
Spotlight
Mothers Day Mothers Day એ તો હજી દૂધ પીએ છે. મને લાગે છે કે એ મારી દેખરેખ હેઠળ જીવતાં શીખે છે, પણ મેં જોયું કે એ તો મારો માર્ગદર્શક છે.
નરમ, સોનેરી ઝૂલફાંવાળા મારા જીવનના એ નાનકડા સૂરજે, મારાં રાત-દિવસ બદલી નાખ્યાં. પતિ, વ્યવસાય, મિત્રો અને મારા શોખ બધું જ હવે મારે મન આ નવા ગુરુત્ત્વાકર્ષણની સીમા પછી આવે છે. એવું લાગે છે કે ફરીથી હું પ્રેમના પાશમાં બંધાતી જાઉં છું. કોઇ કોઇ વાર મને ગભરામણ થાય છે કે કદાચ હવે મને ક્યારેય વાંચવા, સિવણકામ કરવા કે પછી એકલા બેસવાનો સમય જ નહીં મળે. વહેલી સવારે જો એ ઊંચા સાદે રડવાનું શરૂ કરી દે તો ગંદાં બાળોતિયાંનો ઢગલો, રસોડું, ખાવાનું, વાતચીત બધું જેમનું તેમ રહી જાય છે.
મને યાદ છે કે મા ઘણીવાર મને અને ભાઇઓને કહેતી, ‘હું તમને એટલું ચાહું છું કે એ પ્રેમ પીડાની એક નાની ટીસ બની જાય છે.’ મને લાગે છે કે હું પણ આવી જ કોઇ મીઠી પીડાનો શિકાર થઇ ગઇ છું. એના કોઇ પણ હાવભાવ, કિલકારી, જરાસરખો પણ અવાજ કે મધુર હાસ્ય જોવાથી વંચિત ન રહી જાઉં એટલે દિવસઆખો એને હું આમથી તેમ ઊંચકીને ફયાô કરું છું.
એ સૂતો હોય ત્યારે અંધારાંમાં પારણાં પર ઝૂકી એના શ્વાસોરછ્વાસને અને જાગતો હોય ત્યારે એનાં રૂદનને સાંભળતી રહું છું. એણે પહેલી વાર હાસ્ય કર્યું ત્યારે એના મુલાયમ નાજુક હોઠ કાનની બૂટ સુધી વિસ્તરી ગયા અને અર્ધમીચેલી આંખો હર્ષોલ્લાસથી અર્ધચંદ્ર બની ગઇ. રાત્રિના ત્રણ વાગ્યે દૂધ પીધા પછી એણે એનું પહેલું દૂધાળું સ્મિત ફરકાવ્યું હતું. મારા મનમાં સતત એ ઉત્કંઠા રહેતી કે એની હવે પછીની હરકત કઇ હશે?
હું વિચારતી કે એને હું શીખવીશ અને એની માર્ગદર્શક બનીશ, આ નવા સંસાર સાથે એનો પરિચય કરાવીશ, પણ લાગે છે કે એ મારો માર્ગદર્શક બની ગયો છે અને હું એની અનુયાયી. એનું મોં બચબચ કરતું જલદી જલદી જાણે બધું જ દૂધ ચૂસી લેવા માગે છે પણ વચમાં જ એને છીંક આવી... આવી જાય છે! ભારે જબરો! એ બોટલ પોતાની પકડમાંથી છૂટવા નથી દેતો. હું એના પર હસું છું તો જાણે મજાકને સમજતો હોય એમ પોતે પણ હસી પડે છે.
આ વખતે દૂધની બોટલ એના હાથની પકડમાંથી છૂટી જાય છે અને અમે બંને પાગલની જેમ ખડખડાટ હસી પડીએ છીએ. એના પારણાં પર રંગબેરંગી ઝુમ્મર લટકેલાં છે, એ પોતાની નીલી નીલી આંખોથી એને ટગર ટગર જોયા કરે છે. એક સવારે એણે રમકડાં તરફ જોયું અને ફરી પાછી નજર માંડી. એનું નાનકડું મોં ખૂલી જાય છે અને આંખો પહોળી થઇ જાય છે. લાકડાના એ નાનકડા રમકડાએ એની નજરને ટકાવી રાખવાનું શીખવી દીધું.
એ જોતો રહે છે અને એની દ્રષ્ટિએ જાણે મારા સંસારને વિશાળ બનાવી દે છે. એકબીજાને સંસારનું રહસ્ય સમજાવી દેવામાં હું અને મારો નાનકડો સાથી-સંગી બની ગયાં. એ માર્ગ દેખાડે છે અને હું એની પાછળ પાછળ. હું એને મારા અનુભવનું ભાથું આપું છું અને એના બદલામાં જે મેળવું છું એની પૂર્તિ બીજી કોઇ પણ રીતે થવી અશક્ય છે.
એ પોતાના હાથ સાથે રમે છે. કલાકો એને મરોડવા-હલાવવા તથા નચાવવામાં મગ્ન રહે છે. એના હાલતા હાથોનો રચાતો પડછાયો ધૂંધળી સૃષ્ટિ રચી દે છે. હાથોની છાયા રેખાઓ, ખૂણાઓ અને ગોળાકાર બનાવે છે ને વળી એના હાથ કંઇક શોધવા લાગે છે. એની પહોંચમાં રહેલી દરેક વસ્તુ પકડવા એના જિજ્ઞાસાભરેલા હાથ નિ:સંકોચ આગળ વધે છે અને જે કંઇ એની ઝપટમાં આવે છે એને પોતાના મોંમા નાખી દે છે.
એક દિવસ એનું બધું કૌશલ્ય, હાસ્ય, ઊછળકૂદ અને પકડ બધું એકસાથે થઇ ગયું. હું જેવી એની પાસે ગઇ, એણે મારી સામે એના હાથ ફેલાવી દીધા. હું એને જોરથી મારી છાતી સાથે વળગાડી દઉં છું. એ ફુવારા જેવું હસી પડે છે પણ બાથની ભીંસ વધારે લાગતાં જ પકડમાંથી બહાર નીકળવા એ પોતાના ચોંટેલા પગ ધકેલવાની કોશિશ કરે છે.
પોતાના નાના હાથોથી મારા હાથ પકડી ઉપરનીચે કૂદકા મારી નાચે છે. મૂક કિકિયારીની મુદ્રામાં એનું મોં અર્ધખુલ્લું રહી જાય છે અને જીવનપથ પર પા પા પગલી માંડવા બેચેન હોય એમ એના પગ જલદી જલદી ચાલવા લાગે છે. એનું દરેક કાર્ય જોઇ હું ગર્વથી ફુલી નથી સમાતી પણ એ ગૌરવમાં અફસોસ પણ ભળેલો છે.
એનાં દરેક કદમને મારા સહારાની જરૂર છે, પણ એનું જગત ભણી ઊઠતું દરેક પગલું એને મારાથી દૂર લઇ જવાનું છે છતાં આપણે એને પોતાની સ્વતંત્રતાના આનંદથી વંચિત નથી રાખી શકવાના. વિશ્વની બધી સંભાવનાઓ હવે એની બની ગઇ છે. એક કવિના કહ્યા અનુસાર, ‘બાળક ઇશ્વરની ઇરછાનું પ્રતીક છે... સંસાર ચાલતો રહેવો જોઇએ.’ પણ બાળુડાનું એ બંધન આપણા જીવન સાથે ધેરો સંબંધ રાખે છે.
સંસાર ફકત અવિરત ચાલતો જ નથી રહેતો, પણ એનો પુનર્જન્મ પણ થાય છે અને જીવનમાં ફરી એક અનેરી ચમક અને મધુરિમા છવાઇ જાય છે, જે ફકત બાળકોના જ નસીબમાં હોય છે. આપણી અંદર છુપાયેલો ખજાનો એ આપણી અરસપરસની શોધ છે. એને જોતાં જ મનમાં મમતાનો અગાધ સાગર હિલોળા મારવા લાગે છે - પારણાંમાં ચાદરથી અર્ધ ઢંકાયેલા એના ગાલ, ચમકતી આંખો, ગોળ હોઠ, દૂધ પીતી વખતે વળેલી પગની આંગળીઓ, ઊંઘના ભારથી મારા ખભે ઢળેલું એનું માથું, મારા ખોળામાં ફેલાયેલું એનું ઘાટીલું શરીર, ઊંઘમાં ઝબકતી એની પાંપણો...
પ્રેમ વિશે કહેલી બધી ચવાઇ ગયેલી વાતો નવા અર્થ લઇ લે છે. હું એને અગાધ પ્રેમ કરું છું કે હૃદયમાં એક ટીસ ઊઠે છે, એક પીડા જાગે છે. પણ આ ટીસ, આ પીડા એ કોઇ દુખદ પળની અનુભૂતિ નથી, એ તો વિકાસ અને શોધની પળ છે અને અંદરથી ઊઠતી આ ટીસ વૃદ્ધિની છે, હર્ષની છે.