HomeSpotlightMothers Day Mothers Day

અભણ માતાએ પુત્રીને IAS બનાવી

દ્રઢ સંકલ્પશકિત અને પ્રચંડ પુરુષાર્થ કરવાની તૈયારી હોય તો ગમે તેવાં કપરાં ચઢાણ ચઢવા શકય છે. આ વાતને ડુંગળી-બટાકાના વેપારીની પુત્રી ડો. રતનકંવર ગઢવી ચારણે સિદ્ધ કરી છે. જીવનમાં કયારેય શાળાએ નહીં ગયેલી માતાની પ્રેરણા થકી પુત્રીએ ૧૦ બાય ૧૦ની રૂમમાં તૈયારી કરીને આઈએએસની પરીક્ષા ૧૨૪મા રેન્ક સાથે પાસ કરી છે.

ias.jpgમણિનગર વિસ્તારમાં ડુંગળી-બટાકા વેચતા પિતાની પુત્રીએ સામાન્ય કહી શકાય તેવી આર્થિક પરિસ્થિતિમાં ગુજરાતની યુવતીઓમાં ટોપર બની છે. આ સફળતા મેળવીને આ ક્ષેત્રે આગળ વધવા માગતી અનેક યુવતીઓને માટે દાખલો બેસાડયો છે.

મણિનગર હરિપુરા વિસ્તારની ધીરજ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ડો. રતન કંવરના પિતા હડમતસિંહ મણિનગરની જૂની શાકમાર્કેટમાં ડુંગળી-બટાકાનો વેપાર કરે છે. જયારે તેની માતા પ્રકાશ કંવર ગૃહિણી છે. સામાન્ય પરિવારની આ તેજસ્વી- પ્રતિભાશાળી યુવતીની માતાને જીવનમાં સ્કૂલમાં શિક્ષણ ન લઈ શકવાનો રંજ હતો.

જેના કારણે તેમણે તેમની પુત્રી અને બે પુત્રોને સામાન્ય સ્થિતિ હોવા છતાં સારું શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમના આ સઘન પ્રયાસોના કારણે ડો. રતનકંવરની શૈક્ષણિક કારકિર્દી ઉજજવળ રહી. ધો. ૧૦મા ૯૧.૪૩ ટકા અને ધો. ૧૨મા ૯૧.૨૩ ટકા મેળવ્યા પછી તેમણે વી.એસ. સ્થિત એન.એચ.એલ. મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસની ડિગ્રી મેળવી. તે પછી બાળપણથી દેશ માટે અને સમાજ માટે સેવા કરવાની પ્રબળ ભાવના હોવાથી તે સનદી સેવાની પરીક્ષા આપીને આઈએએસ બની શકયાં છે.

સમાન્ય કહી શકાય તેવી આર્થિક સ્થિતિ તેમજ કોઈ પણ પ્રકારનું બેકગ્રાઉન્ડ ન હોવા છતાં તેમણે આ સફળતા મેળવી હોવાથી તે અને તેમનો પરિવાર ખૂબ જ આનંદિત છે. ડો. રતનકંવર કહે છે કે,‘ એમબીબીએસ થયા પછી મને લોકો આગળ ભણવાનું કહેતા હતા, પરંતુ મને સમાજ અને દેશ માટે યોગદાન આપવાની ઇરછા હોવાથી મે યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે.’ તે વધુમાં ઉમેરે છે કે,‘ જો મનમાં ધીરજ હોય અને પ્રોપર ડાયરેકશનમાં એકધારી મહેનત કરવામાં આવે તો આ પરીક્ષામાં સરળતાથી સફળતા પ્રાપ્ત થાય છે.’

પિતા હડમતસિંહ કહે છે કે,‘જીવનભર ઈમાનદારીના રસ્તે ચાલ્યા છીએ. જેના ફળસ્વરૂપે ભગવાની કપાથી દીકરીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અમને તેની આ સફળતાથી સંતોષ છે. ભગવાન બધાને આવી દીકરી આપે.’

બીજી તરફ બીઈ આઈટી અને એમબીએની ડિગ્રી ધરાવનારો ભાઈ ભવદેવ અને બી.ટેક થયેલો ભાઈ સિદ્ધાર્થ પણ તેમની સફળતાથી ખૂબ જ આનંદિત છે. ભવદેવ કહે છે કે,‘મારી બહેને મારી મમ્મીની વર્ષોજૂની ઇરછાને પૂરી કરી છે. માત્ર એક જ માર્કને લીધે તે બોર્ડના ટોપ ટેનમાં સ્થાન મેળવી શકી ન હતી, પરંતુ તેણે આ વખતે બાજી સરભર કરી નાખી છે.’

માતા મારી પ્રેરણામૂર્તિ : ડો. રતનકંવર

ડો. રતનકંવર કહે છે કે,‘મેં જે સફળતા મેળવી છે તેનું સંપૂર્ણ શ્રેય મારી માતાને ફાળે જાય છે. ડોકટર બની તે પહેલાં કે યુપીએસસીની પરીક્ષાની તૈયારી દરમિયાન જાણે કે તેની જ પરીક્ષા હોય તે રીતે મારી સાથે રહી છે. મારી માતા સાચા અર્થમાં મારી પ્રેરણા મૂર્તિ છે.’

દીકરીએ મારું જીવન સાર્થક બનાવ્યું : માતા

આંખમાં ઝળઝળિયાં સાથે માતા પ્રકાશકંવર કહે છે કે, ‘સ્કૂલમાં શિક્ષણ ન લીધું હોવાનો રંજ સતત કોરી ખાતો હતો, પરંતુ દીકરીની સફળતાથી બહુ સંતોષ થાય છે. દીકરીએ ભણી લીધુ ને મને થાય છે કે, મેં ભણી લીધું. મારું જીવન સાર્થક બની ગયું.’