HomeSpotlightMothers Day Mothers Day

દુ:ખ વેઠીને બાળકોને શિક્ષણ આપનારી માતાઓનું સન્માન

mother dayવર્લ્ડ મધર્સ ડે નિમિત્તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં કાર્યક્રમ યોજાયો

જિંદગીમાં સંઘર્ષ કરીને બાળકોને મોટાં કરનારી અને સારી રીતે ભણાવનારી વિવિધ જિલ્લાઓની બાર માતાઓનું સન્નામાન આજે વલ્ર્ડ મધર ડે નિમિત્તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં કરવામાં આવ્યું હતું. આ માતાઓની પસંદગી તેઓનાં બાળકોએ માતા વિશે લખેલા નિબંધના આધારે કરવામાં આવી હતી.

ચેમ્બરે સારી પ્રોફેશનલ જિંદગી જીવનારા વિવિધ લોકોને પોતાની માતા વિશે લખવા માટે કહ્યું હતું, જેમાં ૪૦ અરજીઓ આવી હતી. આ ૪૦ અરજીઓમાં જયુરી જયશ્રીબેન વ્યાસે બાર માતાઓને એવોર્ડ માટે પસંદ કરી હતી.

જયશ્રીબેનનું કહેવું હતું કે ‘દીકરી કે દીકરાઓએ નિબંધમાં દલીલો કરી હતી કે તેમની મા ને શા માટે એવોર્ડ મળવો જોઈએ, આ એવોર્ડ નક્કી કરતી વખતે એવી કેટલીક વાતો ઘ્યાનમાં રાખવામાં આવી હતી કે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં બાળકોને ભણાવ્યાં હોય, મહિલા એકલી હોય અને સંઘર્ષ કરીને બાળકોને મોટાં કયાર્ં હોય, દીકરીઓને ભણાવી હોય અને સમાજમાં એક લડત કરી હોય.’

આ કાર્યક્રમમાં એવી માતાઓને સન્નામાનવામાં આવી હતી જે નાની ઉમરે વિધવા થઈ ગઈ હતી, ફૂલ વેચીને, અન્ય એવા મજૂરીના કામ કરીને દીકરી તથા દીકરાઓને ડોકટર, પ્રોફેસર અને સી.એ. બનાવ્યાં હોય, ઉપરાંત એવી સરોગેટ મધરનું પણ સન્નામાન કરાયું હતું જેમણે પોતાનાં બાળકોના ભણતર માટે સરોગેસી સ્વીકારી હોય. કાર્યક્રમના અતિથિ સ્મિતા દાણીએ કહ્યું હતું કે ‘મા એ એવો સુંદર શબ્દ છે જેમાં પ્રેમના મોજાં જ ઉછળે છે, સાસુને મા નો દરજજો આપીએ તો આપણી બધી જ સમસ્યાઓનો ઉકેલ આવી જાય તેમ છે.’

આ સમયે ચેમ્બરના વિવિધ લોકોએ પોતાની મા પર લખેલા લેખોનું એક પુસ્તક ‘મધર માય ઈન્સપીરેશન’નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અતિથિ ઊર્મિલાબેન શાહે કહ્યું હતું કે ‘મા એ માનવને માનવ બનાવવા માટે સંવેદના જાગૃત કરે છે.’ આ પ્રસંગે અજિત પટેલ રચિત માતાનાં ગીતો વિશેની સીડીનું પણ વિમોચન કરાયું હતું. આ પ્રસંગે ચેમ્બરમાં એકઠી થયેલી મહિલાઓએ પોતાની મૃત માતા અને સાસુને મીણબતી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી.