HomeSpotlightMothers Day Mothers Day

મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું, મહા હેતવાળી દયાળી જ મા તું

માતાની સેવા કરવા સંસારના સુખની જેમણે ખેવના જ ન રાખી

Mothers Day  Rajkotસમગ્ર વિશ્વમાં રવિવારે માતૃદિવસની ઉજવણી થશે. કેટલાંક સંતાનો એવા છે જે માતાને વૃઘ્ધાશ્રમમાં મૂકી આવે છે તો કેટલાક એવા પણ છે જે માતા ખાતર સ્વસુખનું બલિદાન પણ આપી દે છે. મૂળ સૌરાષ્ટ્રના અને મહારાષ્ટ્રના નાગપુર ખાતે રહી એકાઉન્ટની કામગીરી કરતા જટુભાઇના પત્ની પ્રભાબેનની તબિયત લથડતાં તેઓ ૧૯૭૧માં પત્ની પ્રભાબેન અને પાંચ સંતાનો સાથે રાજકોટ આવ્યા અને સ્થાયી થયા.

આ દરમિયાન બે જયેષ્ઠ પુત્રીઓ ચંદાબેન તથા ઇલાબેનના લગ્ન થયા માતા પ્રભાબેનની નાદુરસ્ત તબિયતથી સંતાનો ચિંતા અનુભવતા હતા. પેરેલિસિસના બે એટેકમાં પહેલા બે પગ અને પછી બે હાથનું ચેતન પ્રભાબેન ગુમાવી ચૂકયા.

માતાની નાદુરસ્ત તબિયત તથા પેરેલિસિસના બબ્બે હુમલાને કારણે બાકી રહેલા ત્રણ સંતાનો પૈકી પ્રમોદિનીબહેન તથા પ્રફુલ્લાબેને જીવનસાથીને બદલે માતાને આયખું સમર્પિત કરવાનો નિર્ણય કયો. જયારે માતાના અત્યંત આગ્રહ પાસે ઝૂકી કોર્પોરેશન બેંકમાં કલાર્ક તરીકે નોકરી કરતા ચેતનભાઇએ લગ્ન તો કર્યા પણ પત્નીએ માતાની સારસંભાળ રાખવા ઇન્કાર કરી જુદા થવાની વાત કરી આખરે પતિ-પત્ની રાજીખુશીથી છૂટા પડયા.

આજે ૮૪ વર્ષના પ્રભાબેન માત્ર બોલી શકે છે. બે પુત્રી અને એક પુત્ર રોજ સવારે માતાને નવરાવવા, કપડાં પહેરાવવા, જમાડવાની ફરજ બજાવે છે. પ્રભાબેન રોજ સવારે સત્યનારાયણની કથા સાંભળે છે તેમજ પુત્રી પાસે ગીતાજી પણ વંચાવે છે, શરીર કોઇ જાતનું હલન-ચલન કરી શકતું ન હોઇ માતાને બહારની દુનિયા દેખાડવા પુત્ર ચેતને કાર લીધી માતાને ઉપાડી-ઉપાડી પુત્રને કમરનો દુ:ખાવો થઇ ગયો.

કમર પર ફરજિયાત બેક પેઇન ન થાય તે માટે બેલ્ટ પહેરવો પડે છે પણ આ દર્દ સહન કરીને’ય ચેતનભાઇ માતાને નોરતા જોવા, ફરવા લઇ જાય છે. માતાએ પોતાના માટે, કેટલીક તકલીફ, અગવડ, યાતના વેઠી હશે તેની સામે અમારો કોઇ ત્યાગ જ નથી એમ જણાવી પ્રભાબેનની બન્નો પુત્રી અને પુત્ર ચેતનભાઇએ માત્ર એટલું જણાવ્યું કે, ‘માતાના ચરણોમાં સ્વર્ગ છે.’