Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

જૂના મરડા કે આંતરડાના રોગ માટે એલોપથી બિનઅસરકારક

Irritable_bowel_syndromeઆંતરડાના રોગ જીવલેણ નથી હોતા પણ એલોપથિક દવા તેને જીવલેણ બનાવી શકે છે માટે નિસર્ગોપચાર જ શ્રેષ્ઠ

આયુર્વેદના ડોક્ટરો કહેતા કે માણસ તેના દાંત વડે જ તેની કબર ખોદે છે. તાત્પર્ય હતું કે સ્વાદુ જીભને કારણે માણસો ન ખાવાની ચીજો ખાઈને રોગોને નોતરે છે.

પણ ૨૦મી અને ૨૧મી સદીમાં ગુજરાતીઓ, અમેરિકનો અને બીજા સ્વાદુ ભોજન કે તળેલી ચીજના કે જંકફૂડના શોખીનો તેમના દાંત વડે કબર ખોદતા નથી, પણ ડોક્ટરોનાં ગજવાં ભરે છે.

તળેલો ખોરાક ખાવાથી અને સતત ઉજાગરા, ચિંતા અને ડિપ્રેશનને કારણે ખોરાક પચતો નથી અને છતાંય ગુજરાતી શોખીનો લગ્નના જમણવાર કે કોકટેલ-ડિનરમાં બીમાર પેટે ઝાપટે છે. આથી શરૂમાં એસિડિટી થાય છે તેની એલોપથિક દવાઓ ખાઈને કે એનોઝ ફ્રૂટ સોલ્ટને જાણે ઇલમ માનીને ગ્લાસ ઉપર ગ્લાસ પીવે છે અને પછી પેટ-આંતરડાં જવાબ દઈ જાય છે.

જેને વૈધો જૂનો મરડો કહે છે તેને એલોપથિક ફૈબાઓ ‘ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ’ કહે છે. ખરેખર તો ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એ રોગનું નામ ગ્લેકસો કંપનીએ જ ઊપજાવી કાઢયું છે તેમ ‘બિગ ફાર્મા’ના લેખક જેકી લો (પાનું ૫૮) કહે છે. આ રોગ સૌપ્રથમ ગ્લેકસો કંપનીએ ઊપજાવી કાઢયો.

ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવા રોગની દવા બજારમાં મૂકીને કરોડો કમાવાનાં અપલખણ દવાકંપનીએ શરૂ કર્યાં તેનો આધાર મેં ‘બિગ ફાર્મા’ અને ‘જનરેશન આરએકસ’ તેમ જ ‘ડેથ બાય પ્રિસ્ક્રિપ્શન’ નામનાં ત્રણ પુસ્તકોમાંથી લીધો છે. દર્દીને બેવકૂફ બનાવીને જ દવા ખપાવવાનાં તરકટ જ નહિ, પણ એ દવાથી ઘણાનાં મોત નોતરવાની વાત આ ત્રણ પુસ્તકોમાં છે.

દેશી ભાષામાં આપણે જેને જૂનો મરડો કહીએ છીએ, જેમાં વારંવાર જાજરૂ જવાની ખણસ થાય તેમ જ ઝાડા થાય અગર તો સખત કબજિયાત પણ થાય છે. મોટા ભાગની ૨૦મી કે ૨૧મી સદીની દવા જે ડિપ્રેશન માટે હોય કે અનિદ્રા માટે હોય તેને માટેની નવી દવાના સેલિબ્રિટીઓ દ્વારા વખાણ કરાવાય છે. પણ તેના લીધે વારંવાર સંડાસ જવું પડે છે, તે કબૂલ કરવા સેલિબ્રિટી તૈયાર નહીં થાય!

મેડિકલ એજયુકેશન કંપની જે વીવો નામે ઓળખાય છે, તેણે આ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમની પોલ બહાર પાડી છે. તેના હાથમાં એક છૂપું ડોકયુમેન્ટ આવ્યું. તે પ્રમાણે મેડિકલ એજયુકેશન પ્રોગ્રામના ઓઠા હેઠળ લોટ્રોનેકસ નામની દવાને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ માટે અકસીર ઠરાવવાની ઝુંબેશ એક દવાકંપનીએ શરૂ કરી.

સૌપ્રથમ કંપનીએ ઓસ્ટ્રેલિયામાં તેની લોટ્રોનેકસની દવાની માર્કેટિંગ સ્ટ્રેટેજી શરૂ કરી. ડોક્ટરોના મગજમાં ભૂસું ભરાવીને દર્દનાં લક્ષણો ઠરાવ્યાં. તેને રોગ માટે લોટ્રોનેકસ જ નવી દવા છે તેમ ઠસાવ્યું. બસ, પછી તો ડોક્ટરોને ઝાઝી બુદ્ધિ લડાવવી ન પડતી.

જુદી જુદી સમાજસેવી આરોગ્ય સંસ્થાના અંદાજ પ્રમાણે અમેરિકામાં ૧૫થી ૨૦ ટકા અમેરિકનોને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ છે. બીજો અંદાજ ૩૦ ટકા અમેરિકનોને આ નબળા આંતરડાના રોગનો અંદાજ છે જયારે ત્રીજો અંદાજ પાંચ કરોડ અમેરિકનોનો છે.

ચોપાટી ઉપર કે અમદાવાદના બગીચાઓ પાસે કે મોડર્ન રેસ્ટારાંમાં કે કાંદિવલીમાં ઠેર ઠેર પૂરી-પકોડી,ભજિયાં,મુઠિયાં અને જંકફૂડ ખાનારા ગુજરાતીઓને જોઉ છું ત્યારે લાગે છે કે ગુજરાતીઓ હવે આ રોગ નોતરીને ડોક્ટરોને જેમાં કાંઈ ગતાગમ નથી તે દવામાં પૈસા બગાડીને વધુ આંતરડાને બગાડે છે અને કેટલાક ડોક્ટરો તો ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમની તકલીફ લઈને વારંવાર જાય ત્યારે તેને કોલન ઉર્ફે મોટું આંતરડું કઢાવી નાખવાનું કહે છે, કારણ કે તળેલા પદાર્થોખાઈ ખાઈને મોટા આંતરડાની પત્તર ખંડાઈ જાય છે. અંદરથી આ આંતરડું મિલના ભૂંગળા જેવું કાળું થઈ જાય છે.

આ રોગનો શ્રેષ્ઠ ઇલાજ તો નિસર્ગોપચાર પાસે છે. જૂનો મરડો અગર ઇરિટેબલ બોવેલ ઉપવાસ, આહારવિહાર અને રસાહાર થકી સંપૂર્ણ સારો થાય છે. તમે નિસર્ગોપચાર આશ્રમમાં ન જઈ શકો તો ડોક્ટરો પાસે આ ફરિયાદ માટે જતા નહીં. ઓડનું ચોડ વેતરાશે. તે માટે કોઈ પણ સારા વૈદને પકડજો. સારો વૈદ કોણ એ તમારે નક્કી કરવાનું છે. એલોપથિક ડોક્ટરો તો મહદંશે આ આંતરડાના રોગ માટે કાયમી રાહત કરી શકતા નથી અને જો તેની એલોપથિક દવા આપે તો ઝાડા બંધ કરવાની દવા આપે છે. આ કોઈ જીવલેણ રોગ નથી પણ એલોપથિક દવા તેને જીવલેણ બનાવી શકે છે.

લોટ્રોનેકસ નામની દવા ડો.ગ્રેગ ક્રિટસર (જનરેશન આરએકસ)ના કહેવા પ્રમાણે ૧૯૯૯ના જૂનમાં અમેરિકાના ડ્રગ્ઝ ખાતાએ મંજૂર કરી ત્યારે માત્ર એક જ કિલનિકલ ટ્રાયલને આધારે ફટાફટ મંજૂર થઈ. પણ જેટલી ઝડપથી મંજૂર થઈ એટલી ઝડપથી તેની આડઅસર જણાવા માંડી.

દર્દીઓ, હોસ્પિટલો અને ડોક્ટરો તરફથી રિપોર્ટ આવવા માંડયા કે આ દવા થકી જ ‘ઇશેમીક કોલાઇટિસ’ નામની નવી ઉપાધિ શરૂ થઈ! આંતરડામાં ચાંદા પડવા લાગ્યા. આંતરડા સૂઝવા લાગ્યા. ઘણાને તો એટલી કબજિયાત થઈ ગઈ કે તે કબજિયાત લાઇફ થ્રેટનિંગ (જાન માટે જોખમ) બની ગઈ. એ પછી અમેરિકન ડ્રગ્ઝ ખાતું જેને ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કહે છે તેણે દવાને બજારમાંથી પાછી ખેંચી લેવા કહ્યું.

એ પછી કોને ખબર ગ્લેકસોએ કાંઈ ઇલમ કર્યું ત્યારે ફેડરલ ડ્રગ ખાતાએ કહ્યું કે આ દવાથી શું આડઅસર થાય છે તે સ્પષ્ટ જણાવવું અને સાવચેતીથી દવા લેવી! પણ ત્રણ મહિનામાં આ દવા થકી પાંચ દર્દી મરી ગયા. તેમનાં આંતરડાં ફાટી ગયાં. તે વખતે ગ્લેકસોએ દવા પાછી ખેંચી. પણ હજીય તમે જુદી જુદી વેબસાઇટ જોશો તો લોટ્રોનેકસ જેનું મૂળભૂત નામ એલોઝેટ્રોન છે તે વેચાય છે.

અમેરિકા અને બ્રિટનમાં ઘણા ડોક્ટરો ઝાડા રોકવા લોમોટીલ કે ઇમોડિયમ નામની દવા વેચે છે. ડોક્ટરો રોગના મૂળમાં જતાં નથી. તમે કહો કે પેટ કે આંતરડામાં દુખે છે તો બેન્ટિલ કે બીજી ભારતીય બ્રાન્ડની દવા આપે છે. તમે કહો કે જૂના મરડા થકી ડિપ્રેશન આવ્યું છે તો એન્ટી- ડિપ્રેસન્ટ દવા ઠોકી બેસાડે છે. અમેરિકન સ્ત્રીઓ તથા ગુજરાતણોને આ ફરિયાદ વધુ થાય છે. તેમનાં લક્ષણોને એટલે કે ઝાડાને દાબી દેવા હજીય એલોઝેટ્રોન પ્રકારની દવા અપાય છે. મોનિકા રહોડઝ નામની મેડિકલ રિપોર્ટર લખે છે કે ફરી ફરીને આ દવા અમુક સાવચેતી સાથે લેવાનું ડ્રગ્ઝ ખાતાએ કહ્યું છે.

ખરેખર આ કોઈ રોગ નથી. માત્ર એક ફંકશનલ ડિસઓર્ડર છે. આંતરડા પચાવી નહીં શકે તેવા આહારથી આ ફરિયાદ થાય છે. જિની પટેલ થ્રોમ્પસન કહે છે કે ચોકલેટ,પિપરમિન્ટ, કોફી તેમ જ એસિડ પેદા કરનારા ખોરાક ન ખાઓ. ખરેખર તો સ્ત્રીઓ તેમના પતિ કે બાળકો ઉપરનો ગુસ્સો સ્વાદિષ્ટ ફરસાણો કે બીજા હાનિકારક ખાધો ખાઈને દબાવે છે. એટલે સ્ત્રીઓએ તેના ગુસ્સા,ભય કે ચિંતાને દબાવવા ભોજન પર ત્રાપડ મારવાને બદલે મનને શાંત રાખવું જોઈએ, તેમ જિની પટેલ થ્રોમ્પસન કહે છે.

જેને સખત કબજિયાત હોય તેણે તો ડોક્ટર લખી આપે તેવી કોઈ પણ એલોપથિક દવા આ ફરિયાદ માટે ન લેવી. આ દવા થકી તમારા મોટા આંતરડાને લોહીનો જરૂરી પુરવઠો મળે છે તે રોકાય છે. જેને લિવરનો રોગ હોય તેણે આ દવા ન લેવી. આ દવાની આડ અસરરૂપે ઊલટાની પેટની નવી પીડા થાય છે. ઝાડામાં લોહી જાય છે. હૃદયના ધબકાર વધે છે. પેટમાં સખત ગેસ થાય. માથાનો દુખાવો પણ થાય. તમે કોઈ માનસિક તકલીફની દવા લેતા હો તો આ જૂના મરડાની દવા નહીં લેવી. સીપ્રોની એન્ટી બાયોટિક દવા સીપ્રોફલોકસાસીન લેતા હો ત્યારે આ એલોઝેટ્રોન કે લોટ્રોનેકસ લેવી નહીં.

ટૂંકમાં આંતરડાના આ રોગ માટે એલોપથિક દવા લેવા જતાં બકરું કાઢતાં ઊટ પેસે છે. તમને લેવાદેવા વગરનો થાક લાગે છે. હંમેશાં આહાર ઉપર સંયમ રાખો અને તેલિયાં-તળેલાં શાકભાજી કે ફરસાણ છોડી દો. જે લોકો બિયર કે વ્હિસ્કી વગેરે પીતા હોય તેણે તત્કાળ બંધ કરવું, પરંતુ ઝેલનોર્મ નામની નવી દવા કે લોટ્રોનેકસથી દૂર રહેવું. તમારી મેળે દવાની દુકાને જઈને એલોપથીની આ દવા નહીં લેવી.

અમેરિકામાં ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમના દર્દી વઘ્યા છે કે (ભારતમાં ૫થી ૭ કરોડ છે) ત્યાં ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ સેલ્ફ હેલ્પ સપોર્ટ ગ્રૂપ ઊભું કરવું પડયું છે! તે ગ્રૂપ એલોપથીની દવા આ ફરિયાદ માટે નહીં લેવાની ભલામણ કરે છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: