
Spotlight
Mothers Day Mothers Day
દરેક મહિલામાં કંઇક આવડત તો રહેલી જ હોય છે. પરંતુ એની તેને પોતાને ખબર હોતી નથી. તેને જાણવા પાંચ વખત પોતાની જાતને પ્રશ્ન પૂછો કે, મારે શું કરવું જોઇએ? તેના જવાબ રૂપે અંતરથી અનેક દિશાઓ ખૂલી જશે. આજના મોર્ડન યુગમાં મહિલાએ નોલેજેબલ બનવાની જરૂર છે. એ માટે કમ્પ્યૂટર, બેંકના કામ એવી દરેકે દરેક વસ્તુ શીખવી જોઇએ. બીજુ મહિલાએ પોતાનું સ્વાભિમાન, સેલ્ફ કોન્ફિડન્સ કયારેય ગુમાવવું ન જોઇએ.
સ્ટાર પ્લસ પર આવતી ‘હમારી દેવરાની’ સિરિયલમાં જેઠાણી મંજુલા નાણાવટીનું નેગેટિવ પાત્ર ભજવતી ઉર્વશી ઉપાઘ્યાય થોડાં વર્ષ પહેલાં સુરતની કોલેજમાં વિધાર્થીઓ માટે લેકચરરની ભૂમિકા ભજવતી હતી. તેણે સ્વપ્નમાં પણ ક્યારેય અભિનય કરવાનું વિચાર્યું ન હતું. કેમકે ચાર ભાઇઓની લાડકી બહેન અભિનય કરે એ વાત ભાઇઓને પસંદ ન હતી, પરંતુ સંજોગો ઉર્વશીને એ તરફ ખેંચતાં ગયાં અને તે ખેંચાતી ગઇ અને ટૂંક સમયમાં જ પોતાનામાં રહેલી અભિનય ક્ષમતા દ્વારા લોકોના દિલ પર રાજ કરવા લાગી.
સૌરાષ્ટ્રમાં જન્મેલી અને સુરતમાં સ્થાયી થયેલી ઉર્વશી કહે છે, ‘મેં અંગ્રેજી વિષય સાથે બી.એ, એમ.એ, બી.એડ્ કર્યું અને સાથે સાથે ભરતનાટયમમાં એમ.એ. પણ કર્યું. પછી મને સુરતની જ એક કોલેજમાં લેક્ચરરની જોબ મળી ગઇ. ભરતનાટયમ્ કર્યું હોવાથી સ્ટેજ પરફોર્મન્સ પણ કરતી હતી. એ દરમિયાન મને કેતન રાઠોડ તરફથી ડ્રામામાં લીડ રોલ કરવાની ઓફર કરવામાં આવી. જેને મેં સહજપણે સ્વીકારી લીધી, પરંતુ મારું ડ્રામામાં કામ કરવું અને રાત્રે મોડે સુધી રિહર્સલ કરવું પરિવારના લોકોને ગમતું નહીં, પરંતુ ખબર નહીં કેમ મને ડ્રામામાં વધુ ને વધુ રસ પડવા લાગ્યો.
જીવનમાં પહેલી વખત મારા ફેમિલીની વિરુદ્ધ જઇને ડ્રામામાં કામ કર્યું. મારું પહેલું નાટક તો બહુ ખરાબ ગયું, પરંતુ મેં મનોમન નક્કી કરી લીધું કે ગમે તે ભોગે હવે હું સારું પરફોર્મન્સ કરીને જ રહીશ અને તમે નહીં માનો એ પછીના ‘મૈં હૂં એક કઠપૂતલી’ ડ્રામામાં મને નેશનલ એવોર્ડ મળ્યો. ત્યારથી મારામાં એક અજબ પ્રકારના આત્મવિશ્વાસનો સંચાર થયો અને અભિનયક્ષેત્રે આગળ વધવા માટે મેં લેકચરરની જોબ છોડી દીધી. ત્યારબાદ ‘અને એક દિવસ’ નાટકને ઇન્ટરનેશનલ એવોર્ડની સાથે નેશનલ લેવલે ૧૧ એવોર્ડ્સ મળ્યાં.
પછી તો ડ્રામાની વણઝાર શરૂ થઇ ‘વૈશાખી વાયરાની વાલમ’, ‘ઓ માય લવ’, ‘હિજરત’ જેવા ડ્રામામાં લીડ રોલ ભજવવાની સાથે સાથે બાળકો માટે નાટકો લખતી અને તેને ડિરેકટ કરતી ગઇ. રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલી પર આધારિત નત્યનાટિકા ભરતનાટયમ્ શૈલીમાં ભજવી. નત્યમાં રાજસ્થાની, પંજાબી વગેરે ફોક ડાન્સ પણ કરતી ગઇ જે બદલ ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા તે સાથે ‘નૃત્ય ભૂષણ’નો એવોર્ડ મેળવ્યો. જેમ જેમ મારી મહેનત રંગ લાવતી ગઇ તેની સાથે ઘરના સભ્યોનું ડ્રામા તરફનું નેગેટિવ વલણ પોઝિટિવમાં બદલાતું ગયું.
મારી સાત પેઢીમાં કોઇએ અભિનય ક્ષેત્રમાં ઝંપલાવ્યુ ન હોવાથી અને શરૂઆતમાં ફેમિલીનો સપોર્ટ ન મળતાં સખત પરિશ્રમ કરવો પડયો.’ આ તો વાત થઇ ઉર્વશીના અભિનય ક્ષેત્રમાં ઝંપલાવવાની, પણ રંગમંચ પરથી સીધી ટેલિવિઝનના પડદે કેવી રીતે પહોંચી ગઇ? તે અંગે ઉર્વશી કહે છે, ‘ અમારું નાટક મુંબઇમાં ભજવાઇ રહ્યું હતું જેમાં મારા અભિનયથી પ્રભાવિત થઇને શોભના દેસાઇઐ એમની સિરિયલમાં અભિનય કરવા મને આવકારી. આ બધું એટલું અચાનક બની ગયું કે પહેલાં તો મને પોતાને વિશ્વાસ બેસતો નહોતો.
રંગમંચ પરથી ટેલિવિઝનના ફિલ્ડમાં હું સરળતાથી પ્રવેશી તો ગઇ, પરંતુ શરૂઆતમાં મને ખૂબ અઘરું લાગતું કેમકે મેં કયારેય શૂટિંગ કરવાની વાત તો દૂર રહી તેને જોયું પણ ન હતું. કેમેરાને ક્યારેય ફેસ કર્યોન હતો. શૂટિંગમાં નાનામાં નાની બાબતોનું ઘ્યાન રાખવું પડે એની મને જરાપણ ખબર ન હતી. મારી થિયેટરની દુનિયા સાવ જુદી હતી. મુંબઇ એક એવું શહેર છે જયાં તમને અસલ જિંદગી જોવા મળે છે. મારી નાનકડી ડાન્સ અને થિયેટરની દુનિયામાંથી નીકળીને જયારે મેં આ દુનિયામાં પગ મૂકયો ત્યારે ખરેખર લાગ્યું કે કદાચ આને જ સ્ટ્રગલ કહેતા હશે.
* નવલકથા- સત્ય અસત્યઃ પ્રકરણ- ૧૯
મુંબઇમાં તમને કોઇ ન શીખવે તમારે જાતે તમારા ટીચર બનવું પડે તેથી જયારે બીજાનું શૂટિંગ ચાલતું હોય ત્યારે તેને હું ઘ્યાનથી જોતી. તેમને જોઇને કેમેરા સામે કેવી રીતે અભિનય કરાય એ શીખતી ગઇ. હંમેશાં પોઝિટિવ ભૂમિકા ભજવી હોવાથી અત્યારે ‘હમારી દેવરાની’માં મંજુલા નાણાવટી તરીકે જેઠાણીનું નેગેટિવ પાત્ર ભજવવાની મજા આવે છે.’
હંમેશાં પરિવારની હૂંફમાં ઉછરેલી ઉર્વશીને શરૂઆતમાં મુંબઇમાં રહેવામાં ભારે અગવડ પડી અને હોમસિકનેસનો શિકાર બની. તે કહે છે,‘ મુંબઇથી એકદમ અજાણ હોવાથી મુંબઇના પહેલા વરસાદમાં ભૂલી પડી ગઇ હતી ત્યારે હું ખૂબ રડી હતી. દર વર્ષે મારી વર્ષગાંઠ મારા માટે ગ્રાન્ડ રહેતી.
પપ્પા મારા માટે જલેબી લાવે અને મમ્મી પુરણપોળી બનાવે. મારી પહેલી વર્ષગાંઠ એવી હતી જયારે શૂટિંગમાં વ્યસ્ત હોવાથી પરિવારથી દૂર હતી. એ દિવસે પરિવારને મેં બહુ મિસ કયો. કામ કરતાં કરતાં જયારે કંટાળી જાઉ કે થાકી જાઉ ત્યારે કવિતા લખું, નૃત્ય કરું, ગઝલો સાંભળુ એટલે એકદમ રિલેકસ થઇ જાઉ.
મને ફરવાનો ભારે શોખ છે. હું અત્યાર સુધીમાં મોટાભાગનું ભારત ફરી વળી છું અને અનેક વખત વિદેશ ફરી આવી છું. વિદેશોમાં તો માત્ર શોપિંગ કરવા જ જવું જોઇએ. હું શોપિંગની શોખીન છું અને હું મારા પરિવારના સભ્યો માટે ખૂબ બધું શોપિંગ કરતી રહું છું. છતાંય હું કહીશ કે મને ભારત સૌથી ગ્રેટ લાગે છે. કેમકે આપણા દરેક રાજયની એક આગવી ઓળખ અને અલગ વિશેષતા છે. ફરવાની સાથે ખાવાની પણ હું શોખીન છું.
જેમાં મમ્મીના હાથની રસોઇ મને સૌથી વધારે ભાવે છે. મેં અત્યાર સુધીમાં લગભગ ૨૦૦ જેટલી કવિતાઓ લખી છે. જેને ટૂંક સમયમાં પબ્લિશ કરવાની છું. હાલ તો મુંબઇ મારી કર્મભૂમિ છે, પરંતુ ભવિષ્યમાં સુરતમાં પોતાનું નાનું થિયેટર બનાવવાની ઈચ્છા છે. મને મારા નામની આગળ ડોક્ટર લખાય તે બહુ ગમે તેથી સમય મળશે તો પીએચ.ડી. જરૂર કરીશ.