HomeSpotlightSpecial Articles Special Articles

આઈસીસી એવોર્ડમાં ભારત છવાઈ ગયું

ગંભીર શ્રેષ્ઠ ટેસ્ટ પ્લેયર, ધોની સતત બીજા વર્ષે વન-ડેનો શ્રેષ્ઠ ખેલાડી અને સુકાની બન્યો



- મિચેલ જહોન્સન આઈસીસી પ્લેયર ઓફ ધ યર જાહેર
- વન-ડે ટીમમાં ધોની, વીરેન્દ્ર સેહવાગ, યુવરાજસિંઘ સામેલ
- ટેસ્ટ ટીમમાં ધોની, સચિન અને ગંભીરનો સમાવેશ
- અલીમ દાર શ્રેષ્ઠ અમ્પાયર
- દિલશાન શ્રેષ્ઠ ટી૨૦ પ્લેયર
- આઈસીસીની ટેસ્ટ અને વન-ડે ટીમની આગેવાની ધોનીને
- સિડલ શ્રેષ્ઠ ઊભરતો ખેલાડી
- કિવિ ટીમને ખેલદિલીનો એવોર્ડ



yuvraj૨૦૦૯ના વર્ષ માટે આઈસીસીએ જાહેર કરેલા વિવિધ એવોર્ડમાં ભારત છવાઈ ગયું હતું. ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોનીને આઈસીસીની શ્રેષ્ઠ ટેસ્ટ અને વન-ડે એમ બંને ઈલેવનના સુકાની તરીકે નીમાયો હતો જયારે ધોનીએ શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટરનો અને ઓપનર ગૌતમ ગંભીરે શ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ હાંસલ કર્યો હતો.



આ ઉપરાંત ભારતના ત્રણ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, વીરેન્દ્ર સેહવાગ અને યુવરાજસિંઘનો ૨૦૦૯ માટેની આઇસીસીની શ્રેષ્ઠ વન-ડે ટીમમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત વર્ષની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં પણ ધોની, સચિન અને ગંભીરનો સમાવેશ કરાયો છે. શ્રીલંકાના તિલકરત્ને દિલશાનને આઇસીસી ટ્વેન્ટી૨૦ પ્લેયર ઓફ ધ યર જાહેર કરાયો છે.



ધોનીએ સતત બીજા વર્ષે આઈસીસીના શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટરનો એવોર્ડ હાંસલ કર્યો છે.



અહીંના સેન્ડટોન કન્વેશન સેન્ટર ખાતે યોજાયેલા એક ઝાકઝમાળભર્યા સમારંભમાં આઇસીસીએ વિવિધ કેટેગરીમાં વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોની જાહેરાત કરી હતી. ૨૦૦૯ના વર્ષ માટેના ઇમજિંગ પ્લેયર તરીકે ઓસ્ટ્રેલિયાના યુવાન બોલર પીટર સિડલને એવોર્ડ એનાયત કરાયો હતો જયારે સ્પિરિટ ઓફ ક્રિકેટનો એવોર્ડ ન્યૂઝીલેન્ડની ટીમને મળ્યો હતો.



૨૦૦૯ના વર્ષ માટેના શ્રેષ્ઠ અમ્પાયરનો એવોર્ડ પાકિસ્તાનના અલીમ દારને આપવામાં આવ્યો હતો. આ સાથે છેલ્લા પાંચ વર્ષથી સતત એવોર્ડ જીતી રહેલા ઓસ્ટ્રેલિયાના સાઇમન ટફેલની ઇજારાશાહીનો અંત આવ્યો હતો.