HomeSpotlightMothers Day Mothers Day

વર્કિંગ વુમનને સતાવતી વેકેશનની સમસ્યા

health-care.jpgઓફિસમાં પણ સ્કૂલની જેમ રજાઓ અપાતી હોત તો? આજકાલ બાળકોને ઘરે નોકર સાથે એકલા મૂકીને જવાનું પણ જોખમી છે અને બાળકો પણ રજાઓમાં માતા સાથે રહેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ નોકરિયાત માતા માટે ઓફિસ છોડીને બાળક સાથે આખો દિવસ રહેવાનું પણ અશકય છે. તેથી ઘણી વાર બાળકના વર્તન અને વ્યવહારમાં અયોગ્ય બદલાવ જોવા મળે છે. તે કજિયાળું, ગુસ્સાવાળું, અપશબ્દ બોલતું અથવા સામે જવાબ આપતું જીદ્દી થઇ જાય છે.

તેની વિરુદ્ધ ફરિયાદનું લિસ્ટ લાંબું થતું જોવા મળે છે, પછી ભલે તે છોકરો હોય કે છોકરી? તેની ફરિયાદ જોઇને માતા-પિતા તેને વઢે કે મારે છે, પરંતુ આમાં બાળકોનો કેટલો વાંક? આ દિવસોમાં બાળકોની માતા-પિતા પાસેની અપેક્ષા વધી જાય છે અને ખાસ કરીને માના લાડ-પ્યારને પોતાની નટખટ અદાઓ તેમ જ મસ્તી કે હેરાન કરીને મેળવાની કોશિશ કરતા હોય છે. ઘણી માતાઓ બાળકના આ વ્યવહાર-વર્તનને સમજીને આનંદ ઊઠાવતી હોય છે અને ઘણી માતાઓ પરેશાન થઇને તણાવગ્રસ્ત થઇ જતી હોય છે.

ટીનએજ બાળકને ઘરે એકલા મૂકીને જવાની ચિંતા સૌથી વધારે વર્કિંગ વુમન માટે હોય છે. ટીનએજ બાળકો માટે કમ્પ્યૂટર, મોબાઇલ, ટીવી જેવા સાધનો બહુ સરળતાથી ઉપલબ્ધ હોય છે. તેનો ઉપયોગ એકલા કે મિત્રો સાથે કેવી રીતે કરે છે તે માતાઓ માટે રહસ્ય બની રહે છે. તેઓ આખો દિવસ કોની સાથે, કયાં વિતાવે છે? તે પ્રશ્ન પણ વર્કિંગ માતાઓને માટે સતત ભયભર્યા હોય છે.

આપણે માનતા હોઇએ છીએ કે બાળકો ફકત રાજા, પરી, ફેન્ટમ, સ્પાઇડરમેન વગેરે જોતા હોય છે, પણ એવું નથી હોતું. માનસશાસ્ત્ર પ્રમાણે બાળકો કાલ્પનિકતા અને વાસ્તવિકતાને અલગ નહીં રાખી શકતા હોવાથી, તેઓ માતા-પિતા, ભાઇ-બહેન, કાકા-કાકી, દાદા-દાદી, નાના-નાની વગેરેને સપનાના પાત્રો સાથે માનસિક રીતે જોડતા હોય છે.

એટલે તેમની સાથે બાળકોનો વ્યવહાર તેમની કલ્પના મુજબનો હોય છે અને જયારે માતા-પિતા અથવા ઘરના સભ્યો ન મળે ત્યારે તેઓ એકલા રમતા-મસ્તી કરતા અથવા મિત્રો સાથે તોફાન કરતા હોય છે, પરંતુ કુટુંબના સભ્યો તેમ જ મિત્રો સાથે મસ્તીનો આનંદ જયારે બાળક ઊઠાવી નથી શકતું ત્યારે તેને એકલતા લાગે છે. જેને કારણે તેના વર્તનમાં બદલાવ આવે છે. તેથી માતા-પિતાએ રજાઓમાં બાળકો સાથે બને તેટલો સમય આનંદમાં વિતાવવો જરૂરી બને છે.

વર્કિંગ વુમનને પતિ તેમજ ઘરના સભ્યોનો સહયોગ મળે કે ન મળે, પણ બાળકને મૂકીને કામ પર જવાથી તેના મનમાં તણાવ તો પેદા થાય જ છે. એટલે જ જો અહીં આપેલી ટિપ્સનો વર્કિંગ વુમન અમલ કરશે તો ચોક્કસપણે તણાવ અને ચિંતામાંથી તે મુકત રહી શકશે.

-રોજ અલગ-અલગ પ્રકારની પ્રવૃત્તિઓમાં બીઝી રહે તેવું ટાઇમ-ટેબલ (દૈનિકચર્યા) બનાવવું જેથી કરીને બાળક એકલતામાં સોરાય નહીં.

-ફરવા જવાના નાના-મોટા પ્લાન બનાવવા જેથી બાળકને તમારી સાથે વધારે સમય રહેવાનો મોકો મળે.

-યોગ્ય ઉમરના બાળકને રજાઓમાં એડવેન્ચર ટ્રીપ્સમાં, સ્કૂલમાંથી ગોઠવાતી ટીપ્સમાં મોકલવા.

-ફરવા ન જવાય તો ઓફિસમાંથી થોડા દિવસ રજા લઇને બાળક સાથે પ્રવૃત્તિમય દિવસ વિતાવવો.

-ચાલુ દિવસોમાં ઓફિસ જતા પહેલા કે આવ્યા પછીનો સમય બાળક સાથે મસ્તી કે વાતચીતમાં વિતાવવો.

-બાળકોના ઉછેરમાં વડીલોનો સહયોગ બહુ મોટો હોય છે તેથી રજાઓમાં નજીકના વડીલ સાથે અથવા માતા-પિતાની સાથે રહે તેવી સગવડ કરવી. જેથી બાળકોને વડીલોનો પ્રેમ અને હૂંફ મળે જેના તેઓ હકદાર છે.