HomeSpotlightMothers Day Mothers Day

‘મા હંમેશાં મારી રગેરગમાં વહેતી રહેશે’

‘માની કિડની ટ્રાન્સ્પ્લાન્ટ પછી વધુ સારી રીતે કામ કરે છે એવું એક વૈજ્ઞાનિક તારણ અનેક સંશોધનો પછી વિશ્વના ડોકટરોએ મેળવ્યું છે તેમ સિવિલમાં આવેલી ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના ડો. એચ.એલ. ત્રિવેદીએ જણાવતા કહ્યું હતું કે,કદાચ માતામાં પ્રેમ, સંવેદના અને હૂંફ ભગવાને ઠાંસીઠાંસીને ભર્યાં હોય એટલે કિડની વધુ સારી રીતે કામ આપે એ શકય છે. પરંતુ મેડિકલ સાયન્સ પણ આ વાતને સમર્થન કરે ત્યારે અમારા માટે પણ માતાની કિડની બહુમૂલ્ય બની જાય છે.’ તેમણે જણાવ્યું હતું કે,‘અહીં થયેલા ટ્રાન્સપ્લાન્ટમાં ૧૫૬ પિતાઓની સામે ૪૯૮ માતાઓએ કિડની દાન કરી છે.’

‘દીકરાને બે વાર જન્મ આપવાનું સૌભાગ્ય મળ્યું’

નવાવાડજ વિસ્તારમાં રહેતાં પન્નાબહેન રોહિતકુમાર શાહે આજથી પાંચ વર્ષ પહેલાં ૧૯ વર્ષના જુવાન દીકરા ભૂમિનને કિડની આપી હતી. પન્નાબહેન કહે છે કે,‘મારા રિપોર્ટ ભૂમિન સાથે મેચ કરતા હતા તેથી મારી કિડની લેવાઇ. પરંતુ આ તો આકસ્મિક છે. ભગવાને મને બે વાર દીકરાને જન્મ આપવાની તક આપી તેથી મારો હરખ સમાતો નથી.’

માની કિડની મેળવી ભૂમિન ફરી દુનિયામાં આવ્યો. ભણ્યો અને પ્રેમલગ્ન પણ કર્યાં. તેના માટે ‘મા’ કરતાં મોટું દુનિયામાં કોઇ નથી. તે કહે છે કે,‘અમારા ઘરમાં દરેક વ્યકિત પ્રેમ, લાગણી અને હૂંફથી જોડાયેલી છે. જે જોઇ મારી પત્ની સ્મૃતિએ મારી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મારા મને તો મારું જીવન અને મારી જીવનસંગિની બંને માની જ દેન છે.’

‘ફરીવાર માનો ખોળો અને બાળપણ મળ્યું’

વડોદરાના ૧૬ વર્ષના સર્વેશ્વર શ્રીનિવાસનનો પરિવાર ત્યારે પડી ભાંગ્યો હતો, જયારે દોઢ વર્ષ પહેલાં સર્વેશ્વરની કિડની ફેલ્યોરની જાણ તેમને થઇ. પરંતુ મક્કમ મનની તેની માતાએ ફરી એકવાર દીકરાને જીવન આપવાનું નક્કી કર્યુ અને કિડની દાન કરી. હજુ ઉમરમાં ઘણો નાનો સર્વેશ્વર કહે છે કે,‘હું ભાગ્યશાળી છું કે એકવાર માએ જન્મ આપ્યા બાદ ફરીવાર તેનો ખોળો મળ્યો હોવાનું અનુભવી શકયો. મને લાગે છે કે હું ફરીવાર જન્મ્યો છું ’ તેની માતા રમાબહેન કહે છે કે,‘મેં મા તરીકે મારી ફરજ પૂરી કરી બાકી ભગવાનની મરજી.’

‘દીકરાને કિડની આપવા માએ વિચારવાનું ના હોય’

રાજસ્થાનના જોધપુરમાં રહેતા ૩૧ વર્ષના અર્જુન પરિહારની કિડની ફેલ થતાં તેની માતાએ જરાય વિચાર કર્યા વિના પોતાની કિડની આપવાનો નિર્ણય લીધો હતો. તેની માતા ૫૨ વર્ષના ઉમાદેવી કહે છે કે,‘હું જનેતા છું. મેં જન્મ આપ્યો તો જીવનની રક્ષા કરવી એ પણ મારો ધર્મ છે. દીકરાને મારી કિડનીની જરૂર પડી તો મેં સહેજેય વિચાર્યા વિના તે આપી દીધી.’ અર્જુન કહે છે કે,‘જન્મ આપનારી મા જ જયારે નવજીવન આપે ત્યારે જિંદગીનો આનંદ બમણો થઇ જાય છે. હવે મારું જીવન માની સેવામાં જ વિતાવીશ.’

celbration.jpgએક વખત રકતપિત્ત કેન્દ્રના ઉદ્ઘાટનમાં ગાંધીજીને આમંત્રણ અપાયું હતું ત્યારે ગાંધીજીએ કહ્યું કે એ કેન્દ્રને તાળું મારવાનું હોય ત્યારે મને કહેજો. આજે આવી સ્થિતિ ઘરડાઘરની છે. સમાજસેવાની દ્રષ્ટિએ ઉમદા કાર્ય ગણાતાં ઘરડાઘર આમ તો લાગણી અને સંવેદનાનું પતન કહેવાય. ઘરડાઘર ખૂલે તે ચિંતાનો વિષય કહેવાય. આ વખતે પણ એમ કહેવાવું જોઈએ કે, એને તાળું મારવાનું હોય ત્યારે કહેજો. આજે સંતાનો જે રીતે મા-બાપને ઘરડાઘરમાં ‘એડમિશન’ અપાવે છે તેનાથી ઊલટું યુવાનોમાં દાદા-દાદી માટે લાગણીઓનું ઘોડાપૂર જોવા મળે છે. રવિવારે ‘મધર્સ ડે’ છે ત્યારે આવા જ યુવાનોએ નારણપુરાસ્થિત જીવનસંઘ્યા ઘરડાઘરમાં રહેતાં દાદીમાઓ સાથે શનિવારની સાંજે ‘મધર્સ ડે’ ઊજવ્યો હતો અને ‘માતા-પિતાને કયારેય ઘરડાઘરમાં નહીં મૂકીએ’ એવી પ્રતિજ્ઞા લીધી હતી.

‘મા હંમેશાં મારી રગેરગમાં વહેતી રહેશે’

mother.jpgઆર.પી.એફ.માં ફરજ બજાવતા ૩૨ વર્ષના ફાંકડા યુવાન યોગેન્દ્રસિંહ ચૌહાણને બ્લેક કમાન્ડો માટેનું તેડું આવ્યું અને મેડિકલ ચેક-અપમાં તેની કિડની ફેલ આવી. ઘણા સમય સુધી દવાથી કામ ચલાવ્યું, પરંતુ અંતે કિડની બદલવાનો વારો આવ્યો. માત્ર ૧૧ વર્ષની વયે પિતા ગુમાવનાર યોગેન્દ્રની માતાએ જીવનમાં અનેક ભોગ આપી તેમને મોટા કર્યા.

ત્યારે તેણે પોતાના અંગનું દાન આપવાની પણ તૈયારી દર્શાવી. યોગેન્દ્રની માતા રમાબહેન કહે છે કે,‘યોગેન્દ્ર તો મારી કિડની લેવા તૈયાર જ નહોતો. મેં તેને સમજાવ્યું, ભઇલા આજે તો હું તારી સાથે છું. કાલે નહીં હોઉ ત્યારે પણ મારું એક અંગ તારામાં જીવતું રહેશે. બસ, જીવનભર માનો સંગાથ પામવા યોગેન્દ્ર મારી કિડની લેવા તૈયાર થયો.’ યોગેન્દ્ર કહે છે,‘મારી મા હંમેશાં મારી સાથે જીવતી રહેશે. એનું ઋણ હું કયારેય નહીં ચૂકવી શકું.’