
Spotlight
Mothers Day Mothers Day
મીતુએ પરજ્ઞાતિના યુવાન સાથે લગ્ન કરવાને લીધે એના પરિવારજનોએ એની સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું. યુવાનના પરિવાર તરફથી પણ એવો જ પ્રતિભાવ હતો. બંને આમ જુઓ તો એકલા પડી ગયાં હોવા છતાં પોતાની રીતે જીવતાં હતાં. તેમને હતું કે થોડા સમય પછી મા-બાપ બોલાવશે, પણ એવું કંઇ ન બનવાથી સહેજ હતાશ પણ થઇ ગયા હતાં.
એમાં મીતુને સારા દિવસો રહ્યાં. હજી જયાં બે વ્યકિતઓને જીવનસંઘર્ષનો સામનો કરવો પડતો હતો, એવામાં ત્રીજાના આગમનને આવકારવું કઇ રીતે? બંને દ્વિધામાં હતા કે શું કરવું? એમની સામેના ઘરમાં રહેતા પ્રૌઢ વયના દંપતી નિ:સંતાન હતાં. મીતુને એ કાકી સાથે ફાવતું હોવાથી એ ઘણી વાર નોકરીએથી આવીને તેમની પાસે બેસતી.
કાકી જમાનો જોયેલા હતાં. મીતુની દ્વિધા એમનાથી છાની ન રહી. એમણે પૂછ્યું, ‘મીતુ, હમણાંથી તું પહેલા જેવી ખુશ નથી લાગતી. કંઇ મુશ્કેલી છે?’ ત્યારે મીતુ રડી પડતાં બોલી, ‘કાકી, મને સારા દિવસો જાય છે, પણ હજી સંતાનને આવકારવા માટે અમારી શક્તિ નથી. એ તો કહે છે કે એબોર્શન કરાવી નાખીએ, પણ મારું મન નથી માનતું.’
* પ્રેમસંબંધનો અંત આવે ત્યારે...
આ સાંભળી કાકીએ કહ્યું, ‘બેટા, થોડી ધીરજ રાખ, સૌ સારા વાનાં થશે.’ એમણે પોતાના પતિને મીતુની વાત કરતાં કહ્યું, ‘મીતુ આપણી દીકરી જેવી છે. સુશીલ, સંસ્કારી છે, એના સંતાનને આપણે સ્વીકારીએ તો?’ એમના પતિને વાત યોગ્ય લાગી અને બીજા દિવસે કાકીએ મીતુને કહ્યું, ‘મીતુ, તારે આ સંતાનની ચિંતા કરવાની જરૂર નથી, આજથી એ મારું છે. ભલે દીકરી હોય કે દીકરો.’
* લગ્નનો નિર્ણય દીકરી જાતે લે તો...
પૂરા સમયે મીતુએ દીકરીને જન્મ આપ્યો અને કાકી તો દીકરીને જોઇ ધેલા થઇ ગયાં. ‘મારે ઘરે લક્ષ્મીજી પધાર્યા...’ કહેતાં એમણે દીકરીને છાતીસરસી ચાંપી દીધી. આજે મોડર્ન ગણાતા લોકો પણ ગર્ભમાં દીકરી હોય તો એબોર્શન કરાવી નાખે છે, ત્યારે આ તો કોઇ સંબંધ વિના અજાણી દીકરીને અપનાવનાર સ્ત્રી! આવા લોકો આજના જમાનામાં પણ હોય છે! કોણ કહે છે આધુનિક યુગમાં ‘યશોદા’ નથી?
લેખ બાબતે અભિપ્રાય આવકાર્ય...