
Spotlight
Mothers Day Mothers Day
અમે પોરબંદરમાં વસતા. ઝાઝો ભાગ મુંબઇમાં વસનારા મારા પિતા પણ ત્યારે પોરબંદરમાં હતા. એક દિવસ તેમને તાવ આવ્યો. મારાથી ત્રણેક વર્ષે મોટી બહેનને પણ આવ્યો. ડોકટરોએ ઇન્ફ્લુએન્ઝા જાહેર કર્યો. બધાના મોતિયાં મરી ગયાં.
ત્રણચાર દિવસ પછી એક સવારે આઠ વાગ્યે મારી બહેન મૃત્યુ પામી. તે જે ઓરડામાં હતી તેના બાજુના જ ઓરડામાં મારા પિતા પડયા હતા. મા બિચારાં એક ઓરડામાંથી બીજા ઓરડામાં આંટા મારતાં રહેતાં હતાં. પુત્રી મરી ગઇ છતાં તેમનાથી રડી શકાતું નહોતું, કેમ કે બીજા ઓરડામાં પડેલા પિતા તેને વિશે પૂછ્યા કરતા હતા.
ડાઘુઓ આવ્યા. જરાયે અવાજ ન થાય તેની સહુએ સંભાળ લીધી. માના શબ્દો કહું તો ‘ઘરમાંથી કૂતરું કાઢી જાય એમ બિચારી છોકરીને કાઢી ગયા.’ ને પિતા પૂછતા રહ્યા, ‘કેમ છે એને?’ ને મા પરાણે મોં પર હસવા જેવું કરીને જવાબ આપતાં રહ્યાં: ‘આજે ઠીક છે હોં. તમે ચિંતા ન કરતા.’
ચિંતા કરવા બાપુ ઝાઝું રોકાયા નહિ. ચારેક કલાક પછી બપોરે બારેક આસપાસ તે પણ ચાલ્યા ગયા. ઘરમાં રહી ગઇ તેમની વિધવા પત્ની — જેણે એક જ દિવસમાં પતિ અને પુત્રી ગુમાવ્યાં હતાં, અને અર્ધોઅણસમજ એવો નવદશ વર્ષનો બાળક હું — જેને સગાંવહાલાં પોતાને ઘરે ઉપાડી ગયાં હતાં. મોટાં બહેન મુંબઇમાં સાસરે હતાં, મોટા ભાઇ મુંબઇમાં શાળાએ જતા.
રોવાયું હશે, કુટાયું હશે, છાતી ફાટી જાય એવું દ્રશ્ય ઊભું થયું હશે મારા ઘરમાં, કેમ કે બાપુ ચાળીસના પણ નહોતા ને બહેન માત્ર બારતેરની જ હતી. પણ એ કશાની મને ખબર નથી. મને તો માત્ર તે રાતની જ ખબર છે જયારે બહારનાં ચાલ્યાં ગયાં હતાં અને હું ઘરે આવ્યો હતો ત્યારે મારાં માતાએ પોતાના ખોળામાં મને સુવાડી, આંખમાં આવતાં આંસુને બળપૂર્વક રોકી, હેતભર્યા અવાજે મને કહ્યું હતું:
‘તારે મૂંઝાવાનું નથી, હોં ભાઇ, આજથી હું જ તારો બાપ પણ છું અને તારી મા પણ છું.’
જુનવાણી ખરાં મારાં મા. ને એમની રીતરસમ પણ જુનવાણી જ. શરૂશરૂના ગાંધી એમને ગમે નહિ. ‘બધાંને વટલાવે છે, એમ સરકાર જેવી સરકાર આવી ટૂંકી પોતડીવાળાથી ભાગી જશે કંઇ?’ એવું એવું ગામની સ્ત્રીઓ સાથે હંમેશાં બોલે. હું ગાંધીવાળાઓમાં ભળું એ એમને ગમે નહિ.
મને વારે પણ ખરાં, પણ ન માનીને, અમારા ગામના કાપડના મોટા વેપારીની દુકાન આગળ સત્યાગ્રહ કરવા જયારે હું બીજા સાથીદારો સાથે લાંબો થઇને સૂઇ ગયો ત્યારે એ ખબર પડી હશે એટલે, બધાંને ખૂંદતાં ખૂંદતાં મારી પાસે આવી પહોંરયાં. બધા આગળ મને લઇ જવાનો ભવાડો ન કરે તો સારું, મને થયું. એ મારી પાસે નીચાં નમી ગયાં.
મારા કાન આગળ મોઢું લાવીને કહે:
‘હવે જોજે હોં દીકરા, જે થાય તે. તારા બાપનું નામ નહિ બગાડતો.’‘તારા બાપનું નામ નહિ બગાડતો.’ બસ, તેમના મનમાં જિંદગીભર રમતું કોઇ પાત્ર હોય તો એ આ, ‘તારા બાપ.’