HomeSpotlightMothers Day Mothers Day

‘મા’ની મમતાનો કોઇ મોલ નથી

મા રૂપી ધેઘુર વડલાનો મીઠો મમતારૂપી છાંયડો ભગવાનની માનવજાતને સૌથી મોટી દેન છે. આજે ‘મધર્સ ડે’ વિશ્વભરમાં ઉજવાઇ રહ્યો છે. ત્યારે એવી કેટલીક માઓની આજે આપણે વાત કરીએ જેના બાળક સામાન્ય હોય કે અસામાન્ય પરંતુ બાળક એતો બાળક છે. એમાં મમતા કયારેય ફરક કરે નહીં તે વાતને આ માતાઓએ સાર્થક કરી માના સ્થાનને નવી ઉંચાઇ આપી છે.

motherકુદરતની ક્રૂરતા કહો કે મજાકનો ભોગ બનેલા પોતાના બાળક પાછળ આ જનનીઓએ જીવન સમર્પિત કરી દીધું છે. પોતાનું બાળક નોર્મલ બાળક જેવું નથી. તે વાતની જયારથી આ માતાઓને જાણ થઇ ત્યારથી માંડી આજ સુધી આ માતાઓએ તેને લખલૂટ પ્રેમ, હૂંફ તથા પોતાની ખુશીઓના ભોગે બાળકને સમાજના પ્રવાહમાં ભેળવવા ખુદના અસ્તિત્વની પરવા પણ નથી કરી.

મુન્દ્રા : મુન્દ્રાના ૭ વર્ષના ગૌરવ આઇકયૂ આમતો નોર્મલ બાળક કરતાં પણ વધુ છે. આમ છતાં તે ‘ઓટિઝમ’ નામની માનસકિ બીમારી ગ્રસ્ત છે. પોતાની જ દુનિયામાં રહેવું, કોઇ સાથે મિકસ ન થવું, બહાર નહીં નીકળવું, કોઇ એક વ્યકિત સાથે વધુ પડતો લગાવ, ધાર્યું ન થતાં ગુસ્સામાં તોફાને ચડવું, આ ચિન્હો આ બીમારીના છે. મોહન પણ આ બીમારીમાં પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકયો છે. ગૌરવની માતા રીંકુબેન રોબીન ગાંગુલીએ કહ્યું હતું કે, મોહનની ટિ્રટમેન્ટ ભુજમાં ચાલુ છે.

તેથી હું અને ગૌરવ તથા મારી ૧૧ વર્ષની દીકરી અમે ભુજ જ રહેવા આવી ગયા છીએ. જયારે એના પિતા મુન્દ્રા રહે છે. ગૌરવની પૂર્ણ જવાબદારી મેં ખુશી થી સ્વીકારી લીધી છે. કયારેક પણ તેને ઓછું નથી આવવા દેતી. ગૌરવ સામાન્ય બાળકો સાથે જ ભણવા જાય છે. તેના લેશન માટે વંચાવવા માટે હું મોડીરાત સુધી જાગું છું અમે કયાંય પણ ફરવા જઇએ તેને સાથે જ લઇ જઇએ છીએ. એવું નથી કે, તેને લઇ જતા અમને શરમ આવે. જયારથી મને ખબર પડી છે મારું બાળક નોર્મલ નથી ત્યારથી તેના પર મારો પ્રેમ ઉલ્ટાનો વધી ગયો છે. આવા બાળકોને જો મનથી સ્વીકારવામાં આવે તો તેની કાળજી રાખવામાં સમસ્યા નથી થતી, મારી દીકરી નોર્મલ છે. હું તેને પણ એટલો જ લવ કરું છું પરંતુ હા તેને મોહન જેટલો સમય નથી આપી શકતી.

ગૌરવને શું ગમે ? શું નથી ગમતું દરેકની ઘ્યાન રાખું છું તેને બ્લેક - વ્હાઇટ વસ્તુ પસંદ નથી. શોપિંગ કરવું, કલરફૂલ કપડાં પહેરવા, ટીવીમાં જોઇને કોપી કરવી કપડાંની વગેરે તેને ખૂબ ગમે છે. કમ્પ્યૂટર પર બેસવું તેને ખૂબ ગમે છે. મારે ગૌરવની દરેક વસ્તુમાં કાળજી રાખવા સાથે મારી દીકરીની જરૂરિયાતની તૈયારી અગાઉથી જ કરી લઉ છું, ગૌરવ કયારેક ગુસ્સે થઇ જાય તો બહારના લોકોને હેરાની થાય છે પરંતુ મને કોઇ નથી થાતી.

ભગવાન મારા દીકરાની યાતના મને આપી દે

દયાપર : દયાપરનો ૨૮ વર્ષનો મૂક-બધિર તેમજ શારીરિક રીતે પણ વિકલાંગ એવા મહેન્દ્ર હરજીવન શાહની કહાણી કઠણ મનના માનવીને પણ રડાવી દે તેવી છે. ૨૮ વર્ષથી પથારીમાં જ જિંદગી પસાર કરતો મહેન્દ્ર કંઇ પણ હલન-ચલન કરવા અસક્ષમ છે. સવારથી લઇને સાંજ સુધી ખાવું-પીવું, શૌચક્રિયા સહિતની કામગીરી માતા રસલિાબેન કરે છે. સારવાર પાછળ આકાશ-પાતાળ એક કરનાર રસિલાબેન પોતાના દીકરાની આ હાલતથી જાણે પોતાનું અડધું અંગ કામ કરતું ન હોય તેવું મહેસુસ કરે છે.

રડમસ અવાજે રસિલાબેને કહ્યું હતું કે, જન્મથી આજ સુધી આ બાળકની પોતે અન્ય બાળકો કરતા ખૂબ જ સંભાળ રાખી છે. હજી પણ રાખી રહી કુદરતે જેવો આપ્યો તેવો તોય પોતાનો પુત્ર છે. એ શબ્દો ઉચ્ચારતાં તેમની આંખ ભરાઇ આવી હતી.

બોલી-સાંભળી કે હલન-ચલન પણ ન કરી શકતા મહેન્દ્રની દરેક જરૂરિયાતનું ઘ્યાન મારે રાખવું પડે છે. આથી જ હું બહાર નીકળવાનું પણ ટાળું છું મહેન્દ્રને કોઇ નવી વ્યકિત આવે તો તે હસીને પોતાનો આનંદ વ્યકત કરે છે.

એની આ એક હસીથી મારા દિલને ઠંડક મળે છે. મારા દીકરાની આ યાતના ભગવાન મને આપી દે અને મારા દીકરાને હસતો ખેલતો કરી દે તેવી પ્રાર્થના કરું છું. મમતાથી એક એક કોળિયો ભોજન જમાડવું, તેને સ્વસ્થ રાખવાથી માંડી અન્ય કાળજી રાખતા મને આજ સુધી કંટાળો નથી આવ્યો, મા ની મમતા બાળક પ્રત્યે હોય છે. નહી કે, તેની શારીરિક માનસકિ ક્ષમતા પર અંતકરણ પૂર્વક વ્હાલસોયા પુત્રનું જતન કરતી આવી માતાઓને સો-સો સલામ છે.

મારું બાળક જ મારા માટે અણસઠ તીરથ છે

બળદિયા : જન્મથી જ નીરવ કારાને કરોડરજજુની સાંકળમાં રસોડી, જેના કારણે કરોડરજજુમાં સમસ્યા સર્જાણી. કરોડરજજુમાં રસોડીના ઓપરેશન બાદ બેસવા જેટલો ફાયદો થયો. આટલી ક્રૂરતા કુદરતી એછી હોય તેમ ડૂંટીથી નીચેનો ભાગ સમગ્ર ખોટો થઇ ગયો અને માથામાં પાણી ભરાવવા લાગ્યું. ઓપરેશન કરાવીને ખોપરીમાં નળી બેસાડવામાં આવી. કરોડરજજુના ચાર મણકાના સાંધા વળીને ફાટી જતાં શરીર કોઇ પણ જાતનું હલન-ચલન કરી શકતું નથી.

આ સમસ્યાથી બાળકને દૈનિક ક્રિયાનો કોઇ ખ્યાલ રહેતો નથી. સમગ્ર દિવસ દરમિયાન દૈનિક ક્રિયા પથારીમાં જ કરે છે. પરિણામે શરીરમાં ચાંદા પડી જાય છે અને જો તેની સંભાળ ન રાખવામાં આવે તો તેને રૂઝાતાં સમય લાગે છે.

એવું રડતા રડતા કાંતાબેન વી. કારાએ જણાવ્યું હતું. માતા કાંતાબેનની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, પતિનું અવસાન થઇ ગયું છે. વિકલાંગ બાળક સહિત કુલ ત્રણ બાળકોની જવાબદારી તેના પર છે. ઘર-ઘરના કામ અને મઘ્યાહ્ન ભોજન યોજનામાં કામ તેમજ ધેર બ્યૂટી પાર્લરનું કામ કરીને ગુજરાન ચલાવે છે, બાળકની સાર સંભાળ પણ રાખે છે.

જમવાનું પણ બાળકને પ્રમાણસર આપવાનું હોય છે. ભોજનમાં અસમતુલા થવાથી પણ બાળકને ઝાડા-ઉલટી જેવી સમસ્યા થાય છે. કાંતાબેન કહે છે કે, નીરવને ટીવી જોવાનો અતિ શોખ છે. કયાંય પણ અભ્યાસ કર્યોનથી, છતાં પણ ટીવી જોઇને જ ફકત આઠ વર્ષની ઉંમરે પણ ફટાફટ હિન્દી બોલી શકે છે. અન્ય બાળકોને રમતાં જોઇને તેને પણ રમવાનો અને હરવા ફરવાનો શોખ થાય છે, જે શોખ પૂરો કરવા હું મહિનામાં એક વાર બાગ બગીચામાં લઇ જાઉં છું. ટીવીમાંથી હિન્દી શખ્યો હોવાથી હવે અંગ્રેજી પર પ્રભુત્વ આવે તે માટે હું અંગ્રેજી ચેનલો પણ તેમને જોવા પ્રેરું છું.

આપણાં સમાજમાં ખોટી માન્યતાઓના કારણે વિકલાંગ બાળક પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે, જે ખરેખર બાળકના વિકાસને રુંધે છે. વિકલાંગ બાળકને દેખરેખની સાથે હુંફની જરૂર પણ હોય છે. વિકલાંગ બાળકના માતાને હું અપીલ કરીશ કે, આપણું વિકલાંગ બાળક એ જ આપણા અડસઠ તીરથ છે.

મારી મમતા મારી બાળકીના રૂપરંગની મોહતાજ નથી

માધાપર : મારી વિશ્વાની સોહામણી જિંદગીના અમારા અરમાનો ક્રૂર કુદરતે છીનવી લીધા છે. જન્મી ત્યારે ઢિંગલી જેવી હતી, પરંતુ જન્મ્યાના દશ મિનિટ બાદ જ આંખોમાંથી લોહી ફૂટી નીકયું અને આખું શરીર દાઝ્યું હોય તેમ ગોરી ચામડી કાળી પડવા લાગી અને ચામડી દાઝી હોય તેમ આખા શરીરે ચીરા પડવા લાગ્યા અને મારી સુંદર ઢિંગલી વિચિત્ર દેખાવા લાગી. આ જોઈ ક્ષણભર તો મારા ધબકારા વધી ગયા હતા એવું દુ:ખી હૃદયે આસું લુછતાં લુછતાં પોતાની વેદના જયશ્રીબેન ખીમજીભઈ વાળંદે વ્યકત કરી હતી. ૯ વર્ષની વિશ્વા થઈ તેના ઈલાજ માટે અમે ઘર, ગાડી, દાગીના બધું વેચી કાઠી ૩ થી ૪ લાખ જેટલો ખર્ચોકરી મોટાથી મોટા ડોકટરોને બતાવ્યું છે પણ, તેના રોગને જાણવા અને ઈલાજમાં કોઈને સફળતા નથી મળી. મે મારી વ્હાલસોઈ માટે કયાંય પણ જવું પડે ત્યાં કોઈપણ જાતની કસર મૂકી નથી.

હાલે અમે ભાડાંના મકાનમાં રહી મજૂરી કરીએ છીએ પણ, વિશ્વાના ઈલાજ માટે હજુ પણ દરેક ઉબરે જતાં ખચકાતાં નથી. એક મા તરીકે તેના ધામધૂમથી લગ્ન કરવાની મારી બહુ ઈરછા હતી, પરંતુ હાલે તેના આ વિચિત્ર રોગથી લોકો તેને જોતાં જ મોઢા ફેરવી લે છે, ત્યારે મારું દિલ રડી ઉઠે છે. દીકરીના ભવિષ્યની બહુ ચિંતા છે તેની વેદના જોઈ નથી શકાતી. વિશ્વાથી ગરમી જરા પણ સહન થઈ શકતી નથી, વધારે પડતુ પાણી પીવડાવવું પડે છે. સતત પંખા નીચે હવામાં રાખવી પડે છે.

ઘણી વખત ભીની શાલ ઓઢાડી ઠંડક આપવી પડે છે અને તેલથી માલિશ કરવી પડે છે, તેની સતત દેખરેખ રાખવી પડે છે, કયાંય જઈ શકાતું નથી. વિશ્વા ભણવામાં હોંશિયાર, બોલવામાં ચપળ છે. હાલ ત્રીજા ધોરણમાં આવી છે. મારી બાળકી બીજા માટે ભલે તેના આવા રૂપથી અળખામણી હોય પણ મારા માટે તો ઢિંગલી મારી વ્હાલસોઈ જ છે. હું મારી જાત ઘસી નાખીશ, પરંતુ ભગવાનની મજાકનો ભોગ બનેલી મારી વિશ્વાને કયારેય કંઈ ખોટ સાલવા નહીં દઉ. મારી મમતા મારી બાળકીના રૂપરંગની મોહતાજ નથી. તે મારું લોહી છે, મારો અંશ છે એવી પોતાની લાગણી વ્યકત કરતા જયશ્રીબેને કહ્યું હતું.