
Spotlight
Mothers Day Mothers Day
શ્વેતાના માતા-પિતાએ તેના માટે છોકરો જોવાનું શરૂ કરી દીધું હતું. શ્વેતાએ કહ્યું કે, ‘હું મારી સાથે ભણતાં કશ્યપ સાથે લગ્ન કરવા માંગુ છું.’ વાત સાંભળીને ઘરમાં જાણે ભૂકંપ આવી ગયો.
છતાં કશ્યપે શ્વેતાના ઘરે આવી તેના પપ્પા સામે લગ્નનો પ્રસ્તાવ મૂકયો, પરંતુ જરા પણ સમજયા વિચાર્યા વગર તેના પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યો. છેવટે કોર્ટમાં જઇને શ્વેતા અને કશ્યપે લગ્ન કરી લીધા. એક સંબંધ બંધાયો તો બીજો તૂટી ગયો.
યુવતીઓના વિચારો : એ જમાનો ગયો જયારે દીકરીને તેની પંસદગી જાણ્યા વગર પરણાવી દેવામાં આવતી. આજે દીકરી અને દીકરાને સમાન અધિકાર આપવામાં આવે છે ત્યારે લગ્ન તો દીકરીના જીવનનો સવાલ છે.
એવામાં તે જીવનસાથીની પસંદગી આપમેળે કરવા માગે તો એમાં કંઇ ખોટું નથી. યુવક-યુવતી એકબીજાને પહેલેથી જાણતાં હોય, દરેક પરિસ્થિતિમાં એકબીજાને અનુકુળ થઇને રહેવા તૈયાર હોય તો, માતા-પિતાએ તેમનો સાથ આપવો જોઇએ. યુવતીઓએ પણ ભાવનામાં વહીને પોતાને માટે અયોગ્ય પાત્રની પસંદગી ન કરવી જોઇએ.
માતા-પિતાની માનસિકતા : મોટાભાગે દીકરી પોતાની પસંદગીના લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે ત્યારે ઘરમાં કોઇ પહાડ તૂટી પડયો હોય એવું વાતાવરણ ઊભું થાય છે. બીજી બાજુ દરેક સમાજ દીકરીને પોતાની ઈચ્છા મુજબ પરજ્ઞાતિમાં લગ્ન કરવાની પરવાનગી નથી આપતો તેથી માતા-પિતા દીકરીની ખુશીઓના દુશ્મન બની જાય છે.
સામાજિક પરંપરાઓ : પ્રેમ લગ્ન કરવાથી સમાજના તિરસ્કારનો ભોગ માત્ર યુગલ જ બને છે. આજના યુગમાં પણ છોકરાઓ જ છોકરીને પસંદ કરતાં આવ્યાં છે. તેઓ છોકરીને અનેક પ્રશ્ન પૂછે છે. જેમકે, રસોઇ બનાવતાં આવડે છે?, કમ્પ્યૂટર આવડે છે? વગેરે વગેરે. જયારે છોકરો કયાંક ના ન પાડી દે એ બીકથી છોકરીવાળા સામે પ્રશ્નો પૂછવાનું ટાળતાં હોય છે.
આવી સ્થિતિમાં યુવતીએ જો આપમેળે જીવનસાથી શોઘ્યો હોય તો આ બધી સામાજિક પરંપરામાંથી મુકિત તો મેળવી જ શકાય. તથા બંને જણાં એકબીજાને સારી રીતે સમજીને જીવે એનાથી મોટી વાત કઇ હોઇ શકે?