
Spotlight
Mothers Day Mothers Day
બાવિશે લખવાનું છે ત્યારે એક સત્ય ઘટના યાદ આવે છે, જે વરસો વીત્યાં છતાંય મારા મનમાં અકબંધ છે. મારું પિયર જામનગરમાં. કુટુંબમાં અમે સાત જણ હતાં. બા-બાપુજી, અમે ત્રણ બહેનો - સૌથી મોટાં હીરાબહેન, પછી હું ને નાની મંજુબહેન, અને બે ભાઇઓ - ભોગીલાલ અને નાનો જગદીશ. આમાંથી બા-બાપુજી, ભોગીલાલ અને મંજુબહેન આજે હયાત નથી.
મારા બાપુજી પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા. અમારું મઘ્યમ વર્ગનું કુટુંબ પણ મારાં બા રુક્ષ્મણીબહેન કરકસરથી સંસાર ચલાવતાં. બા આખા કુટુંબની બધી જરૂરિયાતનું ઘ્યાન રાખતાં. પોતે ભણેલાં ન હતાં પણ બાળકો ભણીગણીને આગળ આવે તેવી તેમની ખાસ ઇરછા. એટલે અમારા અભ્યાસમાં બહુ રસ લેતાં. તે કહેતાં કે મને વાંચતાં-લખતાં ભલે નથી આવડતું પણ હું બોલીને તો તમને સંસ્કાર અને કેળવણી આપી શકું ને?
બા સ્વભાવે પણ ખૂબ જ પ્રેમાળ અને લાગણીશીલ. કોઇ પણ મહેમાન આવે તો તેમની સરાભરામાં કાંઇ ખોટ જણાવા ન દે. આવાં મારાં બા અમારાં બધાંની પ્રેરણામૂર્તિ હતાં. આજે હું જે કંઇ પણ છું તે મારાં બાના સંસ્કાર અને કેળવણીને કારણે. અંબાણી કુટુંબમાં એક મા તરીકે પણ મારું જે સ્થાન બનાવી શકી છું તેમાં બાની પ્રેરણા મુખ્ય છે. માની મમતાની અનુભૂતિ મા બન્યા પછી વિશેષ રૂપે સમજાય છે.
૧૯૭૧માં મારાં સાસુ પૂજય જમનાબાનો સ્વર્ગવાસ થયો ત્યારે મારાં બા ઓરિસ્સાના જૈપોર શહેરમાં રહેતા મારા મોટા ભાઇને ઘરે હતાં. બા ભાભીની ડિલિવરી કરવા ગયેલાં. મારાં સાસુજીના સમાચાર જાણી તેમને બહુ જ દુ:ખ થયું. તેમણે બાપુજીને કહ્યું, ‘કોકિલાનાં સાસુ ગુજરી ગયાં છે. આપણે જવું જ જોઇએ પણ હમણાં તો આપણાંથી નીકળી શકાય તેમ નથી તો મારું એક કામ કરો.’ અને બાએ બાપુજી પાસે મારા પર એક પત્ર લખાવ્યો. તેમણે લખાવેલું કે તારાં માતાતુલ્ય સાસુજીનું અવસાન થયું છે જાણી ખૂબ દુ:ખ થયું છે.
અત્યારે મારે તારી પાસે આવીને રહેવું જોઇએ પણ હું તો લાચાર છું. તારી પાસે આવી પણ નથી શકતી. બાનો જીવ મારે માટે બહુ જ બળતો હતો. તે વારંવાર બાપુજી પાસે પત્રો લખાવતાં. પોતે ન આવી શક્યાં તેનો અફસોસ તેમાં વ્યકત કરતાં. હું બાના હૃદયની લાગણી સમજી શકતી હતી. તેમનો જીવ મારામાં હતો. દુ:ખની પળોમાં મારી પાસે આવીને ઊભાં રહેવા તેઓ ઝંખતાં હતાં.
થોડા સમય બાદ અમે જમનાબા પાછળ ભાગવત સપ્તાહ કરવાનું નક્કી કર્યું એટલે બાને પત્ર લખ્યો કે જરૂર આવો. પત્ર મળતાં જ બા-બાપુજીએ મુંબઇ આવવાનું નક્કી કર્યું. એ લોકો જૈપોરથી મુંબઇ આવતાં હતાં ત્યારે એક એવી ઘટના બની ગઇ કે તેનું વર્ણન કરતાં આજે પણ મન ભરાઇ આવે છે.
જૈપોરથી મુંબઇની સીધી ટ્રેન તો હતી નહીં. એટલે વચમાં એક સ્ટેશને તેમને ટ્રેન બદલવાની હતી. પહેલી ટ્રેનમાંથી ઊતરી પુલ ક્રોસ કરી સામેના પ્લેટફોર્મ ઉપરથી બીજી ટ્રેન પકડવાની હતી. બા-બાપુજી બીજી ટ્રેન પકડવા જઇ રહ્યાં હતાં. બાપુજીએ બાને કહ્યું કે હું કુલીની સાથે આગળ જઇને ટ્રેનમાં સામાન રખાવું છું, તું ધીમે ધીમે પાછળ આવ અને બાપુજી કુલીની સાથે જલદી ટ્રેન તરફ ચાલવા લાગ્યા.
પણ ઇશ્વરને કંઇક બીજું જ કરવું હતું કે શું?
બા થોડુંક ચાલ્યાં હશે ને તેમને એકદમ છાતીમાં દુખવા આવ્યું. માંડ માંડ પ્લેટફોર્મ પરના એક બાંકડા સુધી ચાલીને ગયાં અને ત્યાં જ બેસી પડયાં. ત્યાંથી પસાર થતા લોકોમાંથી એક ભાઇને હાથ કરીને રોકયા અને દૂર ચાલી જતા બાપુજીને બતાવીને કહ્યું કે એમને જઇને રોકો ને કહો કે તમારા ઘરવાળાંને છાતીમાં દુ:ખે છે. પેલો ભાઇ બાપુજીને બોલાવવા ગયો પણ બાપુજી તો પોતાની ધૂનમાં જ હતા. ટ્રેન ઊપડી જશે એવી અધીરાઇમાં જલદી જલદી ચાલીને ટ્રેન સુધી પહોંચી ગયેલા અને કુલી પાસે ટ્રેનમાં સામાન મુકાવી રહ્યા હતા. ત્યાં પેલા ભાઇએ જઇને તેમને કહ્યું કે પેલા બાંકડા પર બેઠાં છે બહેન તમને બોલાવે છે.
બાપુજી દોડતાં બા પાસે આવ્યા અને પૂછ્યું, ‘તને શું થાય છે?’ બાએ કહ્યું કે મારો જીવ બહુ જ ગભરાય છે. બાપુજીને એમ કે ટ્રેનમાં થેપલાં-શાક ખાધાં છે એનો કદાચ ગેસ થયો હશે એટલે સોડા લાવી બાને પીવડાવી. બાએ કહ્યું કે મને સાકરનું પાણી કરીને આપો તો સારું લાગશે. તો બાપુજીએ સાકરનું પાણી પણ કરી આપ્યું. તે પીને બાને જરાક સારું લાગ્યું. બાપુજીને ચિંતા હતી કે સામાન ગાડીમાં મૂકી દીધો છે ને હવે ગાડી ઊપડી જશે તો! એટલે બાને કહ્યું કે હવે તને સારું લાગે છે તો ધીમે ધીમે ચાલ ને આપણે ટ્રેનમાં જ બેસી જઇએ.
અને ઇશ્વરકૃપાથી બા-બાપુજી ટ્રેનમાં ચડી ગયાં. ટ્રેનમાં બા બાપુજીને કહેતાં હતાં, ‘મને તો હાર્ટ-એટેક જેવું જ લાગતું હતું. જાણે હમણાં જ ખલાસ થઇ જઇશ. અને કોકિલાને પણ મળી શકીશ નહીં.’ જમનાબા ગુજરી ગયાં ત્યારથી મને મળવાની બાની ઇરછા હતી એટલે તબિયત બગડી ત્યારે તેમને પહેલો વિચાર મારો જ આવ્યો. બાપુજીએ તેમને કહ્યું કે હવે એવા વિચાર નહીં કર. તને કંઇ થવાનું નથી. હવે આપણે સુખરૂપ મુંબઇ પહોંચી જશું. અને ખરેખર બા-બાપુજી સપ્તાહમાં હાજરી આપવા મુંબઇ આવી પહોંચ્યાં.
મારી નાની બહેન મંજુ બાને સ્ટેશને લેવા ગઇ ત્યારે બા એને જોતાં જ રડી પડયાં ને કહ્યું કે મંજુ, આજે તું તારી બાનું મોઢું જોવા ન પામત. મંજુ તો ચોંકી ગઇ અને બાને કહે, આવું કેમ બોલે છે. ત્યારે બાએ તેને બધી વાત કરીને કહ્યું, ‘તારા બાપુજી સામે ભલે ન બોલી પણ મને તો મનમાં ઘણા ઘણા વિચાર આવી ગયેલા. મને મોટો ડર એ જ હતો કે મને કંઇક થઇ જશે ને કોકિલાના ભાગવત સપ્તાહ જેવા પ્રસંગમાં અગવડનું નિમિત્ત બનીશ તો કેટલું ખોટું થશે! શ્રીનાથજીને એ જ અરજ કરતી’તી કે બધું સાચવી લેજે.’
મંજુ પણ એ સાંભળીને ઢીલી તો થઇ ગયેલી પણ બાને સ્વસ્થ કરવા તેણે કહ્યું કે બા, હવે જે થયું તે બધું ભૂલી જાવ. ઇશ્વરનો પાડ માનો કે તમને કંઇ ન થયું. ખરેખર તમારા પર એનો હાથ છે. અને હવે આ બધું કોકિલાબહેનને તો કહેતાં જ નહીં. એમને ત્યાં સપ્તાહ સરસ વંચાઇ રહી છે. આ વાત સાંભળીને એ અપસેટ થઇ જશે.
બા ઉષાકિરણમાં અમારે ઘરે આવ્યાં. બાને જોઇને હું રાજી-રાજી થઇ ગઇ. મારાં સાસુની ગેરહાજરી હતી તેનું દુ:ખ હતું. બાના આવતાં ઘરમાં ફરી વડીલની હૂંફ અનુભવાઇ. હું વહાલથી બાને ભેટી પડી. બાની તબિયત થોડી નરમ-ગરમ રહેતી પણ રોજ સવાર-સાંજ તેઓ કથામાં આવતાં. સગાં-સંબંધીઓને મળતાં ને ખુશ રહેતાં.
ભાગવત સપ્તાહ પૂરી થઇ એટલે બા કહે, ‘હવે અમે જઇએ. અમારી જામનગરની ટિકિટ કરાવી લઇએ.’ મેં કહ્યું કે થોડા દિવસ વધુ રોકાઇ જાવ. સારા ડોકટર પાસે તમારું ચેકઅપ પણ કરાવી લઇએ. તો બા કહે, ‘ના રે ના, હવે તો મને સારું છે. હવે ઝટ જામનગર ભેગાં થઇ જઇએ.’
બાની જામનગરની ટિકિટ આવી ગઇ પણ ઇશ્વરની ઇરછા કંઇક જુદી જ હતી!
જવાની આગલી રાત્રે મોડેથી બાને છાતીમાં દુખાવો ઊપડયો. ધીરુભાઇને વાત કરી તો તેમણે તરત ડોકટરને બોલાવવાનું અને બાને હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું. વહેલી સવારે ડોકટર આવ્યા. બાને તપાસીને કહ્યું આમને તો હાર્ટ-એટેક આવ્યો છે. હોસ્પિટલમાં એડમિટ કરવાં પડશે. મેં તરત તેમને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા કહ્યું ને હું કપડાં બદલવા ગઇ. હું મારા રૂમમાંથી બહાર આવી ત્યાં તો મારી બાઇની બૂમ સંભળાઇ, ‘બેન, જલદી આવો, બાને કંઇ થઇ ગયું છે...’ હું દોડીને બા પાસે પહોંચી.
પણ બા તો દૂરની સફરે ઊપડી ચૂકી હતી. મારી નજર સામે બાનું શરીર માત્ર હતું. હું માની જ ન શકી કે બા હવે આ દુનિયામાં નથી! નીચે એમ્બ્યુલન્સ આવીને ઊભી હતી અને અહીં બાના પ્રાણ ઊડી ગયા હતા!ગઇ કાલે તો મારા ભાઇને તાર કરેલો કે બા-બાપુજીને લેવા સ્ટેશને જજે અને આજે... બાની આમ અચાનક વિદાય! મારા ભાઇને બીજો તાર - બાના અવસાનનો મળ્યો ત્યારે એ તો માની જ ન શકે કે આ શું!
બાની ટ્રેનની વાતો મારા કાનમાં પડઘાઇ રહી હતી. દીકરીના ઘરનો પ્રસંગ ન બગડે તેની બાને ખૂબ ચિંતા હતી. પોતાની પીડામાંયે બાને અમારી ભાગવત સપ્તાહમાં પોતે ક્યાંય બાધારૂપ ન બને તેની જ તીવ્ર ઝંખના હતી અને ભગવાને જાણે બાની એ અંતિમ ઇચ્છા સાંભળીને માન્ય રાખી હતી. ભાગવત સપ્તાહ સુખરૂપ પાર પડી અને બાએ રજા લીધી. મારાં માટે પહેલાં મારાં સાસુ અને હવે બા એમ બન્ને બાને ગુમાવવાનો આઘાત અસહ્ય હતો પણ એ ઊંડાં દુ:ખમાંથી બહાર આવવામાં બાના આ શબ્દોએ જ મદદ કરી: ‘આપણું ધાર્યું થાય તો હરિકૃપા અને આપણું ધાર્યું ન થાય તો હરિઇચ્છા.’ મેં પણ હરિઇચ્છાને માથે ચડાવી.
સૌજન્ય: ડો. રામ બારોટ તથા ઇમેજ પબ્લિકેશન્સ