HomeSpotlightMothers Day Mothers Day

બીમાર બહેન માટે ૨૫ વર્ષ ન્યોછાવર કરી મોટી બહેન ‘માતા’ બની

sister.jpg‘મારી જીવનલીલા સંકેલાઈ જાય તે પહેલાં ભગવાન મારી નાની બહેનને બોલાવી લે, મારા પછી મારી બીમાર બહેનનું શું થશે તેવા વિચાર સાથે જ કંપારી છૂટી જાય છે’ આ શબ્દો છે, શહેરના બાપુનગર વિસ્તારના આનંદનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતાં અને ઓલ્ડ એસએસસી સુધી ભણેલા ૫૬ વર્ષીય વર્ષાબહેન ધીરજલાલ કાપડિયાના.

વર્ષાબહેન માનસિક રીતે અસ્વસ્થ અને હાડકાંના ટીબીથી પીડાતી નાની બહેનની સુશ્રૂષા માટે આજીવન કુંવારાં રહીને માતાની તમામ ફરજો અદા કરીને ૨૫થી વધુ વર્ષ ન્યૌછાવર કરી ‘માતા’ તરીકેની તમામ ફરજો અદા કરી છે.

વર્ષાબહેને જણાવ્યું હતું કે, મારી નાની બહેન હીરા ૫૪ વર્ષની છે. ૨૫ વર્ષ અગાઉ તેનાં લગ્ન બાદ તેને હાડકાંનો ટીબી થતાં તે માનસિક રીતે અસ્વસ્થ બનીને પથારીવશ થઈ ગઈ હતી. આથી તેના પતિએ જાકારો આપતાં અમે તેને ઘરે પરત લઈ આવ્યાં હતાં.

આ ગાળામાં જ મારી માતા મૃત્યુ પામતાં અમે માતાની છત્રછાયાગુમાવી હતી અને આવા કપરા સમયે ‘જો હું લગ્ન કરી લઇશ તો મારા એક મોટા અને બે નાના ભાઇ અને મારી બીમાર બહેનનું શું થશે?’ તેવા વિચાર સાથે મેં લગ્ન કરવાનો વિચાર માંડી વાળીને મારું જીવન બીમાર બહેન અને બે ભાઇઓ પાછળ ન્યૌછાવર કરવાનું નક્કી કરી લીધું હતું.

હાલમાં પણ મારી બહેનને તમામ ક્રિયા પથારીમાં જ કરાવવી પડે છે, તેનું માથું ઓળવાથી લઇને ખાવાનું ખવડાવવા સુધીનું કાર્ય હું જાતે જ કરું છું. સદનસીબે મારા ભાઇ- ભાભી પણ મારી બહેનને સાચવવા માટે પૂરી મદદ કરે છે.

તેમજ તેની કોઇપણ જરૂરિયાત પૂરી કરવાની સાથે ખડે પગે સેવા કરે છે. વર્ષાબહેનથી નાના કિશોરભાઇ અને ભાભી વીણાબહેને જણાવ્યું હતું કે, વર્ષાબહેને માતાનાં મૃત્યુ બાદ અમને માતાની હૂંફ આપી છે. દરેક પરિસ્થિતિમાં અમારી પડખે રહીને માતાની કમી પૂરી કરી છે.