HomeSpotlightMothers Day Mothers Day

છેલ્લા શ્વાસના સહારે ધબકતું માતૃત્વ

mother-dayતેના હૈયામાં પણ માતૃત્વ ધબકે છે, તેને પણ સંતાનની ઉજજવળ આવતીકાલની ચિંતા છે, પરંતુ કમનસીબે તે પોતાની આવતીકાલ વિશે સદંતર બેખબર છે. તેની આયખાની દોરી પણ કાચા સુતરના તાંતણાની માફક તૂટી રહી છે. છેલ્લા શ્વાસના સહારે પણ તેનું માતૃત્વ સતત ધબકતું રહે છે. જી હા, આપણે વાત કરીએ છીએ એક એવી વિધવા મહિલાની, જે એઇડ્સગ્રસ્ત છે. કાચી પડી રહેલી જીવાદોરી વિશે માહિતગાર આ મહિલા સંતાનોના ઉજજવળ ભવિષ્ય માટે નબળી શારીરિક સ્થિતિ છતાં આકરી મજૂરી કરી રહી છે.

જીવનમાં આશાના નવા ઉજળા કિરણ સાથે ટીનાએ લગ્ન કર્યાં. સુખેથી ચાલતા લગ્નજીવનમાં જાણે ભંગાણ પડયું હોય તેમ પતિ-પત્ની બંનેને એઇડ્સની બીમારી ઉદ્ભવી. તેમ છતાં લગ્ન જીવનમાં ચાર દીકરીઓ અવતરી અને તે પૈકી પણ એક મોતને ભેટી હતી. કરમની કઠણાઇ તો જુઓ, એઇડ્સની બીમારીના કારણે પતિ મૃત્ય પામ્યો. હવે પતિનો સહારો છીનવાઇ જતા સંતાનોના ઉજજવળ ભવિષ્યની ચિંતા પોતાના શિરે આવી પડી છે.

એકતરફ એઇડ્સની ગંભીર બીમારી અને બીજીતરફ ત્રણ દીકરીઓના ભાવિની ચિંતા. કુદરતની કરૂણતા સામે માતાનું વાત્સલ્ય તો જુઓ, એઇડ્સગ્રસ્ત વિધવા થયેલી ટીનાએ પોતાની આવતીકાલ કેવી હશે, તેની પરવા કર્યા વગર ત્રણ દીકરીઓના ભાવિ ઉજજવળ બનાવવા મજૂરીનો માર્ગ અપનાવ્યો પાંચ વર્ષથી ટીના પોતાની ૧૪, ૧૨ અને ૯ વર્ષીય દીકરીઓનો ઉછેર પોતે મજૂરી કરીને કરે છે.

એઇડ્સગ્રસ્ત વિધવા મહિલાની આ દાસ્તાનમાં તેને સમાજનો અને ખાસ કરીને તેની માતાનું વાત્સલ્ય પણ ખૂબ જ સપોર્ટરૂપ બન્યું છે. તેની માતા તેને જીવાડવા માટે પ્રેરણારૂપ બની છે. બીમારીના કારણે આવતીકાલે શું થશે તેની તેને ખબર નથી, ત્યારે ટીનાની માતા અને વલસાડ રકતદાન કેન્દ્ર સમાજમાં નોર્મલ લોકોની જેમ આગળ આવીને જીવવા માટે પ્રેરણાસ્ત્રોત બની છે. (પાત્રનું નામ બદલેલ છે.)

માતાને જીવાડવા દવા આપવા દીકરી દોટ મૂકે છે

કુદરતની કરામત સામે કોઇનું ચાલતું નથી. લગ્ન જીવનમાં એઇડ્સની ભયંકર બીમારી આપી. તેની સાથે જ પતિ છીનવ્યો અને ત્રણ દીકરીઓના ઉછેરની ચિંતા આવી. આ સ્થિતિનો સામનો કરી રહેલી એઇડ્સગ્રસ્ત ટીનાને જીવાડવા માટે દિવસ દરમિયાન લેવી પડતી દવાઓના સમય મુજબ તેની સૌથી નાની નવ વર્ષીય દીકરી એલાર્મ મૂકે છે અને એલાર્મ વાગે અને તુરંત જ દીકરી માતા પાસે દવા લીધી કે નહીં તે પૂછવા દોટ મૂકે છે. પોતાની નાની દીકરીની માતા પ્રત્યેની ફરજ દાદ માંગી લે તેવી છે. પોતાની દીકરી પણ પોતાને દવાના સમય યાદ કરાવી જીવાડવા માટેની હિંમત આપે છે, તેવું કહેતા કહેતા તો ટીના ચોધાર આંસુએ રડી પડી હતી......