HomeSpotlightSpecial Articles Special Articles

લોહતત્વની ઊણપ ‘એનિમિયા’

anemia_blood_diseaseઆયર્ન કે લોહતત્વ રક્તકણોનો આધારભૂત બંધારણીય એકમ છે, જેની સાથે ‘ગ્લોબીન’ નામના પ્રોટીનના સંયોજનથી હિમોગ્લોબીન બને છે. હવે જયારે શરીરમાં લોહતત્વની ઊણપ સર્જાય છે ત્યારે હિમોગ્લોબીનના સર્જનની પ્રક્રિયા મંદ પડી જાય છે. જેને સામાન્ય ભાષામાં લોહીની ઊણપ અને તબીબીક્ષેત્રે ‘આયર્ન ડેફિશિયન્સી એનેમિયા’ તરીકે ઓળખવામાં આવે છે.



એનેમિયા ઉદ્ભવવાનું એક મહત્ત્વનું પરિબળ છે વધુ પડતો રકતસ્ત્રાવ. પેપ્ટિક અલ્સર, હરસ-મસા, અલ્સરેટિવ કોલાઈટીસ, હૂકવોર્મ ઈન્ફેક્શન તથા કેટલીકવાર વારંવાર ઉદભવતી સમસ્યાઓ જેવી કે નસકોરી ફૂટવી વગેરે કારણોસર થતો વધુ પડતો રકસસ્ત્રાવ એનિમિયામાં પરિણમે છે. સ્ત્રીઓમાં મહદંશે આ સમસ્યા પ્રેગ્નન્સી અને સ્તનપાનના સમયમાં પોષણની વધેલી જરૂરિયાતને લીધે ઉદ્ભવે છે. કયારેક ગરીબીને લીધે અપૂરતું પોષણ પણ એનેમિયાનું કારણ બને છે.



અહીં એ ઉલ્લેખનીય છે કે એનેમિયા હકીકતમાં કોઈ રોગ નથી, પરંતુ વિષમ પરિબળોથી ઉદ્ભવતાં લક્ષણોના સમૂહથી ઉત્પન્ન થતી પરિસ્થિતિ છે. આ લક્ષણોમાં ચહેરો, આંખો તથા જીભ પર ફિક્કાશ, આંખોની આસપાસ કાળા કુંડાળા, થાક, નબળાઈ, ગભરામણ, માથાનો દુખાવો, શરીરમાં કળતર, સોજો, થોડો શ્રમ કરવાથી શ્વાસ ચઢવો, સ્ફૂર્તિનો અભાવ વગેરે જોવા મળે છે. અતિગંભીર પરિસ્થિતિમાં કયારેક કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોર થવાની શકયતા પણ રહે છે.



એનેમિયા માટે હોમિયોપથીમાં ફેરમ ફોસ્ફોરિકસ, આર્સેનિકમ, આલ્બમ, ફેરમ મેટાલીકમ, સન્કિના-ઓફિસીનાલીસ વગેરે દવાઓ ઉપલબ્ધ છે. આ દવાઓની પસંદગી માટે રોગનાં લક્ષણોને પ્રાધાન્ય અપાતું હોવાથી નિષ્ણાત હોમિયોપેથ દર્દીનાં લક્ષણોનું નિદાન કરીને યોગ્ય દવા આપે તો ત્વરિત રાહત મળે છે.