
Spotlight
Mothers Day Mothers Day
શાળાએથી કે રમીને કે ગમે ત્યાંથી ઘરમાં આવીએ એટલે પહેલો જ ઉદ્ગાર હોય: ‘બા!’
ઘરમાં આવીએ અને ‘બા’ પ્રત્યક્ષ ન હોય તો ઊંચાનીચા થઇ જઇએ. બા વગરનું ‘ઘર’ ઘર જ ન લાગે. બા વગર ચાલે જ નહીં.
‘બા ચ્યાં ગઇ?’
પડોશીને ત્યાં ગઇ હોય તો હાથ પકડીને, હઠ કરીને બાને લઇ આવીએ. બા બધું જ કરી આપે. બટન ભરાવતાં ન આવડે તો ભરાવી આપે. બટન ખોલતાં ન ફાવે તો ખોલી આપે. માથું ઓળી આપે. ફાટેલી ચડ્ટી સાંધી આપે. ખાવા આપે. ઓઢાડે. બા આઘીપાછી હોય તો ચમચી, ચપ્પુ કંઇ ન જડે. બા હોય તો બધું તરત ચમત્કારિક રીતે હાજર થઇ જાય.
બાપાને સંબોધન કરવાના પ્રસંગો તો સાવ ઓછા, પણ બાને આખો દિવસ અનેક વાર સંબોધન કરીએ. બાની પળે પળે જરૂર પડે. ‘બા-રટન’ એવું તો સહજ થઇ ગયેલું કે મોટી ઉંમરે બાબાપાની ખબર કાઢવા અમદાવાદથી પાટડી જાઉં એટલે જાળીનું બારણું ખોલીને પહેલો જ ઉદ્ગાર મોંમાંથી નીકળે : ‘બા!’
બા ન હોય તો બધા તળેઉપર થઇ જાય. બા એટલે સલામતી. બા એટલે બધું વ્યવસ્થિત. બધું હાથવગું. બા એટલે બધું સુગ્રથિત. બાનું સ્મરણ કરતાં કાફકાની એક ટૂંકી વાર્તા યાદ આવે છે. વાર્તાનું નામ છે: ‘ધી મેરિડ કપલ...’
વાર્તાની ઝાઝી વિગત તો અહીં ઉતારવી શક્ય નથી. એક નાનો વેપારી પોતાના માલનો ઓર્ડર મળે એવી અપેક્ષાથી એક મોટા વેપારીને ઘરે પહોંચી જાય છે. એ મોટો વેપારી વૃદ્ધ છે.
આ નાનો વેપારી તક મળતાં પોતાની ધંધાકીય દરખાસ્તો વિશે બોલવા માંડે છે. વૃદ્ધ વેપારી બેચેન છે. એમને સાંભળવામાં ઘ્યાન નથી. નાનો વેપારી તો ચલાવ્યે જ રાખે છે. અચાનક વૃદ્ધ વેપારીનું શરીર ધ્રૂજે છે, જડબું નિરાધાર લબડી રહે છે. એ માંડ માંડ શ્વાસ લે છે અને ખુરશીની પીઠ પર ઢળી પડે છે. ખેલ ખતમ! નાનો વેપારી નજીક જઇને ડોસાના ઠંડાગાર હાથને પકડી લે છે.
નાડીના ધબકારા પણ અનુભવાતા નથી. નાનો વેપારી ગભરાઇ જાય છે. ત્યાં વૃદ્ધ વેપારીનાં વૃદ્ધ પત્ની આવી પહોંચે છે. એમને પતિના મૃત્યુના સમાચાર કેવી રીતે આપવા? વૃદ્ધ પત્ની સગડી પાસે તપાવેલું, રાતે બદલવાનું શર્ટ હાથમાં લઇને આવે છે. હસીને બોલે છે: ‘એ ઊંઘી ગયા છે.’ વૃદ્ધા પતિનો હાથ પકડે છે, ચૂમે છે. પતિ સળવળે છે અને બગાસું ખાય છે. પત્ની એમને હૂંફાળું શર્ટ પહેરાવે છે.
હા, એ વૃદ્ધ વેપારી સજીવ હતા! નાનો વેપારી લોબીમાં વૃદ્ધ વેપારીનાં પત્નીને કહે છે: ‘તમને જોઇને મને મારી બાનું આછું આછું સ્મરણ થાય છે.’ પછી વધુમાં કહે છે: ‘લોકો ગમે તે કહે પણ તે અજબગજબનાં પરિણામો લાવી શકતી. જે ચીજોને અમે ભાંગીતોડી નાખતાં તેમને એ (મારી બા) ફરીથી સાજીસમી કરી શકતી.’
સહુ સંતાનોને માતાની આવી સંજીવનશકિતનો અનુભવ હશે. બા એ મારા હૃદયનો હક હતી. બા સાથે હૃદયના હકથી, ફાવે તેમ વર્તી શકાતું. ફાવે તે માગી શકાતું. અનેક ઇરછાઓ, રુચિઓ, હઠ બધું બા પાસે અધિકારથી પોષાતું. બા જીવન સાથે, જીવનની પળ પળ સાથે, મન સાથે, આંખ સાથે, કાન સાથે, સ્પર્શ સાથે વણાઇ ગઇ હતી, એકરૂપ થઇ ગઇ હતી.
એ બધું કપાઇ જતાં, એક નવા જ નગરમાં, નવા જ ઘરમાં, નવી જ પરિસ્થિતિમાં બા વગર ઊંડી નિરાધારતાનો અનુભવ થતો હતો. બા વગર, કિશોરવયે, પસાર કરેલા એ દિવસો, એ ક્ષણો ભારે વ્યથાનાં હતાં. નામ પાડીને આ વેદના મેં કદી કોઇની પાસે, બાની પાસે પણ વ્યકત કરી નથી. આજે વર્ષોપછી બા-બાપા-મોટા ભાઇ કોઇ નથી આ જગતમાં ત્યારે આમ એ વ્યકત થાય છે...
...બા નથી. બાના ખોળામાંથી સરકીને વાગીશ્વરીના ખોળામાં માથું મૂક્યું હતું. એ ભ્રાન્ત ખોળામાં પણ આધાર મળ્યો નહીં. મા વગરનો છું. નિરાધાર અને આમ છતાં જીવન છે. આ શબ્દો છે, ખાલીખમ, સાવ ખોટા, અન-રીઅલ, સાચો તો હતો બાનો, શૈશવમાં મળેલો સ્પર્શ, બાનો અવાજ. જે સ્પર્શને, અવાજને કોઇ ભાષા ન હતી. અર્થ ન હતો.