
Spotlight
Mothers Day Mothers Day આંધળી માનો કાગળ, જનનીની જોડ સખી, તમે મારા દેવના દીધેલ છો, જેવી મા વિશેની અજોડ રચનાઓ માયાદીપક સંભળાવે છે ત્યારે લંડનવાસીઓની આંખોનાં ખૂણા ભીના થઇ જાય છે.
‘જયારે કાર્યક્રમમાં ઇન્ટરવલ પડે ત્યારે ઘણાં લોકો મારા પગ પકડીને રડવા લાગે છે, કહે છે બહેન અમે અમારી માતાને ખૂબ અન્યાય કર્યોછે તેનો અમને આજે આ ગીતો સાંભળી પસ્તાવો થાય છે, તો કેટલાંક પોતાની માતાનાં મીઠાં સ્મરણોની યાદો તાજી કરાવી માતાનાં સંસ્મરણો મારી પાસે વાગોળે છે.’ આ શબ્દો છે લંડનમાં માનાં ગીતોનો મહિમાં ગાઇ લંડનમાં વસતાં એનઆરઆઇ અને એનઆરજીની આંખો ભીની કરતાં અમદાવાદનાં ગાયિકા માયાદીપકના.
કાર્યક્રમમાં જવાની ઉતાવળ વચ્ચે પણ નેટ ટેલિફોનિક દ્વારા સિટી ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતાં માયાદીપક જણાવે છે કે લંડનમાં વસતાં ગુજરાતીઓ આપણા કવિ ઇન્દુલાલ ગાંધીની આંધળી માનો કાગળ, દામોદર બોટાદકરની જનનીની જોડ સખી નહી જડે રે લોલ, ઝવેરચંદ મેઘાણીની કોઇ દી’ સાંભરે નૈ મા અને આજના કવિ તુષાર શુકલની સંગીત કેરી સરગમનો પહેલો સ્વર... રચનાઓ જયારે હું સંભળાવું છું ત્યારે શ્રોતાઓની આંખોના ખૂણા ભીના થઇ જાય છે અને કેટલીક રચનાઓ મારે ત્રણ-ત્રણ વાર સંભળાવવી પડે છે.
મા ઉપર જ ગીતો ગાવાનો વિચાર કેમ સ્ફૂર્યોતે અંગે જણાવતાં માયાબહેન કહે છે કે ગયે વર્ષે હું ત્રણ મહિના માટે લંડન કાર્યક્રમ આપવા માટે ગઇ હતી ત્યારે હું મા વિશેનાં ગીતો ગાતી ન હતી પરંતુ ઇસ્ટ લંડનમાં કાર્યક્રમ દરમિયાન એક આયોજકે મને કહ્યું કે બહેન તમે જે ગાવ છો તે ગમે છે પણ જો તમે મા ઉપરનાં ગીતો પર જ તમારો કાર્યક્રમ રાખો તો કેવું રહે? મંે તેની આ વાત ચેલેન્જસ્વરૂપે લીધી પણ મારે લંડનમાં હવે રોકાવાનું માત્ર એક મહિનો જ બાકી હતું તેમ છતાં મંે કમર કસી અને પુસ્તકો, લાઇાબ્રેરી અને ઇન્ટરનેટમાં ખાંખાખોળા કરી માનાં મીઠાં મધુર ગીતો ગાવા માટે શોધી કાઢયાં.
૨૦૦૮ની ૨૬ ઓકટોબરે મારો પ્રથમ કાર્યક્રમ લંડનમાં યોજાયો, આ થોડા દિવસોમાં હું માત્ર બે જ કાર્યક્રમ આપી શકી પણ કાર્યક્રમનો પ્રતિસાદ એટલો બધો મળ્યો કે એ જ ક્ષણે મેં નક્કી કર્યું કે ૨૦૦૯માં હું લંડનવાસીઓને માનાં ગીતોથી જ રસતરબોળ કરીશ અને આજે તમે મધર્સ-ડે પર સટિી ભાસ્કર વાંચતા હશો ત્યારે હું લંડનના હેરો ખાતે મારો ૧૫મો પ્રોગ્રામ આપતી હોઇશ. આ અગાઉ લેસ્ટર, બિર્મંગહામ, વેલિંગ્બર, નોર્ધનટમ, લંડન વગેરે સ્થળોએ કાર્યક્રમો આપી ચૂકી છું.
માયાબહેન જણાવે છે કે કાર્યક્રમમાં સાંભળવા આવતા શ્રોતાઓ મને જયારે કહે છે કે બહેન તમે અમારી મા, માતૃભૂમિ અને માતૃભાષાની સંગીતમય રજૂઆત કરો છો ત્યારે અમારી મા સાથેની યાદો અને સંસ્મરણો જીવંત થઇ ઊઠે છે.
માની વાત આવે અને કોને તેનાં મીઠાં સ્મરણો તાજા ન થાય. મા વિશે કવિ તુષાર શુકલે કહ્યું તેમ ‘મા કહેવાનો નહીં અનુભવવાનો વિષય છે. સૂકી રોટલી કે મીઠી સુખડી કે પછી બે મિનિટમાં તૈયાર થતાં નૂડલ્સ બનાવતી હોય, મા એ મા છે. સ્વાદ વાનગીમાં નથી, માનાં હાથમાં છે, મા એ શબ્દ નથી મંત્ર છે, એના મહિમાની તોલે કોઇ ન આવે’ એવી જ રીતે અમદાવાદની માયાદીપક લંડનની ધરતી પર મા, માટી અને માતૃભાષાની આપણી રચનાઓ તેના કોકિલ કંઠે સંભળાવે છે ત્યારે એનઆરઆઇ અને એનઆરજીની આંખો આંસુઓથી છલકી જાય છે ત્યારે કહેવું પડે કે માયા તુઝે સલામ...
માયાદીપકનો ‘મા’ નામનો સીડી સંપુટ પણ તૈયાર થઇ ગયો છે, જેમાં મા પરની ગુજરાતી કવિઓની જાણીતી રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેઓ લંડનથી પરત ફરશે ત્યારે તેનું વિમોચન કરવાનું વિચારી રહ્યાં છે.