
Spotlight
Mothers Day Mothers Day
જન્મ આપી, જીવનની રીતિનીતિ શીખવતી ‘મા’નું ઋણ કયારેય પણ ચૂકવી શકાય તેવું નથી. આંગળીના સહારે પાપા પગલી કરાવતી ‘મા’ બાળકના બોલ્યા વગર જ તેની દરેક સમસ્યા સમજી જતી હોય છે. વિકટ પરિસ્થિતિ અને ધર્મસંકટમાં બેસ્ટ એડવાઇઝર બની સંતાનની તકલીફોનો સરળતાથી માર્ગ કાઢી આપતી ‘મા’નાં માર્ગદર્શિકારૂપની એક વાત ‘મર્ધસ-ડે’ નિમિત્તે
‘મા’ આમ તો ડગલેને પગલે પોતાનાં બાળકની સલામતીનું ઘ્યાન રાખતી જ હોય છે, પોતાનું બાળક કાંઇ ચિંતામાં છે તેની ખબર ‘મા’ને બાળકનાં કશું બોલ્યા વગર જ પડી જાય છે. બાળક સમસ્યામાં એટવાયેલું હોય ત્યાં મા કયારે પ્રોમ્બેલમનું સોલ્યુશન કાઢી નાખે છે તેની સંતાનને પણ ખબર પડતી નથી. જીવનની આવી જ કેટલીક મુશ્કેલીઓમાં અટવાયેલા શહેરના કેટલાક મહાનુભાવોનાં જીવનમાં ‘મા’નાં માર્ગદર્શિકાનાં રૂપની એક ઝલક સંતાનોનાં મુખે.
મમ્મી ખૂબ હેલ્પફૂલ થઇ
મમ્મી એ મારી જન્મદાતા સાથે ગુરુ અને માર્ગદર્શિકા બંને છે. આજે હું જે પણ છું તે મારી મમ્મીને કારણે જ છું. મેં અને મારી મમ્મીએ સંખ્યાબંધ સ્ટેજ શો કર્યા છે પણ જયારે હું ઇન્ટરનેશનલ સ્ટેજ શો માટે ફસ્ટ ટાઇમ જઇ રહ્યો હતો ત્યારે મમ્મીનું માર્ગદર્શન મને ખૂબ જ ઉપયોગી રહ્યું હતું, તેમણે મને એક આર્ટિસ્ટ તરીકે સ્ટેજ પર પરફોર્મ કરવા સાથે છોકરીઓ સાથે કેવી રીતે કામ કરવું તે બાબતનું માર્ગદર્શન આપ્યું છે. મારા જીવનની બેસ્ટ માર્ગદર્શિકા મારી મમ્મી છે. ચંદન ઠાકોર, કલાસકિલ ડાન્સર.
મમ્મી નાનીદાદી સાથે ‘મા’ પણ બની
એક બાજુ કરિયર અને બીજી બાજુ દીકરીનો ઉછેર, શું કરવું શું ન કરવું તેવી અવઢવમાં હતી. આ પરિસ્થિતિમાં મારી મમ્મીએ મારી દીકરીને ઉછેરવાનો નિર્ણય કર્યોઅને નવ મહિનાની દીકરીને મારી મમ્મીએ નાની સાથે માનો પણ પ્રેમ આપ્યો. આજે હું ડોકટર બની શકી છું તો માત્ર મારી મમ્મીને કારણે જ જેમણે મને મારી વિકટ પરિસ્થિતિમાં માર્ગદર્શન આપ્યું. ડોકટર મોના દેસાઇ, ડાયરેકટર (આશીર્વાદ ચિલ્ડ્રન એન્ડ આઇ હોસ્પિટલ)
મોટા નહી સારા માણસ બનો
હું નોકરી કરી રહ્યો હતો તે સમયે મને હોંગકોંગની એકસોન ઓઇલ કંપનીમાંથી સારા પગારની ઓફર આવી હતી.મારા પરિવારની જવાબદારી મારી પર હતી, મારી મમ્મીએ મને એક સલાહ આપી હતી અને કહ્યું હતું કે‘ બેટા જીવનમાં મોટી વ્યકિત બનવા કરતાં એક સારી વ્યકિત બનવું વધારે સારું હોય છે’ મમ્મીનાં આ વાકયોએ મારી મુશ્કેલ પરિસ્થિતિમાંથી મને માર્ગ કાઢી આપ્યો અને મેં મારી જોબની જગ્યાએ મારી ફેમિલી પ્રત્યેની મારી જરૂરિયાત સમજી તેમની સાથે જ રહેવાનું પસંદ કર્યું. આજે પણ મમ્મીની આ વાત યાદ રાખીને જ નિર્ણય લઉ છું. -યતિન્દ્ર શર્મા, જોઇન્ટ મેનેજિંગ ડાયરેકટર (કે.એચ.એસ. ઇન્ડિયા)