
Spotlight
Mothers Day Mothers Day પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં પણ ગ્રાફિક પદ્ધતિનો ઉપયોગ કરી પોતાની આગવી અભિવ્યક્તિ રાધિકા દવેની કૃતિઓમાં જોવા મળે છે
રાજકોટની વતની રાધિકાએ લલિતકલાઓના ગ્રાફિક વિભાગને પોતાનું ક્ષેત્ર બનાવ્યું છે. આજના યુગમાં પ્રિન્ટિંગ ટેકનોલોજીએ ઘણી પ્રગતિ કરી છે, પરંતુ છાપકામની અમુક પરંપરાગત પદ્ધતિઓને આધુનિક કલાકારોએ ટકાવી રાખી છે. આવી અનેક પદ્ધતિઓમાં ‘એચિંગ’ તરીકે ઓળખાતી પદ્ધતિમાં રાધિકાએ અનેક કલાકતિઓ સર્જી છે.
અમદાવાદની શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં એકેડેમિક શિક્ષણ દરમિયાન રાધિકાને આ પદ્ધતિની જાણકારી મળી. વડોદરામાં તેણે આ પદ્ધતિએ પોતાના સર્જન ચાલુ રાખ્યા. રાધિકા કહે છે, ‘આ પ્રકારમાં સર્જન ઘણું જ મહેનતનું કામ છે કારણ કે તેમાં ઝિંક પ્લેટ પર પડતા લિસોટાઓ જ મૂળ રેખાંકનની ભૂમિકા ભજવે છે. તેની પ્રક્રિયામાં અનેક એસિડ અને બીજા મટીરિયલ સાથે કામ કરવું પડે છે. ઘણી જ જહેમત પછી ખૂબ જ સંવેદનપૂર્ણ રેખાઓ અને રૂપ ધરાવતી ‘છાપ’ પ્રગટે છે, ત્યારે જે સંતોષનો અનુભવ થાય છે તે અનેરો હોય છે. ’
રાધિકા જુદા જુદા ફોટોગ્રાફમાંથી આધાર મેળવે છે, પરંતુ દેખાતા મૂર્ત આકારોને કંઇક જુદા જ સંદર્ભમાં પ્રયોજે છે. બિલ્ડિંગ જેવા દેખાતા ફોટોગ્રાફની રૂપરચના બદલાઇ જાય છે. બસ, આ જ છે રાધિકાની આગવી અભિવ્યક્તિ! જો કે રાધિકા પોતાની આ મૂર્ત-અમૂર્ત આકારો સાથેની મથામણ અંગે કહે છે, ‘આઇ ડુ નોટ પેઇન્ટ વ્હોટ આઇ સી, બટ આઇ પેઇન્ટ વ્હોટ આઇ ફીલ.’
વડોદરાની કલાસંસ્થાએ તેની સર્જનાત્મક પ્રક્રિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સમકાલીન પ્રયોગોથી વાકેફ થવામાં ભાગ ભજવ્યો છે. ફ્રાન્સના પ્રતિષ્ઠિત સાર્શેલ્સ બિનાલે જેવા પ્રદર્શન માટે રાધિકાની કતિ પસંદગી પામી હતી. લલિતકલા અકાદમી, બોમ્બે આર્ટ સોસાયટી જેવા પ્રદર્શનોમાં પણ રાધિકાની પ્રિન્ટ પ્રદર્શિત થઇ હતી.