
Spotlight
Mothers Day Mothers Day
મને એ વાતની નિરાંત છે કે મારી માએ પોતાની જિંદગીનો આખરી શ્વાસ લીધો એ પહેલાં હું માની, એની મમતાની ખરી કિંમત સમજી ચૂકયો હતો, એટલે મેં મારી રીતે માની સેવા કરવામાં, તેની પાછળ સમય વિતાવવામાં કોઇ કમી કે કસર બાકી છોડયાં નહોતાં.
જોકે, જેની કૂખમાં મેં મારી જિંદગીનો પહેલો શ્વાસ લીધો હતો, જેની કૂખમાં નવ મહિના હું રહ્યો હતો, જેની મમતાની છાયામાં મેં મારી જિંદગીનાં એકતાળીસ-એકતાળીસ વરસ વિતાવ્યાં હતાં એ મા ગુમાવ્યાનું દુ:ખ મારા દિલના ખૂણામાં મારા આખરી શ્વાસ સુધી રહેવાનું જ!
મા, મારી માની વાણીમાંથી લાગણીનો દરિયો વહેતો. મારી માનાં વર્તનમાંથી બોધપાઠોનો ખજાનો ફૂટતો. મારી મા મારા માટે એક સ્કૂલ સમાન હતી.જોકે, ખુદ મારી મા કદી પણ સ્કૂલે ગઇ નહોતી. એ અભણ હતી, અંગૂઠાછાપ હતી પણ એની જરીકે છાપ એનાં વાણી-વર્તનમાં ઊપસતી નહિ. એ એવું દેખાવા પણ દેતી નહિ, વર્તાવા પણ દેતી નહિ. કમનસીબે મા પોતે ભણી શકી નહોતી, પણ મા ભણતરની કિંમત બરાબર જાણતી હતી. જોકે, પછીથી એણે મહોલ્લામાં પ્રૌઢશિક્ષણના વર્ગોપણ ભર્યા હતા. એ ખૂબ જ ભણેલીગણેલી સ્ત્રીની જેમ આત્મવિશ્વાસ સાથે કહેતી કે, ‘ભણતર એ તો માણસને એની જિંદગીની બારીઓ ઉઘાડી આપે છે.’
મારી માને મને ભણાવવા માટે ખૂબ જ ચિંતા રહેતી. કારણ અમારા કુટુંબમાં આમેય ભણતરનું કંઇ ઝાઝું મહત્ત્વ નહોતું. અમારી જ્ઞાતિમાં ભણતર કરતાં પૈસાને જ વધુ મહત્ત્વ અપાતું. બાર વરસનો છોકરો થાય અને ચાર ચોપડી ભણે એટલે એને ધંધે-ધાપે લગાડી દેવામાં આવતો. એને નોકરીએ વળગાડી દેવામાં આવતો.
મારી સાથે આવું બને નહિ એ માટે મા ખૂબ જ સાવચેત ને સતર્ક રહેતી. પણ એ વખતે માની આ લાગણી અને હકીકતને સમજી શકું એટલો હું સમજદાર નહોતો. હું ખૂબ જ મસ્તીખોર ને અટકચાળો હતો. સ્કૂલે જવાના સમયે હું સ્કૂલે નહિ જવા માટે માથું દુ:ખવાનાં, પેટમાં ચૂક આવવાનાં અને પગ દુ:ખવાનાં બહાનાં બનાવતો. આમ તો બે ભાઇ અને ત્રણ બહેનોમાં હું સહુથી નાનો એટલે માનો લાડકવાયો. મા મને બધાં કરતાં વધુ લાડ લડાવતી. મારી બધી ફરમાઇશો પૂરી કરતી, પણ મારા સ્કૂલે જવાના સમયે મા જાણે બિલકુલ બદલાઇ જતી. મારાં કોઇ બહાનાં ચલાવતી નહિ. લઢતાં-વઢતાં-ધમકાવતાં એ મને સ્કૂલે રવાના કરી દેતી.
હું મા સામે કંઇ બોલી શકતો નહીં, પણ મને સ્કૂલે મોકલવાના ગુસ્સાનો જવાબ હું મારી રીતે આપતો. અમારું ઘર પહેલા માળે આવેલું હતું, એટલે સ્કૂલેથી છૂટતાં જ હું સીડીના નીચેના પગથિયેથી જ મારા દફ્તરનો ઘા કરીને ઉપર ઘરમાં પહોંચાડી દેતો. દફ્તર મારી પધરામણીના ખબર મારી માને આપતું અને મારી મા બારીમાં ડોકાતી એ પહેલાં તો હું મુઠ્ઠીઓ વાળીને દોડતો. ‘એઇ ભોલિયા! થોડુંક જમીને રમવા જા...!’ જેવી મારી માની બૂમ મારા કાને પડતી, પણ જાણે એ બૂમ મને સંભળાઇ જ ન હોય એમ હું દોડીને મારા દોસ્તોની ટોળકીમાં ભળી જતો.
રાતનું અંધારું ઊતરતું અને માના કહેવાથી મારી બહેનો બે-ત્રણ વખત બોલાવવા આવતી ત્યારે હું ઘરે જતો પણ મા મને કંઇ કહે એ પહેલાં જ હું ખોટો રોષ ઉછાળતો, ‘આખો દિવસ સ્કૂલે હોઉં ત્યારે કોઇને મારી ફિકર નથી હોતી અને કોઇ મને જમવા માટે બોલાવવા આવતું નથી. અને સાંજના જરાક વાર રમવા જાઉં એમાં તો હો-હા મચી જાય છે!’
મારી આવી વાત સાંભળીને મા કંઇ બોલતી નહિ. હળવું હસતી. મારા હાથ-પગ ધોવડાવતી, મારાં મેલાં-ધેલાં કપડાં બદલાવતી અને પછી જમવા બેસાડતી. એ વખતે અમારા ઘરમાં પંખો નહોતો, એટલે એ જાતે એના હાથે મને નારિયેળીનાં પાંદડાઓમાની સળીઓમાંથી બનેલા હાથપંખાથી હવા નાખતી. મારા પિતા અમારા મા-દીકરાના આ લાડ-પ્યાર જોઇને મનોમન હરખાતા.
મારી મા મને ભણવા-ગણવાના ફાયદા સમજાવતી પણ મારામાં કોઇ ફરક પડતો નહિ અને એ જ રુટિન ચાલુ રહેતું. હું ભણવા જવા માટે ધાંધિયાં કરતો. મા ઠપકો આપતી, કદીક એ મારી સાથે લડતી, જો ખૂબ જ ગુસ્સામાં હોય તો એ તમાચો પણ ચોડી દેતી. પછી એ બેઠાં-બેઠાં એકલી એકલી રડયાં કરતી. રડતાં-રડતાં થાકતી ત્યારે મારી પાસે આવતી, ખૂબ વહાલથી માથે હાથ ફેરવતી અને મને ખૂબ જ ભાવતી ગોળપાપડી, જેને અમે કરછી લોકો સુખડી કહીએ છીએ તે બનાવતી. મને બેસાડતી, ડાહીડાહી વાતો કરતી, મને ફોસલાવતી, મને સમજાવતી અને મને પોતાના હાથે સુખડી ખવડાવતી.
મારા કાકા કયારેક-કયારેક માને ખીજવતા, હસતાં-હસતાં કટાક્ષ કરતા, ‘ભાભી! તમારો ભોલિયો ભણી રહ્યો. એને કામધંધે વળગાડી દો. મેટિ્રક ભણેલા છોકરાઓ તો ઝાડુ મારે છે, ઝાડુ!’ આ કડવું મહેણું મા મીઠાશથી ગળે ઉતારી જતી અને હસતાં-હસતાં પ્રેમથી લાડકવાયા દિયરને ખોટું ન લાગે અને દીકરાના ભણવાના ઉત્સાહમાં ઓટ ન આવે તે માટે કહેતી: ‘ભલે ભાઇ ભલે! તમારી વાત સાચી છે. મેટિ્રક ભણેલા છોકરાઓ ઝાડુ મારે છે. મારો દીકરો પણ મેટિ્રક ભણ્યા પછી ઝાડુ મારશે. પણ એના ઝાડુ વાળવામાંય એના ભણતરની આવડત અને ચમક ભળશે. એ ઝાડુ મારશે તો એક અભણ કરતાં સારું અને વ્યવસ્થિત ઝાડુ મારશે.’
અને માની આ વાતના જવાબમાં કાકા કંઇ બોલી શકતા નહિ. મા મને હંમેશાં સમજાવતી: ‘મારી મહેનત એળે ન જવી જોઇએ, દીકરા! મેં પાઇ-પાઇ માટે વલખાં માયાô છે. મારી એક દિલની તમન્ના છે, મેં એક સપનું જોયું છે. મારો દીકરો ભણીગણીને હોશિયાર થાય. મારો દીકરો એક દિવસ મોટો માણસ બને.’ પછી એ મારા તરફ જોઇ રહેતી. એની આંખો બોલતી હતી. એની આંખોની વાત હું સમજવા માંડયો હતો. એ પોતાની આંખો વડે જાણે આજીજી કરતી કહેતી: ‘ભોલા, મારી ઇરછા પૂરી કરીશ ને! તું મેટિ્રક નહિ, પણ ગ્રેજયુએટ થઇશ ને?’
મારા પિતાએ એક વાર મને એમની પાસે બેસાડીને કહેલું, ‘બેટા! તારી માએ ઘણાં દુ:ખ જોયાં છે. એના મનની આ ઇરછા પૂરી કરજે.’ અને પિતાની આ વાત સાંભળીને મેં ઘરનાંઓને અને સગાંઓને એ વિશે પૂછપરછ કરેલી. ત્યારે મને જાણવા મળેલું કે, મારા જન્મ પહેલાં મારા પિતાની સ્થિતિ સારી નહોતી, ત્યારે ખોલી જેવા ઘરમાં વાસણ તરીકે મારી મા પાસે ધાતુનો એકમાત્ર વાડકો હતો.
મારા પિતાએ એ વખતે ઉધારી-બુધારી કરીને ફિલ્મી ગીતોની ચોપડીઓનો ધંધો શરૂ કર્યોહતો. ત્યારે મારી મા એ વાડકામાં ચોપડીઓને બાઇન્ડ કરવા માટે લાઇ બનાવતી, અને રાતના એ જ વાડકામાં શાક બનાવતી. આ વિશે મા સાથે વાતચીત કરતો ત્યારે મને એ સુખ-દુ:ખની વાત કરતી. ખૂબીની વાત તો એ હતી કે આવી કારમી ગરીબીની વાત કરતી વખતે એના ચહેરા પર અફસોસની એક રેખા કે દાદ-ફરિયાદની એક નાની અમથી લકીર પણ ફરકતી નહિ. મા કહેતી, ‘માણસને ઊંઘવાને ઓટલો ને ખાવાને બે ટુકડા રોટલો મળે પછી બીજું જોઇએ શું?!’
અને ત્યારે મા મને ખાસ શિખામણ આપતી: ‘ભોલા! માણસે ગરીબીમાં ડગી નહિ જવાનું તો અમીરીમાં છકી પણ નહિ જવાનું. પૈસા તો હાથનો મેલ છે, આવે ને જાય. બસ, યાદ રહે છે તમે કોઇને કહેલા બે મીઠા બોલ અને બાકી રહે છે તમે કોઇને માટે કરેલાં બે સારાં કામ. આંબા ઉપર કેરી આવે ત્યારે શું આંબો ઊંચે જાય છે? ના, એ નીચો નમે છે. એને પથ્થર મારનારને પણ એ મીઠું ફળ આપે છે. પૈસો થાય ત્યારે તમે પણ એવા જ થજો, આંબા જેવા.’
હું લગભગ સત્તર વરસનો થયો ત્યાં જ મારા પિતા અવસાન પામ્યા. પિતાના અવસાન પહેલાં મા મને જે લાડ-પ્યાર કરતી હતી એ પિતાના અવસાન પછી બેવડાઇ ગયો. દીકરો જેમ જેમ મોટો થાય તેમ તેમ પોતાની માની ગોદ છોડીને પિતાનો હાથ પકડતો થાય છે પણ મારા પિતા રહ્યા નહિ એટલે માએ જ પિતાની ભૂમિકા પણ ભજવવાનું શરૂ કર્યું. હું ગંભીર બનતો ગયો, પણ માના પ્રેમમાં જરાય ઓટ આવી નહિ. એ મારી સાથે એ જ રીતે, જાણે હું સાવ નાનું બાળક હોઉં એમ મારી એકએક વાત ને વસ્તુઓનું ઘ્યાન રાખતી. હું હાઇ સ્કૂલમાં પહોંરયો ત્યારેય એ મારાં કપડાં એના હાથે ધોતી ને ઇસ્ત્રી કરતી. મારા હાઇ સ્કૂલમાં જવાના સમયે રૂમાલથી માંડીને મોજાં સુધીની બધી વસ્તુઓ એ તૈયાર રાખતી.
પરીક્ષા હોય ત્યારે હું મારા લંગોટિયા દોસ્તો જોડે અગાશીમાં રાતના વાંચવા બેસતો ત્યારે એય વહેલી સવારના ચાર વાગ્યા સુધી અમારી સાથે જાગતી બેઠી રહેતી. ફ્રૂટ કાપીને આપતી, અમારા માટે ચા બનાવી લાવતી. એ વખતે અગિયારમાં ધોરણને એસ.એસ.સી. કહેવાતું. એસ.એસ.સી.ની પરીક્ષામાં મા મારી સાથે જાગતી. હું સૂઇ જાઉં તો મા મને જગાડતી, મોઢું ધોવા પાણી આપતી અને મોઢું લૂછવા નેપકિન આપતી. માના એ ઉજાગરાનું પરિણામ લેવા જયારે હું નિશાળે પહોંરયો ત્યારે દિલ ધક્! ધક્! ધક્! થતું હતું.
માર્કશિટ હાથમાં આવી ને વર્ગમાં સાહેબે ‘પાસ’ થયાના સમાચાર આપ્યા, તેનાથી મને અનહદ ખુશી થઇ હતી. મિત્રો રોકતા હતા, છતાં એમને ટૂંકા જવાબો આપ્યા પછી ઘર તરફ મેં દોટ મૂકી હતી. હું એ પણ ભૂલી ગયો હતો કે, હું નિશાળમાં ભાડાની સાઇકલ લઇને આવ્યો હતો. ઘરે પહોંચતાં જ હું માને વળગી પડયો. એક વાંદરાનું બરચું માને વળગી પડે છે એમ જ! મેં માને સમાચાર આપ્યા, ‘મા! હું પાસ થયો છું અને એ પણ ઓગણસાઠ ટકા સાથે!’ અભણ માને તો ટકાવારીમાં કંઇ સમજણ પડતી નહોતી, પણ એ દિવસે અમે ફરી એકબીજાને વળગીને ધ્રૂસકેધ્રૂસકે રડ્યાં હતાં, કયાય સુધી!
જોકે, એ દિવસે માની આખમાંથી ખુશીઓનાં, આનંદનાં આંસુઓનો ધોધ વહેતો હતો! પિતાજીની ગેરહાજરીમાં માનું સપનું સાકાર થયું હતું. મા એ દિવસે ખૂબ ખુશ થઇ હતી, મારી બહેનો પણ ખૂબ ખુશ થઇ હતી. એ બન્ને બહેનો પરણી ચૂકી હતી પણ વેકેશનમાં પિયરમાં આવી હતી. એ દિવસે અમે બધાંએ ભેગાં મળીને એકીસાથે સુખડી અને લોટનો શીરો બનાવ્યો હતો. બન્ને બહેનોએ પોતાના હાથે ભજિયાં બનાવ્યાં હતાં!
હું ગ્રેજયુએટ થયેલો ત્યારેય મા રડી પડેલી. મોતીના મોટામોટા દાણા જેવડાં એ આંસુને ખોબલામાં લઇને મને પી જવાનું મન થઇ ગયેલું. અને એ વખતે હું ધ્રૂસકેધ્રૂસકે રડી પડેલો. એણે મને પોતાની છાતીસરસો ચાંપી દીધેલો. હું સમજણો થયો એ પછી એણે કદી મને રડવા નહોતો દીધો. જયારે એ જિંદગીના છેલ્લા શ્વાસો લઇ રહી હતી ત્યારે મારાથી એની સામે પોક મૂકીને રડી પડાયું હતું. મોતની આગોશમાં જતાંજતાંય એણે મને પોતાની બાથમાં લઇ લેતા કહેલું, ‘રડીશ નહિ! મને કોઇ વાતનું દુ:ખ કે અફસોસ રહ્યા નથી. હું હસતા મોઢે જાઉં છું તો તુંય હસતું મોઢું રાખ!’
મારાથી ચૂપ થઇ શકાયું નહિ, એટલે એ ભારે મને બોલી હતી: ‘તારી સાથે તો હું આટલાં વરસ રહી, શું હવે તું મને તારા પિતા પાસે નહિ જવા દે...?’ અને મારાથી આંસુભીની આંખે એની સામે જોવાઇ ગયું હતું. અને એણે હસતા મોઢે આંખો મીંચી દીધી હતી. એક મોટું ધ્રૂસકું મૂકતાં મને રડી પડવાનું મન થયું હતું પણ મેં મારી જાતને રોકી લીધી હતી. પછી હું રડયો નહોતો. માના અંતિમસંસ્કાર વખતે હાજર રહેલાં મારાં સગાં-વહાલાં અને દોસ્ત-બિરાદરો ગવાહ છે કે એ વખતે હું રડયો નહોતો. પિતા પાસે રહેવા જતી મા પાછળ હું કઇ રીતે રડી શકું?
જોકે, આજે માને ગુજરી ગયાને ઘણાં વરસો થવા આવ્યાં. હું ઘણાં સામાજિક અને ધંધાકીય કામકાજોમાં ડૂબી ગયો હોવા છતાંય ઘણીવાર મા મને સાંભરી આવે છે. અને હું એક ખૂણામાં બેસીને ચુપચાપ રડી લઉં છું. અને ત્યારે... મા...! મા...! એવી ચીસો પાડવાનું મને મન થઇ જાય છે, પણ જાણે એ ચીસો ગળામાં જ રુંધાઇ જાય છે. જોકે, આમ તો એવું કહેવાય છે કે કદી કોઇની મા મરતી નથી. હંમેશાં એ પોતાનાં બાળકોના દિલના કોઇક ખૂણામાં જીવતી જ રહે છે, પણ તેમ છતાંય જો ઉપરવાળાએ બધાંની માની જિંદગીને જ અમર બનાવી નાખી હોત, એને હંમેશ-હંમેશ માટે જીવતી ને જાગતી રાખી હોત તો કેટલું સારું થાત!