HomeSpotlightMothers Day Mothers Day

તારા અવાજમાં એવી તે ખોવાઇ... કે ભૂલી મારો રાગ

Mother‘મા’ એકાક્ષરી આ શબ્દમાં દુનિયાભરની મમતા અને સંવેદનાઓનો ધબકાર ઝીલાય છે. ઇશ્વરે માતાનું સર્જન કરી પોતાની જવાબદારી જાણે થોડાઘણા અંશે હળવી કરી દીધી. જન્મતા વેંત જે બાળકનું રૂદન કોઇ માતાના હૃદયમાં વહાલનું ઝરણું નહોતું વહાવી શક્યું એવા કુમળા ફૂલની આંખમાં હવે પછી ક્યારેય આંસુ નછલકાય જાય એ માટે અનેક માતાઓ યશોદા બનીને જીવી રહી છે.

પોતાના અંતરના નાનકડા ખાલીપાને ભરવા એક આખી જિંદગીને સમર્પિત બની જવાનું માત્ર ‘મા’થી જ શકય બને. જે નસીબદાર બાળકોને માતા-પિતાની છત્રછાયા મળી છે, તેઓ વહાલી મમ્મી કે મોમને ‘મધર્સ ડે’ એ વીશ કરશે.

પરંતુ જે બાળકોના લલાટે જન્મતા વેંત ‘કમનસીબ’નું લેબલ લાગી ગયું હતું. એવાં ભૂલકાંઓ માટે માતાએ એક દિવસ નહીં, પોતાની બાકીની જિંદગી કોરા કાગળ પર લખી આપી હોય... એ માત્ર મા જ હોઇ શકે.

‘મેરે ઘર આઇ એક નન્હી પરી’

૧૮-૧૮ વર્ષથી હૃદયમાં વલોવાતી વેદના, ખોળાનો ખાલીપો અને મને ‘મમ્મી’ કહીને વળગી પડે એવા નાનકડા મારા અંશની સતત ગેરહાજરીને સારાએ પલવારમાં ઓગાળી નાખ્યા, મારી પોતાની એક તમન્ના હતી કે હું એક પુત્રીની જ માતા બનું. કુદરતે આ ઇરછા પૂરી ન કરી પરંતુ સારાએ અમારા ઘરમાં નાની-નાની પગલી માંડી મારાં ઓરતાં પૂરાં કર્યા. હવે તો સારા મીનાબેન ચૌહાણનું સર્વસ્વ. - મીનાબેન ચૌહાણ

‘હેત્વીના હેતથી મારી દુનિયા સજી’

કુટુંબમાં અનેક બાળકો હતા અને છે જ પરંતુ જયારે મેં અને મારા પરિવારે બાળક દત્તક લેવાનો વિચાર કર્યોત્યારે જ નક્કી કરી લીધું હતું કે, અમે અનાથ બાળકને અને ખાસ કરીને દીકરીને જ દત્તક લઇશું અને તેને સ્વમાનથી, વટભેર સમાજમાં સ્થાન અપાવીશું. એના લલાટે ‘કમનસીબ’ની ટીલી નહીં રહેવા દઇએ, હેત્વીને અપનાવી પોતાની જિંદગીને નવી રાહ આપ્યાનો ખુદ હરિતાબેન મહેતાને અનહદ આનંદ છે. - હરિતાબેન મહેતા

‘દેવ તો મારી આંખનો તારો’

મને ભગવાને એક નહીં બે સંતાનોની ભેટ ધરી છે, ભલે બન્ને મારા ખોળે નથી જન્મ્યાં પરંતુ હવે અમારા જીવનનું અભિન્ન અંગ. ત્રણ વર્ષના દેવનું બાલવાડીમાં હોંશે હોંશે એડમિશન લઇ હરખાતા સૂરે લીનાબેન ચાવડા કહે છે કે, દેવ સ્વરૂપે મારા ઘરે સાક્ષાત દેવતા જ જાણે પધાર્યા. દેવની કિકિયારી, કલબલાટ અને તોફાનોની ખુશીમાં હું મારું અસ્તિત્વ ઓગળી નાખું, એ મને મંજૂર છે. - લીનાબેન ચાવડા

‘મારાં બાળકો કેમ્બ્રિજ પહોંચે, એથી રૂડું શું’

હું એક, બે નહીં, પૂરાં ૪૬૮ બાળકોની માતા છું અને મારા તમામ બાળકો ભણી-ગણીને છેક.... કેમ્બ્રીજ યુનિવર્સિટી પહોંચે એથી રૂડો આનંદ મારા માટે બીજો કયો હોઇ શકે? ગરીબોના કાદવમાં ખીલેલા કમળને સાચવવા પોતે કયારેય માતા નહીં બને તેવો સંકલ્પ કરનારા રેહાના જીતુ કહે છે કે, જો હું આ સ્લમ એરિયામાં વસતા બાળકોને સારું અને શિક્ષિત બાળપણ આપી શકું, નિરોગી આયુષ્ય આપી શકું તો હું સફળ માતા ગણાઇશ. - રેહાના જીતુ