
Spotlight
Mothers Day Mothers Day ઘરની મોટી વહુને સાસુએ કિડની દાન આપી ‘સાસુ’ અને ‘મા’ બંને શબ્દોની સાર્થકતા પુરવાર કરી
જયારે દરેક ટીવી ચેનલો સાસુ-વહુના કહેવાતા અને પરંપરાગત સંબંધોને કેશ કરવામાં લાગી હોય, ત્યારે કોઇ સાસુમા વહુને દીકરી ગણી તેને નવો જન્મ આપવા તૈયાર થઇ જાય તો તે સ્ટોરી રીલ લાઇફની ભલભલી સ્ટોરીને સાઇડટ્રેક કરી દે છે!
સાસુ-વહુ વચ્ચે જવલ્લે જ જોવા મળતો આવો રૂડો અને મધમીઠો સંબંધ મઘ્યપ્રદેશના જબલપુરના છોટીબાઇ અને તેમનાં વહુ નીલુ વચ્ચેનો છે. સમાજની આંખો ઉઘાડનારા આ કિસ્સામાં ૫૬ વર્ષનાં સાસુએ કુટુંબની મોટી વહુને કિડની દાન આપી ‘સાસુ અને મા’ બંને શબ્દોનો મર્મ અને મહાનતા સ્પષ્ટ કરી દીધી છે. ૧૫ વર્ષ પહેલાં જયારે નીલુને દીકરા ભરત સાથે પરણાવી તેઓ પોતાના ઘરમાં લાવ્યાં ત્યારે તેમના જીવનમાં ખુશીઓની રેલમછેલ થઇ ગઇ હતી. લક્ષ્મી પણ અનરાધાર વરસી રહી હતી. પરંતુ વહુને ઘરની લક્ષ્મી ગણતા આ કુટુંબ પર બે વર્ષ પહેલાં આભ તૂટયું. વહુની કિડની ફેલ થઇ અને મા-બાપ વગરની નીલુ માટે સાસુ-સસરા માતા-પિતા કરતાંય વિશેષ બનીને સામે આવ્યાં.
તેઓ વહુને લઇને નાગપુર, મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદ ફર્યા. છેવટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી કિડની હોસ્પિટલમાં પહોંચ્યાં. જયાં સાસુ છોટીબાઇ હાર્ટના દરદી હોવા છતાંય કિડની આપી. આ ઓપરેશનમાં ફેકટરીમાંથી નિવૃત્ત થયેલાં નીલુના સસરા સ્વરૂપચંદ જૈને પેન્શનની તમામ રકમ લગાવી દીધી.
છોટીબેન કહે છે કે,‘વહુને કયારેક દીકરી કરતાં ઓછું રાખ્યું નથી. કુદરતે તેનાં મા-બાપ છીનવી લીધાં, ત્યારે ભગવાને મને તેની જનેતા બનવાનો અવસર આપ્યો. મેં એને કિડની આપી ત્યારે હું તેને જન્મ આપતી હોઉ તેવી જ લાગણીનો અનુભવ થયો હતો!’ પોતાના જીવનની મૂડી વહુના ઓપરેશનમાં લગાવી દેનારા સસરા કહે છે કે,‘હું રડી પડું તો મારી આંખો પર ઘ્યાન ન આપતાં. અમારા કુટુંબનો પ્રેમ અનેરો છે.
મને આનંદ છે કે મારા પેન્શનના રૂપિયા વહુને નવજીવન આપવામાં લેખે લાગ્યા.’ નીલુના પતિ હાલ જબલપુરમાં છે ત્યારે તે હજુ પણ હોસ્પિટલના બિછાને છે. અશકત હોવાના લીધે તે હજુ વાત કરી શકતી નથી. પરંતુ તેની મૂંગી આંખો કહી દે છે કે ‘સાસુ’એ તો ‘મા’ કરતાં પણ મોટું બલિદાન આપ્યું છે. માનું ઋણ તો ચૂકવી શકાય, પરંતુ સાસુમાનું ઋણ સાત જનમોમાં પણ નહીં ચૂકવાય!