HomeSpotlightMothers Day Mothers Day

એ ઘરનો ‘હીરો’ હતી

Mother Dayત્રણેક વર્ષની ઉંમરે મેં મા ગુમાવેલી. મારી યાદદાસ્ત પર ક્યારેક મને ખુદને આશ્ચર્ય થાય એટલી એ અણિયાળી છે. મારા શૈશવનાં અનેક સ્મરણો જેવાં ને તેવાં રૂપે આજેય મારી સ્મૃતિસંદૂકે સંઘરાઇ રહ્યાં છે. એમ મારી માનો ચહેરો આજેય મારા સ્મરણે આબેહૂબ જડાઇ રહ્યો છે.

હું ચિત્રકાર હોઉં તો ચીતરી શકું, એક પણ રેખા ન ચૂકું એવો. મા ગુણિયલ હતી. અનેકોને મોઢે સાંભળ્યું છે સુંદર હતી, હેતાળ હતી. નામ એનું હતું હીરી. મારી દીદી ને ફોઇ એને ‘હીરા’ કહેતાં. એ ઘરનો ‘હીરો’ હતો એવું એનાં ગુણગ્રાહકો કહેતા.

એને ટી.બી. થયેલો. જૂની સિવિલમાં એને સારવાર અર્થે રાખેલી. ત્યાંથી મારા બાપુને લખેલો એનો એક પત્ર જૂની પેટીમાંથી જડેલો. પેન્સિલથી મરોડદાર અક્ષરે એણે એકેએક વિગત લખેલી. બાપુ મિશનના માસ્તર. ખંભોળજ ગામે રહે.

ઘર પાછળ વિશાળ વાડો હતો ને માએ મરઘીએ બરચાં સેવ્યાં હોય તો તેની કાળજી સમેત વાડામાં ભીંડા ને વાલોર વાવવાનીય પેલા કાગળમાં તાકીદ કરેલી. અમારી ચિંતા તો એમાં ખરી જ, પણ લાકડાની પેટીના ખૂણે રાખેલી બાટલી ઘરે પહોંચાડી દર રવિવારે કાકી અમને ચા સાથે બબ્બે ચમચી દિવેલ પિવાડે એની ખાસ સૂચનાય નહિ ભૂલેલી.

માના અમે બે દીકરા, મોટો મનુભાઇ ને એનાથી છએક વર્ષ નાનો હું. વરચે એક બહેન જન્મીને ઝાઝું નહિ જીવેલી. માની માંદગી ટાણે અમને અમારે વતન ઓડમાં દાદી ‘ધનીડોસી’ને ત્યાં મૂકેલા. દાદીને ઘરે પાછ છ દૂઝણાં. દૂધ-ઘીનો પાર નહિ. પહેલવાન જેવાં કાકાકાકી નિ:સંતાન. એને અમારી ખૂબ માયા.

માની માંદગી દરમ્યાન જ બાપુ એક સ્ત્રી સાથે વલોંધાયેલા. થોડીક સાજી થઇને મા આવી ત્યારે એણે જાણ્યું ને એ ઝંખવાઇ ગઇ. લોકો કહેતા, હીરી જીવત, પણ આ જાણ્યા પછી એને જીવવામાં જીવ જ ના રહ્યો.