HomeSpotlightSpecial Articles Special Articles

પંચશીલ...

યોગની આઠ પગલાંની યાત્રાની શરૂઆત ‘યમ’થી થાય છે. પાંચ પ્રકારના યમ છે, સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય. આ પાંચ યમનો સીધો સંબંધ આપણા શરીરની પાંચ કર્મેન્દ્રિયો મુખ, હાથ, પેટ, પગ અને ઉત્સર્ગ અંગો સાથે છે. બૌદ્ધ પરંપરામાં પણ પાંચ યમ ગણાવ્યા છે, જેમાં ‘અપરિગ્રહ’ ને બદલે ‘મધનિષેધ’નો ઉલ્લેખ છે. જૈનદર્શનમાં પણ ઉપર કહેલાં પાંચ મહાવ્રત દર્શાવ્યાં છે.

યોગદર્શનના સાધન પદમાંના એકત્રીસમા સૂત્રમાં કહ્યું છે, ‘જાતિ દેશ કાલ સમયાનવછિન્ના: સાર્વભૌમ મહાવ્રતમ્’ એટલે કે આ પાંચ મહાવ્રતો જાત-ભાત અને દેશ-કાળની મર્યાદાઓથી પરે છે, સર્વથા-સર્વદા પાલન કરવા યોગ્ય છે. વિશ્વની દરેક દર્શન પરંપરા આ મૂલ્યોને પ્રાધાન્ય આપે છે. મહાત્મા ગાંધીજીએ આ પાંચ મહાવ્રતોને સ્વાતંત્ર્યની પ્રાપ્તિ જેટલું જ મહત્ત્વ અમસ્તું જ નહીં આપ્યું હોય!

યોગના પ્રથમ પગથિયે ઋષિએ આ પાંચ વ્રતોનું દર્શન કરીને માનવમનની ગડમથલને સંતુલિત કરવા પ્રયાસ કર્યોછે. માણસ પોતાની મર્યાદાથી વાકેફ હોય તો પણ તેનાથી છૂટી શકતો નથી અને જે માત્ર દંભ અથવા અહંકારના પાતાળકૂવાના તળિયે ડૂબેલો છે તેનું તો આવી જ બન્યું! સંયમનો બોધ કોણ કરી શકે? ગાંધીજીના જીવનની એક સત્યઘટના ખૂબ સુસંગત છે.

એકવાર પ્રાર્થનાસભા પૂરી થાય પછી એક ભાઇ આઠ-દસ વર્ષના પુત્રને લઇને બાપુને મળવા આવ્યા. દીકરાને વધુ પડતો ગોળ ખાવાની ટેવ. જયારે પેલા ભાઇએ પોતાના પુત્રને સમજાવવા વિનંતી કરી ત્યારે બાપુએ તેમને એક અઠવાડિયા પછી આવવા વિનંતી કરી. એક અઠવાડિયા પછી પેલા ભાઇ ફરીથી પુત્ર સાથે આવ્યા ત્યારે મહાત્મા ગાંધીએ બહુ પ્રેમથી બાળકને ગોળ ખાવાની ટેવ છોડવા સમજાવ્યો અને છોકરો માની ગયો.

પછી પેલા ભાઇએ બાપુને કહ્યું કે આ વાત તેઓ એક અઠવાડિયા પહેલાં પણ કરી શકતા હતા. ત્યારે ગાંધીજીએ કહ્યું કે, ‘તમે જયારે પ્રથમવાર આવ્યા ત્યારે મને પણ ગોળ ખાવાની ટેવ હતી. એક અઠવાડિયા સુધી મેં ગોળ ન ખાધો અને આ ટેવ છૂટી શકે છે તેની મને ખાતરી થઇ છે, એટલે સલાહ આપી.’ આચાર નિષ્ઠાનું સૌથી જવલંત ઉદાહરણ એટલે મહાત્મા ગાંધી.

વાસ્તવમાં પંચશીલ એ માનવ ચારિત્ર્યના મુખ્ય રોગોની પ્રતિરોધક રસી છે. અસત્ય વાણી અને વર્તનની રસીનું નામ સત્યવ્રત. સતત પ્રેમ અને કરુણા જેવા ભાવોનું સેવન કરવાથી ક્રૂરતાનું નિવારણ થાય. વધુ પડતું એકઠું કરીએ અને પછી તેના જ ભાર (પરિગ્રહ) નીચે દબાઇ મરીએ. તેને બદલે ‘તેન ત્યકતેન ભુંજીથા’ના અનુસરણ દ્વારા વહેંચીને ખાઇએ તો કંઇક કરી છૂટયાનો ઓડકાર ઉદરને હળવું કરે. મનની વૃત્તિઓને બ્રહ્માકર એટલે અઘ્યાત્મલક્ષી બનાવવાનું વ્રત એટલે બ્રહ્મચર્ય. આ પાંચ મુખ્ય વ્રતોનું નિત્ય સેવન તન-મનને સ્વસ્થ કરે.

આપણને પણ કેટકેટલી કુટેવો હોય છે! જૂઠું બોલવાની, અકરાંતિયાંની જેમ ખાધા કરવાની, કોઇની નિંદા કરવાની, અન્યના હકનું પચાવી પાડવાની વગેરે. આ બધી ટેવોના ગજગ્રાહમાંથી છૂટવું સહેલું નથી. મહાભારતનું યુદ્ધ ટાળવા માટેના અંતિમ પ્રયાસ કરવા શ્રીકૃષ્ણ જયારે વિષ્ટિ કરવા હસ્તિનાપુર જાય છે, ત્યારે દુર્યોધનને તેની મહાન વંશાવળીની યાદ અપાવી ઉદાર બનવા સમજાવે છે : ત્યારે દુર્યોધનના મોઢામાં કવિએ સુંદર વાકય મૂકયું છે : ‘ધર્મ શું છે, તે હું જાણું છું પણ મારી તેમાં પ્રવત્તિ નથી અને અધર્મ શું છે તે જાણવા છતાં તેનાથી દૂર રહી શકતો નથી.’ આ ‘દુર્યોધન વૃત્તિ’ ના શિકાર આપણે સહુ થયા કરીએ છીએ.

સવાલ ‘દુર્યોધન વૃત્તિ’ના ત્યાગનો છે. તેના માટેના ઉપાય છે, ‘તન્મે મન: શિવ સંકલ્પમસ્તુ’. કુટેવનો સ્વીકાર એ તેના નિરાકરણનું પ્રથમ પગલું. શરૂઆત નાના-નાના અને વ્યવહારુ સંકલ્પોથી કરીએ. સંકલ્પોની આ કડીઓ જોડતા રહીએ. એક મજબૂત સાંકળ તૈયાર થશે. એકાએક લેવાયેલા મોટા સંકલ્પો મન માટે ભાર રૂપ બને. કૃત્રિમ અને સમજણ વિનાના સંકલ્પો ક્યારેક અવળી અસર પણ કરે.

ઉદાહરણ તરીકે, બ્રહ્મચર્ય પાલન માટેના અણઘડ પ્રયોગો સરવાળે વિકત મનોદશામાં પરિણમે તેને બદલે જાતીયવૃત્તિનો રચનાત્મક વળાંક કલાક્ષેત્રનાં ઉચ્ચતમ શિખરો સુધી પહોંચાડી શકે. નાનાં બાળકોના ઉછેરમાં આ વાત ખૂબ જ મહત્ત્વની છે. સમજણ કેળવ્યા વિના લદાયેલ પ્રતિબંધો બંડખોર વત્તિમાં પરિણમે છે.

હકીકતમાં મનનો ખાલીપો જ બધી કુટેવોનું મૂળ છે. મનને શુભ સંકલ્પોની સાથે સાથે સારા વિકલ્પો પણ આપતા રહીએ. સારું વાંચન, વ્યાયામ, શારીરિક અને મનોવૈજ્ઞાનિક રમતો અને સંગીત જેવી રચનાત્મક પ્રવત્તિઓ દ્વારા કુટેવોને દૂર ને દૂર ધકેલતા રહીએ. અચાનક જ કોઇ એવી ક્ષણ આવી મળશે જયાં અંતરના ખૂણે કાનાની બંસરીનો મીઠો નાદ સંભળાશે. તન-મનની સરહદો ઓગળી જશે. જયાં જઇશું ત્યાં માત્ર મધુરતાનું દર્શન થશે. બસ, આ જ તો છે, યોગ!

(લેખક વેદ-શાસ્ત્રોના પ્રખર અભ્યાસુ છે.)

meditating_443