HomeSpotlightMothers Day Mothers Day

સવાયો માતૃપ્રેમ

આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઇશ્વરે સૃષ્ટિ રચી, પણ એનાથી બધે પહોંચી વળાયું નહીં, એટલે એણે માતાની રચના કરી, પરંતુ જન્મ આપે એ જ મા કહેવાય એવું નથી. કષ્ણનું જ ઉદાહરણ લઇએ તો દેવકીએ તેમને જન્મ આપ્યો પણ ઉછેર તો યશોદાએ કર્યો. આજના યુગમાં પણ આવી અનેક યશોદા જોવા મળે છે. આપણા જ સમાજમાં અને આપણી જ વચ્ચે એવી અનેક મા છે. જેણે બાળકને જન્મ આપ્યો ન હોવા છતાં બાળકની સવાઈ ‘મા’ બની વ્હાલના દરિયાને વહેતો કર્યો છે.

bhakti.jpgઅમદાવાદમાં આજથી થોડા વરસ પહેલાં ગોધરાકાંડને લીધે થયેલ હુલ્લડમાં એક ગર્ભવતી સ્ત્રી આધાતને લીધે સુધબુધ ગુમાવી બેઠી. વધુ પડતી ગભરાઇ જવાને લીધે તેની પ્રીમેરયોર ડિલિવરી થઈ ગઈ. બે દિવસ બાદ બાળકીને હોસ્પિટલમાં જ રઝળતી મૂકી તે કયાંક ચાલી ગઇ.

આવી પરિસ્થિતિમાં ડોક્ટર પાસે બાળકીને અનાથ આશ્રમમાં મૂકવી એ જ એકમાત્ર માર્ગ હતો, પરંતુ બાળકીની સ્થિતિ જોતાં ગાયેનેકોલોજિસ્ટની અઢાર વર્ષની દીકરી જાસ્મિનને તેના માટે કૂણી લાગણી જન્મી અને તેણે આ બાળકીને દત્તક લેવાની રીતસર જીદ કરી, પરંતુ માતા ડોક્ટરના વ્યવસાયમાં ગળાડૂબ હોવાથી તેનો ઉછેર યોગ્ય રીતે કરી શકે તેમ નહોતી. તેથી બાળકીને સ્વીકારવાની મનાઇ ફરમાવી, પરંતુ જાસ્મિને તેની નવી બહેનના ઉછેરની જવાબદારી ઉપાડી લીધી. તેનું નામ ‘તરન્નુમ’ એટલે કે, ‘મ્યૂઝિક’ પાડવામાં આવ્યું.

તરન્નુમને દૂધ પીવડાવવાથી લઈને નવડાવવા, સુવડાવવાથી માંડી તેની નાનામાં નાની જરૂરિયાતને પૂરી કરવા જાસ્મિન ખડે પગે રહેતી. જાસ્મિનનું તરન્નુમ સાથેનું એટેચમેન્ટ જોઇને તેના માતા-પિતાએ પણ તરન્નુમનો સ્વીકાર ત્રીજી દિકરી તરીકે કર્યો આજે તો તરન્નુમ આઠ વર્ષની થઇ ગઇ છે. તે જાસ્મિનને દીદી કહીને બોલાવે છે. તેમના પરિવારના સભ્યોએ પણ તેનો સહજપણે સ્વીકાર કર્યો છે. આજે તરન્નુમ તેની માતા અને દીદી સાથે આનંદથી રહે છે.

જાસ્મિન ગમે તેમ તોય એક સ્ત્રી હોવાથી તેનામાં નાની વયે માતૃહૃદય ધબકી ઊઠ્યું પરિણામે ઘરમાં એક વધુ મહેમાનનું આગમન થયું, પરંતુ કેટલીક એવી માતાઓ પણ છે જે માતૃત્વની ઝંખનાને પૂર્ણ કરવાં બાળકીને દત્તક લઇ પોતાની કરી તેના પર વાત્સલ્યનો મેહ વરસાવી રહી છે.

જેમાં ભરુચના ઉમા ગોહેલનો સમાવેશ થાય છે. સવા બે વર્ષની સડસડાટ ગુજરાતીમાં વાતો કરતી ચબરાક અને અદ્લ ગુજરાતી લાગતી ભકિતની વાતો સાંભળીને કોઇ ન કહી શકે કે, તેને રાજસ્થાનથી લાવવામાં આવી હશે. ઉમા કહે છે કે,‘એક સ્ત્રી માટે બાળક જ તેનું સર્વસ્વ હોય છે.

mother.jpgદુનિયામાં એવી તો કઇ સ્ત્રી હશે જે મા બનવાના સૌભાગ્યથી વંચિત રહેવાનું પસંદ કરે. હું બાળકને જન્મ આપવા સક્ષમ ન હતી, પરંતુ મારે ગમે તે સંજોગોમાં બાળક જોઇતું હતું. મારી મનોવ્યથાને પામી ચૂકેલા મારા પતિ યોગેશે મને સામેથી બાળક દત્તક લેવાની વાત કરી. પહેલાં તો મેં થોડું વિચાર્યું, પરંતુ મને એ જ શ્રેષ્ઠ વિકલ્પ લાગ્યો અને અમે દીકરી દત્તક લીધી. કેમકે, અમને પહેલેથી જ દીકરીની ઝંખના હતી. ગમે તેમ તોય ‘દીકરી વ્હાલનો દરિયો’ હોય છે. તેના આવવાથી અમને જીવન જીવવા જેવું લાગે છે.

ઘરનું વાતાવરણ આખું તેની કિલકારીઓથી ગૂંજી ઊઠ્યું છે. અમે નક્કી કર્યું છે કે, ભકિતને તેની લાઇફ તેની રીતે જીવવા દઇશું અમે તેનો ઉછેર કરી તેને બંધનમાં બાંધવામાં માનતાં નથી. સાચું કહું તો અમે અને અમારા કુંટુબના સભ્યો ભકિતને દત્તક લેવામાં આવી છે એ વાત વિસરી ચૂકયા છીએ. મારા જેવી સ્ત્રીને એટલું જરૂર કહીશ કે, માતા બનવાની ટ્રીટમેન્ટ પાછળ સમય વેડફવા કરતાં ઉમર વહી જાય એ પહેલાં બાળકને દત્તક લઇ લેવું જોઇએ.’

દીકરીને દત્તક લેવા માટે અધીરા બનેલા વડોદરાના મીતાબહેન કહે છે કે, ‘અમે જોઇન્ટ ફેમિલીમાં રહેતાં મારી દેરાણીના બાળકોને હું મારા જ બાળકો સમજતી, પરંતુ મને જયારે ખબર પડી કે, હું મા બનવા સક્ષમ નથી ત્યારે મને ખૂબ દુખ થયું અને ડિપ્રેશનનો શિકાર બની. મારે ગમે તેમ કરીને બાળકની મા બનવું હતું. મને યાદ હતું કે મારી માસીએ દીકરી દત્તક લીધી હતી. તેથી મેં પણ બાળકી દત્તક લેવાનું નક્કી કર્યું.

vatsalya.jpgશરૂઆતમાં મારી વાતને મારા પતિ અને પરિવારના સભ્યોએ ગંભીરતાથી ન લીધી, પરંતુ બાળકીને દત્તક લેવા માટેના મેં આદરેલા પ્રયત્નોને જોઇને તેમણે મને પૂરતો સાથ સહકાર આપ્યો. હું મારા હસબન્ડ સમીર અને સાસુ-સસરા સાથે ગોધરા દીકરી જોવા ગયાં ત્યારે દીકરીને હાથમાં લેતાંની સાથે અમે બંને રડી પડયાં હતાં અને તેને ઘરે લઇ જવા હું તત્પર બની હતી.

પરંતુ લીગલ ડોકયુમેન્ટ તૈયાર થાય ત્યાં સુધી રાહ જોયા સિવાય અમારી પાસે કોઇ રસ્તો ન હતો. અમે દીકરીનું નામ દેવિકા પાડયું. તેનું ઘરમાં આગમન થતાં અમારા સ્વભાવમાં પરિવર્તન આવ્યું. હું શું કહું, અમારી આખી દુનિયા જ બદલાઇ ગઇ છે. હું એટલી ખુશ છું કે તેને શબ્દોમાં વ્યકત કરી શકું એમ નથી.’ પારકાને પોતાના કરી વાત્સલ્યના ઝરણાંને વહેતુ કરનાર આવી માતાઓને સલામ!

લગ્ન કર્યા વગર પણ મા બની જ શકાય

‘હું સમજણી થઇ ત્યારથી જ મહિલા સમાજસેવા સાથે સંકળાયેલી હતી. મેં મારી આસપાસ બે-ત્રણ પરિવારને બાળક દત્તક લેતાં જોયાં હતાં. તેથી ત્યારે મેં મનોમન દીકરી દત્તક લેવાનું નક્કી કર્યું હતું. મેં લગ્ન નહીં કરવાનો અને દીકરી દત્તક લેવાનો નિર્ણય કર્યો જેમાં મારા માતા-પિતાએ મને પૂરતો સપોર્ટ ણ આપ્યો. મારી દીકરી જયારે છ મહિનાની હતી ત્યારે તેને દત્તક લીધી હતી. આજે તે નવ વર્ષની થઇ ગઇ છે. તેની પાછળ મારું નામ લખાય છે. એ સારી રીતે જાણે છે કે, તે મારી કૂખે જન્મી નથી. છતાં એ મારી દીકરી છે અને હું તેની મા છું. કાલે શું થવાનું છે? એની કોઇને ખબર નથી તેથી હું આજને જીવવામાં માનું છું. અમે મા-દીકરી એકબીજાની હુંફ મેળવીને ખુશ છીએ.’ - દીપાલી ધેલાણી (લેકચરર, વડોદરા)

વાસ્તવિકતાથી બાળકને વાકેફ કરો

‘ઘણા માતા-પિતા બાળક દત્તક લઇ લે છે અને તેનો ઉછેર પણ ઉત્તમ રીતે કરે છે. પરંતુ ‘તું અમારું પોતાનું સંતાન નથી, તને દત્તક લેવામાં આવ્યું છે’. એ વાત બાળકના કૂણા મન પર ખરાબ અસર કરશે એવું વિચારીને માતા-પિતા છુપાવે છે. જેનું પરિણામ ભવિષ્યમાં ભયાનક આવી શકે છે. કેમકે માતા-પિતા બાળકને હકીકત નહીં કહે તો, તેને બહારથી આજે નહીં તો કાલે જાણવા મળશે જ. ત્યારે બાળક એ આઘાત સહન નહીં કરી શકે. તેના મગજ પર અવળી અસર થશે. તેના કરતાં બાળક પાંચ-છ વર્ષનું થાય ત્યારે તેને વાર્તા દ્વારા કે કોઇ અન્ય રીતે દત્તક બાળકોની વાત કરો અને ધીરે ધીરે તેને હકીકતથી વાકેફ કરવું જોઇએ. તેનાથી માતા-પિતા સાથેનું બાળકનું બોન્ડીંગ વધુ મજબૂત થશે.’ - સીમા ગર્ગ, (મનોચિકિત્સક)

દીકરીની માંગણી કરતાં પેરન્ટ્સ

‘પહેલાં સંતાનને એડોપ્ટ કરવા આવતાં માતા-પિતા ચાલીસી વટાવી ચૂકેલ જ જોવા મળતાં. જયારે આજે ૩૦-૩૫ વર્ષે માતા-પિતા વાસ્તવિકતાને સ્વીકારી સંતાનને એડોપ્ટ કરવા તૈયાર થઇ જાય છે. એ વાત જ બતાવે છે કે સમાજમાં એડોપ્શન માટે કેટલી જાગૃતતા આવી છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે, એડોપ્ટ કરવા આવતાં કપલને બાળકો લેવા વેઇટિંગ લિસ્ટમાં નામ નોંધાવવા પડે છે. આજે નામ નોંધાયું એટલે પંદર દિવસે તમારો નંબર આવશે કે છ મહિને એ કહેવું અધરું છે. તેથી એમ કહી શકાય કે માતા-પિતાની સરખામણીએ બાળકો ઓછા છે. બીજું, બાળક એડોપ્ટ કરવા આવતાં માતા-પિતાની સામે દીકરો કે દીકરી એમ બે ચોઇસ ઓપન રહેતી હોવા છતાં મોટાભાગના માતા-પિતા દીકરીની જ માંગણી કરે છે.’ - ધર્મિષ્ઠા નાણાવટી, (એડોપ્શન રીસોર્સ સેન્ટર.)

આલેખન: દેવલ થોરિયા, તસ્વીર: નીલેશ બ્રહ્મભટ્ટ, ભરત પારેખ, રાજેશ પેન્ટર.

love.jpg