
Spotlight
Mothers Day Mothers Day
ઘણીવાર લાગણીશીલ બનવાને કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. તમે લાગણીશીલ હો તો માથાનો દુ:ખાવો, એસિડિટી, બ્લડ પ્રેશર, સાંધાનો દુખાવો, હૃદયના ધબકારા વધી જવા જેવી અનેક સમસ્યાઓ થઇ શકે છે. કયારેક તમે ભૂલી જાવ છો, ચાવી કયાં મૂકી છે, સંતાનને હોબી કલાસ છૂટે ત્યારે લેવા જવાનું કહ્યું હોય, કોઇને મળવાનું હોય એ ભૂલાઇ જાય.
બહેનપણી સાથે ફોન પર વાત કરતાં કરતાં રસોઇ કરનારી બાઇને જમવામાં શું બનાવવાનું છે તેની સૂચના આપવા લાગો અને સૂચના પૂરી થાય ત્યારે યાદ ન આવે કે બહેનપણી સાથે શી વાત કરતા હતા.
કંટાળીને એ ફોન મૂકી દે. તમને થાય છે, ‘હું કશા કામની નથી. કોઇ કામ સારી રીતે નથી કરી શકતી.’ એવું નથી. ખરેખર તો, તમે વ્યવસ્થિત નથી. જાત સાથે આટલો કઠોર વ્યવહાર કેમ? તમે વ્યવસ્થિત ન હોવાથી સંજોગો સામે તમે હારી જાવ છો. તેના બદલે લાગણીઓ પર થોડું નિયંત્રણ રાખો તો?
સૌથી પહેલાં તો તમે માથા પર ‘મલ્ટિટાસ્કર વુમન’નો જે ટોપલો ઓઢયો છે તેને દૂર કરો. પત્ની, માતા, દીકરી, બહેન, વર્કિંગવુમન, ગૃહિણી, પુત્રવધૂ વગેરે. ભૂમિકાઓ એકસાથે નિભાવવાને બદલે જેવા છો એવા જ રહો. લાગણીઓ પર કાબુ રાખતા શીખો. કઇ રીતે? આ રહી કેટલીક ટિપ્સ.
>>>નોંધ કરો : નાની ડાયરી કે પેડ સાથે રાખો. જયારે કામ યાદ આવે તેની નોંધ કરવાથી મનનો અડધો ભાર ઓછો થઇ જશે.
>>>બધો બોજ માથે ન લો : ‘બધું કામ હું જ કરું’ તેના બદલે પરિવારમાં કયું કામ, કોણ સારી રીતે કરી શકે છે તે વિચારીને કામની વહેંચણી કરી દો.
>>>ફોન રિસિવ કરવા ન દોડો : ફોનની રિંગ રણકી કે તરત તમારે જ ફોન રિસિવ કરવો, ઘરના સભ્યો માટે સંદેશો તમારે જ લેવો એવું કોણે કહ્યું? એમનું કામ એમને જ કરવા દો.
-ચોકસાઇનો આગ્રહ ટાળો : દરેક કામ યોગ્ય રીતે જ થવું જોઇએ એવો દુરાગ્રહ ન રાખો. કોઇ પરફેકટ નથી હોતું.
>>>માન જાળવો : ઘરમાં પતિ, બાળકો, બીજા પરિવારજનો તમારી પાસે માગણી કરે, તમને ઓર્ડર કરે કે ઉડાઉ જવાબ આપે એ ચલાવી ન લો. તમારા સ્વમાનનો વિચાર કરી માન-સ્વમાન જળવાય તેનો ખ્યાલ રાખો.
>>>હું ખાસ છું : તમે બીજા બધાથી અલગ, ખાસ છો એવું માનો. લોકો કહે એમ વર્તવા કે રહેવાને બદલે તમને ગમે એ રીતે રહો.
વિચારો પર નિયંત્રણ રાખવા આટલું કરો :
આપણા મનમાં વિચારો - સતત નકારાત્મક વિચારો ઘુમરાયા કરતાં હોય છે. મનમાં વિચાર આવે, ત્યારે આટલા પ્રશ્નો પૂછો.
>>>આ વિચાર સારો છે કે ખરાબ?
>>>તેનાથી મને લાભ થશે કે નુકસાન?
>>>આ વિચારથી હું વધારે સારી બની શકીશ?
>>>આનાથી મારો અહં સંતોષાય છે?
>>>આ વિચાર મારા વ્યકિતત્વને માટે યોગ્ય છે ખરો?
આ સવાલોના જવાબ મનમાં નક્કી કરો. ધીમે ધીમે દરેક વિચાર અંગે સવાલો કરી મનન કરવાની આદત પડી જશે. તમારા મનમાં આવતા બિનજરૂરી વિચારો પર નિયંત્રણ રાખતાં શીખી જશો.