનો મહિનો ગણાય છે. આસો મહિનાના પ્રથમ દિવસથી જ નવરાત્રિનું પર્વ શરૂ થતું હોય છે. આ પર્વમાં માતાજીનો ગરબો લેવાતો હોય છે. જે ઘરમાં ગરબો લેવાતો હોય ત્યાં ગૃહિણીઓ સંઘ્યા ટાંણે ગરબામાં (કાણાંવાળી નાની માટલી) ગર્ભદીપ પ્રગટાવે છે, જેથી તેનો પ્રકાશ અંધકારને દૂર કરી તમારામાં શકિતરૂપી ઓજસ પાથરે છે. ત્યાર બાદ ગરબા ગાઇ દીવો પ્રગટાવી આરતી કરવામાં આવે છે.



રાત્રિના સમયે શેરી-સોસાયટી-ગામના ચોરે કે ચૌટે સુંદર મજાની કલાત્મક માંડવી કે ગરબી મૂકવામાં આવે છે. ગરબી કે માંડવી ફરતે અસંખ્ય દીવા પ્રગટાવવામાં આવે છે. તેની પાછળનો ઉદ્દેશ તો અંધકાર રૂપી રાત્રિને ઉજાસમય બનાવી માતાજીની આરાધના કરવી. આ દિવસોમાં ઘણા અખંડ દીવો પણ રાખતા હોય છે.



નવરાત્રિ બાદ આવતું શરદપૂનમનું પર્વ પણ શીતળ પ્રકાશનું પર્વ છે. અમાસના અંધકારને દૂર કરી આકાશમાં ખીલેલો પૂનમનો ચંદ્ર આપણને પ્રકાશ તો આપે છે, સાથે સાથે શીતળતા પણ પ્રદાન કરે છે. પહેલાંના જમાનામાં લોકો શરદપૂનમના અજવાળામાં સોયના કાણામાંથી દોરો પરોવતા. શરદપૂનમનો પ્રકાશ કેવો હશે? જેમાં સોયનું કાણું પણ જોઇ શકાય. શરદપૂનમનાં ચંદ્રકિરણો આંખોને શીતળતા આપનારાં હોય છે.



નવરાત્રિ-શરદપૂનમ બાદ આવતી દિવાળી એટલે મહાપર્વ-પર્વસમૂહ. તે પ્રકાશનું પર્વ હોવાથી તેનાં વિવિધ નામો છે, દિવાળી, દીપાવલી, દીપોત્સવ, દીવોચ્છવ વગેરે. દિવાળીના પર્વ સાથે પણ અનેક દંતકથાઓ જોડાયેલી છે. આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીરે જ્ઞાનનો પ્રકાશપુંજ ફેલાવ્યો, અને આસો વદ અમાસે જયારે તેઓ નિર્વાણ પામ્યા ત્યારે તેમની યાદમાં શ્રદ્ધાળુઓએ લાખો દીપ પ્રગટાવ્યા. સ્વયં પ્રકાશ બની જીવનને અજવાળવાનું પર્વ એટલે દિવાળી.



ભગવાન રામચંદ્રજી રાવણનો વધ કરી વિજય મેળવી આયોઘ્યા પરત આવે છે ત્યારે અયોઘ્યાની પ્રજાએ રામ-લક્ષ્મણ-જાનકીના સ્વાગતમાં ધેર-ધેર, શેરીએ-શેરીએ આખી અયોઘ્યા નગરીમાં દીપમાળાઓ પ્રગટાવી હતી, ખરેખર અવું લાગે કે પૃથ્વી પર જાણે નભોમંડળ ઊતરી આવ્યું ન હોય! તેથી તો દિવાળીને દીપોત્સવ કહેવામાં આવે છે.



દિવાળીએ અમાસ હોય છે, અમાસના અંધકારમાં જ પ્રકાશ કરવાનો હોય છે. પ્રકાશ જ જયાં સર્વત્ર હોય ત્યાં દીવાની એકમાત્ર જયોતિની આવશ્યકતા હોય છે. દિવાળી રોશનીનો જશ્ન છે, જે દીવાઓની પ્રકાશિત જવાળાનાં પ્રતીકો થકી અઘ્યસ્ત અંધત્વને નાબૂદ કરવાની પ્રેરણા આપે છે. દીવાનાં બે કામ છે, એક કામ તે અંધકારને દૂર કરવો, પ્રકાશવું, પ્રકાશ ફેલાવવો અને પ્રભા પાથરવી છે. બીજું કામ એમાંથી બીજો દીવો પ્રકટાવી શકાય એ છે.



દિવાળીમાં રોશની કરવામાં આવે છે. જે અંધકારને દૂર કરી માત્ર પ્રકાશ જ નથી આપતું સાથ-સાથે મનને આનંદ, બાળકોને ખુશી અને પ્રજામાં ઉમંગ-ઉલ્લાસ ઉમેરે છે. આસો મહિનો એ સંવતનો આખરી મહિનો ગણાય છે. તેને વિદાય આપવા અને નવ વર્ષને વધાવવા માટે આપણે આપણી પરંપરા મુજબ દીપ પ્રકટાવીને પ્રકાશ અને પ્રેમ પ્રસરાવતા હોઇએ છીએ.



આપણી સંસ્કૃતિમાં એટલે જ કહેવાયું છે કે ‘જયોત સે જયોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો.



diwali_festival