HomeSpotlightMothers Day Mothers Day

માતૃત્વમાં ફરજ ન હોય, પણ ફરજમાં માતૃત્વ ભળી શકે

celebration momરાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક વાર મધરાતે ઇમરજન્સીમાં પેશન્ટ આવ્યું. ડયૂટી પરના ડોકટર અને નર્સ કામે લાગ્યા અને જયારે સિસ્ટર એટલે કે નર્સ દર્દીની સારવાર માટે નજીક ગયા, ત્યારે તેમને જાણ થઇ કે આ તો તેનો પોતાનો જ પુત્ર છે. તરત જ રિક્ષામાંથી બધો સામાન લઇને તેના પતિ પણ આવ્યા.

હર્ષાબેન કારિયાની આ વાત વાસ્તવિક છે. હર્ષાબેનના મોટા પુત્રને ન્યૂરોસર્જરી પછી પેરેલિસિસની અસર છે. આજે પણ ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ ચાલે છે. નાના પુત્રને એલર્જિક અસ્થમા છે. ધૂળની ચપટી પણ તેના માટે બીમારીનું નિમિત્ત બની શકે અને આ બન્ને પુત્રોની બીમારીની સારવાર કરતાં-કરાવતાં હર્ષાબેન પણ અન્યોના બાળકોની સારવાર કરે છે.

ઘણી વાર બેમાંથી એક બાળક બીમાર હોય ત્યારે પણ મમતાને ફરજના ડિપફ્રીઝમાં તેમણે મૂકી દેવી પડે છે અને આ એક નહીં, આવા અનેક કિસ્સા રાજકોટમાં છે. ઉર્દુના વિખ્યાત શાયર ડો. ઇકબાલે કહ્યું હતું કે, માતૃત્વ પયગમ્બરના કાર્યનો એક ભાગ છે. નાના વાકયમાં કહેવાયેલું પરમ સત્ય આમ તો ઘરેઘરમાં અનુભવાતું હોય છે.

પરંતુ, હોસ્પિટલનાવોર્ડના ઓરડાની સફેદીમાં પણ માતૃત્વનો મમતાભર્યોરંગ અને માહોલ જોવા મળતો હોય છે. પોતાના સંતાનને તો કઇ માતા ન ઉછેરે ? પણ પોતાના સંતાનની ચિંતા મનમાં લઇને અન્યની સુશ્રષા કરવી એ મમતા અને ફરજના સમન્વયની પરાકાષ્ઠા છે. રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે વર્ણવેલા પ્રસંગો સંવેદનશીલ છે.

સિસ્ટર પૂનિતા જીવરાજાની કહે છે, એક વાર સાવ નાનું બાળક ભૂલથી કેરોસીન પી ગયું અને હોસ્પિટલમાં આવ્યું. તેની સારવાર કરતાં-કરતાં મને તરત જ વિચાર આવ્યો કે, મારું બાળક પણ આવડું જ છે. મારી ગેરહાજરીમાં તે પણ આવું કરી બેસે તો ? બસ આવું ઘણી વાર થતું હોય છે. જયારે અમે અહિંયા સારવાર કરતા હોઇએ, ત્યારે અમારા સંતાનનો ચહેરો સામે આવી જાય. તરત એમ થાય કે આપણા બાળકો ક્યાંક આવું નહીં કરેને ?

નયના કુબાવત આજે એટલે કે તા.૯મીએ હોસ્પિટલમાં ડ્યૂટી પર છે અને તેના છ વર્ષના પુત્ર જયને અછબડા નીકળ્યા છે. તે કહે છે, અમને સિકલિવ પણ ઓછી મળે અને સામાન્ય રજા પણ ન હોય. એક વાર મારો પુત્ર સળંગ બે માસ માંદો હતો અને કટકે-કટકે ૧પ દિવસ રજા મળી હતી.

અંજનાબેન પંડ્યાનો પુત્ર ઋષિ ૧૪ વર્ષનો છે. તે કહે છે, મારે તો પતિ પણ નથી. એક વાર તાવમાં મારા દીકરાનું શરીર તપતું હતું અને હું તેને દવા પીવડાવીને તાવ ઉતર્યોકે નહીં ? તેની રાહ જોયા વગર ઘરેથી નીકળી ગઇ. ત્રણ વર્ષના પ્રણવના મમ્મી પ્રવીણા ગેવરિયા પણ આવા જ અનુભવમાંથી પસાર થયા છે. એક વાર ડયૂટી પર હતા અને પ્રણવને તાણ-આંચકી થયા હતા. અચાનક તાવ ચડયો હતો. ઘરે જઇને શરીરને અડયા ત્યારે ખબર પડી કે પ્રણવ તો તાવમાં પટકાયો છે.

હર્ષાબેન નર્મિળના સંતાનો હવે તો મોટા છે. પણ એક વાર પોતે ડયૂટી પર હતા અને તેના પુત્રનો રિક્ષાવાળો સ્કૂલે લઇ જવાનું જ ભૂલી ગયો. પોતે ઘરે પહોંરયા ત્યારે ખબર પડી કે ૧૨ વાગ્યે છૂટી ગયેલો દીકરો સાડા ત્રણ સુધી ઘરે નથી પહોંરયો.