HomeSpotlightMothers Day Mothers Day

શંકરાચાર્ય સ્વગૃહે કેમ પાછા ફર્યા?

હાડ હાડમાં હેત ભર્યું, જેને વેણ વેણ વરદાન, દેખ, ઘરેઘર એ જ બિરાજે, ભૂતળમાં ભગવાન

Sunલગ્ન વખતે આશીર્વાદ આપતાં ઋગ્વેદમાં ઋષિ સાવિત્રી સૂર્યાએ ગાયું છે - દશાસ્યાં પુત્રનાધેહિ પતિમેકાદશમ કૃધિ(૧૦.૮૫.૪૫) અર્થાત્ હે ઇન્દ્ર, આ સ્ત્રી દસ પુત્રોને જન્મ આપે અને પતિ એનો અગિયારમો પુત્ર બને. દસ પુત્રોને જન્મ આપવાના આશીર્વાદ તો સહજ છે, પરંતુ પતિને પણ એનું અગિયારમું સંતાન બનાવી દેવાનો ભાવ વિચિત્ર છે. ‘દૂધોં નહાઓ પૂતોં ફલો’ એ ભાવવાળા આશીર્વાદ આપતી વૃદ્ધાઓ આજે પણ મળી આવશે.

એનો અર્થ ઘણાં બધાં સંતાનોને જન્મ આપજે એવો નથી. આ આશીર્વાદ જેણે પણ રરયો હશે એમનો ભાવ સાવિત્રી સૂર્યાથી અલગ નહીં હોય. લગ્ન વખતે ઉરચારાતા ૪૭ મંત્રોનું આ સૂકત પણ એક સ્ત્રી દ્વારા થતી પ્રાર્થના જ છે. એનો સંકેત ફકત એટલો જ છે કે માતૃત્વ જ કોઇપણ ચેતનાને પૂર્ણ બનાવે છે.

સાવિત્રી સૂર્યા પતિને અગિયારમો પુત્ર કહે છે તો એક અર્થમાં એ મોટી સિદ્ધિ છે. સિદ્ધિ એટલા માટે કે વાત્સલ્યે સ્ત્રીના વ્યકિતત્વને આંતરિક સમૃદ્ધિ આપી છે, જે થકી એ અંબા, ધાત્રિ, ભકિત અને શકિત બની જાય છે. એનાં સ્નેહ અને લાડ સંતાનો પૂરતાં સીમિત નથી રહી જતાં. એથી આગળ વધીને એ બીજા સંબંધોને પણ એનાથી તરબોળ કરી દે છે. ઋષિએ આ વાત્સલ્યને પતિ સુધી વિસ્તારી દઇને સ્પષ્ટ ઘોષણા કરી છે કે વાસના અદ્રશ્ય થઇ રહી છે. હવે નર્મિળ અનુરાગ સિવાય કંઇ બરચું નથી.

કુટુંબ સંસ્થાની મર્યાદામાં રહીને પણ માની સાથે પિતાની પણ જરૂર રહે છે. પ્રાચીન શબ્દવારસામાં એનો સ્વીકાર થયેલો છે. માતાની સાથે સાથે પિતાને પણ દેવ માનવાને અને એમનો આદર કરવાને ધર્મકર્તવ્યની શ્રેણીમાં રાખ્યા પછી પણ ઋષિઓ-દાર્શનિકો ચઢિયાતાપણું તો માનું જ ગાતા રહ્યા છે. છાંદોગ્ય ઉપનિષદે સત્યકામના આખ્યાનમાં પિતાના સંદર્ભને નકારવાની અને માના નામથી જ કુળગોત્રનો પરિચય વ્યકત કરતી ઓળખ આપવાની પહેલને ગૌરવાન્વિત પણ કરી છે. મા જબાલા યુવાવસ્થામાં જ વિધવા થયેલી.

અતિથિઓનો સત્કાર કરતા એ સંસર્ગથી મા બની અને એક પુત્રને જન્મ આપ્યો. પુત્ર સત્યકામ ગુરુકુળમાં જવા જેટલો થયો તો પ્રશ્ન ઊભો થયો કે પિતાનો પરિચય શો આપવામાં આવે. માએ પોતાનું અજાણપણું વ્યકત કર્યું અને કહ્યું કે અતિથિઓની સેવા કરતાં કોના સંપર્કથી ગર્ભ રહ્યો એ કહેવું મુશ્કેલ છે. એટલે તું ફકત તારી માનું નામ કહેજે અને જે સાચું છે એ જ કહેજે.

આચાર્ય હારિદ્રુમત ગૌતમે બધું સાંભળીને કહ્યું કે આટલી સહજતાથી સત્ય બોલતું બાળક ઉત્કૃષ્ટ આત્મા જ હોઇ શકે છે. ગૌતમે એના કુળગોત્રને માનું નામ આપ્યું અને સત્યકામ જબાલા અથવા જાબાલ કહેવાયા. હારિદ્રુમત ગૌતમ સત્યકામની પ્રતિભાને વિકસાવે છે અને પછી પોતાનો ઉત્તરાધિકારી બનાવે છે. ગુરુકુળ સત્યકામના નામે વિખ્યાત થઇ જાય છે. છાંદોગ્યકારના શબ્દોમાં સત્યકામ જાબાલ પ્રકૃતિ સાથે જીવંત સંપર્ક અને સંવાદની વિધા વિકસાવે છે.

એની પત્ની પણ આ વિધામાં પારંગત થાય છે અને એક વાર એના પ્રવાસના સમયે અગ્નિ પાસેથી શિક્ષણનો ઉપદેશ કરાવે છે. અગ્નિ પાસેથી શિક્ષણ મેળવી લીધા પછી સત્યકામનો એક શિષ્ય ઉપકોશલ પોતાના ગુરુ સાથે માત્ર એક ઔપચારિકતા પૂરી કરે છે. આ પ્રસંગમાં ઋષિઓએ કેટલાય સ્થળે જાબાલાની પ્રશંસા કરી છે. એને સંસ્કાર આપનારી સમર્થ મા ગણાવી છે.

શકુંતલા અને એના પુત્ર ભરતનો પ્રસંગ પણ સત્યકામથી ઓછો વિલક્ષણ નથી. સ્વરછંદ પ્રણયના પરિણામે જન્મેલા ભરતના પિતાનું નામ અજ્ઞાત નહોતું. એ છતાં દુષ્યંતે એને ઓળખવાની ના પાડી દીધી અને ઠુકરાવાયેલી શકુંતલાને કણ્વ ઋષિના આશ્રમમાં પણ પાછું સ્થાન ન મળ્યું. પરિસ્થિતિમાં વળાંક આવે છે અને લાંબા વિવાદ પછી દુષ્યંત પોતાનાં પત્ની અને પુત્રને અપનાવે છે. મહાભારત પ્રમાણે દૈવી હસ્તક્ષેપથી આવેલા આ વળાંકમાં ભરતનું તેજસ્વી સ્વરૂપ પણ એક મોટું કારણ હતું.

ભરતનું તેજસ્વી બાળપણ શકુંતલાના સાન્નિઘ્યમાં જ વિકસિત થયેલું. એ અવસ્થામાં પણ ભરતને રાજસી સંસ્કાર આપવા બદલ દુષ્યંતે શકુંતલાની પ્રશંસા કરી છે. માતૃત્વની એ જ મહત્તા છે કે અઘ્યાત્મ માર્ગમાં જયારે પણ વેગ, ઊર્જા અને આવેશની સાથે કરુણાની આવશ્યકતા ઊભી થઇ ત્યારે આરાધકોએ પરમ સત્તાને મા રૂપે જ પોકારી. પોતાના સૌમ્ય રૂપમાં આ સત્તા બ્રહ્મા, વિષ્ણુ કે શિવની સેવા કરતી દેખાઇ છે, પરંતુ જયારે પણ જરૂર પડી ત્યારે એમની સહાય માટે શસ્ત્ર ઉપાડીને આગળ આવી છે.

એના આ લીલા સમૂહની સ્તુતિમાં શંકરાચાર્ય પણ સૌંદર્ય લહરીની મીમાંસા કરતાં ગાવા લાગે છે કે કોણ જાણે મા તું જ વિષ્ણુ બનીને સ્વયં પોતાની સેવા કરી રહી છો... અને એ તો સ્પષ્ટ છે કે તું ન હોત તો શિવ પણ સ્પંદન જન્માવી શકયા ન હોત. એમનામાં ગતિ ન હોત અને સ્થિતિ પણ ન હોત. શંકરાચાર્ય સૌંદર્ય લહરીમાં સાથે સચેત પણ કરે છે કે જેમના ચિત્તમાં પુણ્ય સંસ્કાર નથી હોતા એ માના આ દિવ્ય રૂપની ઝલક પામવી તો દૂર, એની ચર્ચા પણ નથી કરી શકતા.

આ આઘ્યાત્મિક મહાવરાઓના ભૌતિક અર્થોપણ ઓછા સમૃદ્ધ નથી. માતા અને સંતાનના જૈવિક, દૈવિક અને ભૌતિક સંબંધો તથા રાગ-અનુરાગ તો ચારે તરફ પ્રસરેલા દેખાય-અનુભવાય છે. દ્રશ્ય એકદમ સામાન્ય છે એટલે કોઇને એમાં કોઇ અનોખું તત્ત્વ નથી દેખાતું. આ દ્રશ્ય વિરલ હોત તો એનાથી અભિભૂત થઇ શકાત. માની મમતા સહજ રીતે મળતી હોવાથી તેનું માહાત્મ્ય સંતાનો ઝટ સમજી નથી શકતા.

આદિ શંકરાચાર્યે માના સ્નેહના અનુભૂતિ માટેની સંવેદનાને પુણ્ય સંસ્કાર કહી છે. લાગણીશીલ સંતાન માતાની મમતા પ્રત્યે ભારોભાર ધન્યતા અને ઉપકારનો ભાવ અનુભવે છે. આ બોધ-ઉપદેશ-જ્ઞાન પર ભાર મૂકવા માટે શંકરાચાર્ય સંન્યાસની મર્યાદાઓને થોડો સમય ભૂલીને, મા પાસે દોડી આવ્યા હતા. અંતિમ સમયે મા પાસે રહેવાનું વચન નિભાવનારા શંકરાચાર્યનો એ સમયે ભલે વિરોધ થયો હશે, પરંતુ પછી માધવાચાર્યે ‘દિગ્વિજય’ ગ્રંથમાં આ કૃત્યને ખૂબ જ ઉરચ કોટિનું સાધન ગણાવ્યું હતું. ઇતિહાસે એને એક સંન્યાસીની માતૃભકિત અને અઘ્યાત્મએ એને શકિતની આરાધના રૂપે જોયું.

મનુષ્ય સિવાયનાં પ્રાણીઓમાં પણ શું માતૃત્વ વિકસ્યું છે? જવાબ ‘હા’માં આપી શકાય છે. જનનીના સ્તરે જીવનના લગભગ બધાં રૂપોમાં મમતા વ્યકત થઇ છે. તંત્રના ઉપાસકો આ અભિવ્યકિતને માતૃશકિતની દિવ્યલીલા કહીને સ્તુતિગાન કરે છે. એમને માટે આ બોધ અને દ્રષ્ટિ એક દિવ્ય અનુભૂતિ છે. સામાન્ય રીતે માણસ માને છે કે અનુરાગ, સંતાનની દેખભાળ અને જવાબદારીમાં માતા અનન્યા છે.

પરંતુ વાલ્મિકી કહે છે કે એવું નથી. મનુષ્યમાં, અને ખાસ કરીને માતામાં, સંતાન માટેના આ જ્ઞાન-ભાન ગાયમાંથી આવ્યાં છે. એમણે રામાયણમાં સંતાન તરફના માના વ્યવહારને વાત્સલ્ય કહ્યું છે અને ઠેકઠેકાણે એની ઉપમા પણ આપી છે. ગાય પોતાના વાછરડાને જોઇને જે રીતે સ્નેહથી ભાંભરી ઊઠે છે, એની ભૂખ-તરસની ચિંતા કરે છે, એને ટાઢ-તડકા-વરસાદથી બચાવે છે, મનુષ્ય કોટિની મા પણ આવો જ વ્યવહાર કરે છે. કહેવાની જરૂર નથી કે માતા કે ગાય બેમાંથી કોઇ એકે તો બીજાનું અનુકરણ કર્યું જ હશે.

નક્કી કરવા ઇરછો તો એ જ નિર્ણય પર પહોંચશો કે મનુષ્ય માતા જ ગાય પાસેથી શીખી હશે, કેમકે ગાય તો નકલ કેવી રીતે કરે? સરળતા, સ્નેહ તથા જરૂર ઊભી થતાં સિંહને પણ પડકારવાનું શૌર્ય ગાયમાં જ વ્યકત થયું છે. આવી જરૂર સંતાન પર સંકટ આવે ત્યારે જ પડે છે. અઘ્યાત્મવિદ્રોના મતાનુસાર માણસના મૂળ સ્વભાવનો ગાય સાથે મેળ ખાય છે. પુનર્જન્મ અને ક્રમવિકાસની આઘ્યાત્મિક મીમાંસા કરતાં મહાયોગી શ્રી અરવિંદે તો ત્યાં સુધી કહ્યું છે કે મનુષ્ય યોનિમાં આવતા પહેલા આત્મચેતના સંભવત: ગાયના શરીરમાં નિવાસ કરે છે.

મોટા ભાગના મનુષ્યોમાં અગાઉની જન્મયાત્રા ગાયથી જ આગળ વધે છે. એક આ પ્રાણી જ સત્વસંપન્ન મનુષ્યની આભાની સમાંતરે ચમકે છે. એના ચૈતન્યરૂપનું સ્મરણ રાખવા અને અપનાવવાના સંકલ્પને જાગૃત રાખવા માટે જ કદાચ ઋષિ-મનીષીઓએ ગાયને પણ માતા કહી અને એની પૂજા કરવાનું શરૂ કર્યું. વાત્સલ્યની દ્રષ્ટિએ મનુષ્યનો વ્યવહાર ગાય કરતાં થોડો વિશિષ્ટ છે. એક અવસ્થામાં ગાય સંતાનની ચિંતા કરવાનું છોડી દે છે. સ્ત્રી આજીવન સંતાન માટે આંદોલિત થતી રહે છે. વાછરડું મોટું થતાં ગાય એનાથી દૂર થઇ જાય છે.

એને વાછરડાની યાદ પણ નથી આવતી, પરંતુ સ્ત્રી સંતાનની સતત ચિંતા કરતી અને એની પાસેથી અપેક્ષા રાખતી દેખાય છે. આ અપેક્ષાઓને મનીષીઓએ ઝાઝું મહત્ત્વ નથી આપ્યું. વાલ્મીકિની દ્રષ્ટિએ ગાયનું વાછરડા માટેનું મમત્વ માના સ્નેહનું ઉત્કટ રૂપ છે. આ સ્નેહ કેટલો ગાઢ છે, ઊંડો છે એ બતાવવા માટે તેઓ ગાયના વાત્સલ્યની ઉપમા આપે છે, પરંતુ તેઓ કોઇ મહત્ત્વનું કાર્ય કરવા જતા સંતાનને ગાયની જેમ ચૂપ રહેવાનું પણ કહે છે. (રામાયણ ૨.૪૦)સ્નેહ, અનુરાગની દ્રષ્ટિએ માના પ્રેમની ભરપૂર પ્રશંસા થઇ છે.

પરંતુ પ્રસંગ આવ્યે આ મોહથી છુટકારો મેળવવાનો આગ્રહ પણ થયો છે. સંતાનના જીવનને એક ઉદ્દેશ્ય આપવા માએ પોતાનો ધર્મ નિભાવવાનો છે. પ્રતિષ્ઠિત મહાભારત માતૃત્વની કથાઓનો અક્ષય કોષ છે. સત્યવતી, શકુંતલા, કુંતી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, ઉત્તરા વગેરે માતાઓએ સમયે-સમયે, પ્રસંગે પ્રસંગે સંતાનોને યુગધર્મ નિભાવવા માટે મરી મીટવાની પ્રેરણા આપી છે. ઇતિહાસમાં એક પ્રસંગ વિદુલા નામની સાધારણ માનો પણ છે.

એ પોતાના પુત્રને દીનહીન જીવન જીવવા માટે ઠપકારે છે. કહે છે કે ભૂસાની જેમ ધીરે ધીરે ન બળ. ભલે અલ્પ સમય માટે, પણ દાવાગ્નિની જેમ પોતાના તેજનો વિસ્તાર કરતા જીવ. ભલે થોડુંક જ જીવે, પણ તેજસ્વી બનીને જીવ. દીનતાભર્યા જીવનને ધિક્કાર છે. યુદ્ધ ટાળવાના બધા પ્રયાસ નિષ્ફળ થયા પછી કુંતી વિદુલાના આ આખ્યાનથી જે સંદેશ આપે છે એ માતૃત્વની ગરિમાથી પરિપૂર્ણ છે. આ ગરિમા મોહ કે ક્ષુદ્ર સ્વાર્થથી ઉપર ઊઠયા વગર સિદ્ધ નથી થતી.

માતૃત્વનું પહેલું ચરણ લગ્નના પરિઘમાં રહીને જ નક્કી થાય છે. આ વર્તુળની કયારેક બહાર નીકળી જવાયું હોય એથી કોઇ અડચણ નહોતી આવતી. સંતાનના વિકાસમાં તો નહીં જ. શકુંતલાનું ઉપાખ્યાન આનું પણ એક ઉદાહરણ છે. એ ઉપરાંત અહલ્યા પ્રસંગમાં પણ એના પુત્ર શતાનંદને અવસર મળવામાં કોઇ મુશ્કેલી ન આવી. ઇન્દ્રના પ્રણય નિવેદનનો સ્વીકાર કર્યા પછી ગૌતમે એનો તિરસ્કાર કર્યો.

ઋષિએ એ આશ્રમ જ છોડી દીધો. યજ્ઞયાગ અને વિધાર્થીઓથી હર્યો ભર્યો રહેતો આશ્રમ સત્વ વગરનો થઇ ગયો, પરંતુ અહલ્યાના પુત્ર શતાનંદને રાજા જનકે રાજપુરોહિત નીમ્યા. રામ મિથિલા આવે છે ત્યારે શતાનંદ જે રીતે પોતાની માના ખબરઅંતર પૂછે છે, એથી લાગે છે કે ગૌતમે આપેલી વ્યવસ્થામાં બંધાયેલા હોવા છતાં તેઓ પોતાની મા માટે ચિંતિત હતા. વૈદિક અને પૌરાણિક સાહિત્યમાં અનેક પ્રસંગો છે.

sonઆ પ્રસંગોની વ્યંજના ઉકેલી શકાય તો માતૃત્વના ગૂઢ રહસ્યો પ્રગટી શકે છે. શકિતની આરાધના માટે લખાયેલાં અને ગવાતાં સ્તોત્રોમાં કેટલાંક રહસ્યો પ્રગટ થાય છે જ. એક રહસ્ય તો એ જ છે કે માની એક આંખ લાડ-પ્રેમથી ભરેલી હોય છે તો બીજીમાં ઠપકો-ઝાટકણીની ઝલક હોય છે. જન્મ પછી પોષણ અને ત્યાગનો ક્રમ સાથે સાથે ચાલે છે. પિતાના રૂપમાં જેમની ઉપાસના થાય છે એ ઇશ્વર કે ઇષ્ટદેવમાં કરુણા અને કઠોરતાનો આવો સમન્વય નથી.લૌકિક જીવનમાં આ સંતુલન એક જ સ્થિતિમાં સધાતું દેખાય છે અને તે છે વાસના મંજાઇને શુદ્ધ થતી જતી હોય ત્યારે. દિવ્ય સ્તરનું કહેવાય એ માતૃત્વ તો વાસનાથી મુકત ચેતનમાં જ જન્મ લે છે. છાંદોગ્ય ઉપનિષદ (અઘ્યાય ૬.૫)માં ઋષિ ઉદ્દાલક, નાકમૌદ્ગલ્ય અને કુમાર હારિત આ વિષય પર ચર્ચા કરતાં વાસનાથી મળેલા માતૃત્વને અપૂર્ણ કહે છે. તેઓ કહે છે કે વાસનાથી ઉપર ઊઠી ચૂકેલી જનની જ મહામેધાવી સંતાનોને જન્મ આપે છે.

આ મુદ્દો સ્પષ્ટ કરતાં ઋષિ કૌષિતકીના મતાનુસાર અવતાર કહેવાયેલી વિભૂતિઓ, છાંદોગ્યમાં વર્ણવાયેલા નિર્દેશો અનુસાર, વિકસિત ચિત્તવાળી માના ગર્ભમાંથી જ જન્મે છે. જાણીતા ઇતિહાસમાં ઇસુ ખ્રિસ્તનો જન્મ મુખ્ય ઉદાહરણ છે. ઇસુનું આહ્વાન કરતી વખતે મેરીની ચેતના જે સ્તર પર હતી એને વાસના સ્પર્શી પણ નહોતી શકી. ખિ્રસ્તી ધર્મમાં મધર મેરીને કુમારી બતાવતાં આ જ તથ્યની ઘોષણા થઇ છે.

છાંદોગ્ય ઉપનિષદમાં જે વિજ્ઞાનની ચર્ચા થઇ છે એને વાલ્મિકીએ રામાયણમાં ઉમા પાર્વતી પ્રસંગમાં થોડી સરળ રીતે લખતાં કહ્યું છે કે એ રીતના પ્રયાસોમાં દૈવીશકિતઓ પણ વિધ્નો ઊભાં કરે છે. છતાંય પ્રયાસો વિફળ નથી થતા. નિયતિ એને સફળ બનાવે છે. બસ અભિપ્સા, ધૈર્ય, નિષ્ઠા અને સમર્પણ જોઇએ. જે સંબંધમાં આ યોગ્યતાઓ હશે એ જ સંબંધમાં સાવિત્રી સૂર્યાનો આશીર્વાદ ચરિતાર્થ થતો જશે. વાસના પર વિજય મળી શકે તો સ્નેહ-અનુરાગની ભાગીરથી પૂર્વજો અને આવનારી પેઢીઓને તારતી, તમને આનંદિત કરતી આગળ વધશે.