
Spotlight
Mothers Day Mothers Day
તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ અને અનેક નવી મૂંઝવણો... વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે આજે ટીનએજ દીકરીઓ વિશે લખવાનું થયું તે ગમ્યું... કારણ? આ વયજૂથના નાગરિકો કુલ વસતીના ૪૦ ટકા જેટલા છે. જો આ દીકરા-દીકરીઓ પોતાના સ્વાસ્થ્ય પરત્વે સજાગ રહી પૂરતી કાળજી લે તો ભવિષ્યમાં તેમની તંદુરસ્તીને જાળવવામાં ઓછી તબીબી મદદ જોઇએ!
દીકરી કેમ?
વિશિષ્ટ ભાર દીકરીઓ વિષયે આપવાનું કારણ ખાસ કરીને માતા-પિતાની ચિંતાઓ ઘટાડવાનું છે! તરુણાવસ્થા દરમિયાન શારીરિક વિકાસના લક્ષણો જેવા કે ઊચાઇમાં વધારો, સ્તનના માપમાં વધારો વગેરે સૌ જાણે છે. પરંતુ આ તમામ ફેરફારો માટે આંતરિક ફેરફારો જે અંડાશય એટલે કે ઓવરીમાં થાય તે જવાબદાર છે.
જન્મ સમયે બાળકીના શરીરમાં પ્રજનન અંગો હોય છે જ પરંતુ ૧૧થી ૧૪ વર્ષની ઉમર દરમિયાન મગજમાં આવેલ હાયપોથેલેમસ નામની ગ્રંથિમાંથી કેટલાક રસાયણ (હોર્મોન્સ) અંડાશયને કાર્યરત થવા માટે સંદેશો આપે છે. આ અસર હેઠળ અંડાશય કાર્ય કરવાનું શરૂ કરે અને માસિક ચક્ર ( Menstrual Cycle ) શરૂ થાય. આ વિશે દીકરીને સમજણ આપવી તે માતાની ફરજ છે.
દ્વિધાભરી સ્થિતિ
બાહ્ય અને આંતરિક ફેરફારોની સાથે આ ઉમરે ભાવનાત્મક ફેરફારો પણ થાય છે. જે વિશે સમાજમાં દ્વિધાભરી પરિસ્થિતિ છે. સૌના મનમાં પ્રશ્નો સમાન હોય છે. ફરક હોય છે માત્ર પૂછવાની રીતભાતનો! જેનો આધાર તેમની આસપાસના સામાજિક વાતાવરણ, આર્થિક સદ્ધરતા જેવા પરિબળો પર રહેલો છે. વૈજ્ઞાનિક માહિતીના આધારે આ પ્રકારનું શિક્ષણ આપવાથી વધુ સ્વસ્થ સમાજની આપણે રચના કરી શકીશું.
જરૂર છે, હકારાત્મક અભિગમની... દીકરી જો માતાની સાથે પોતાના મનની બધી જ વાતો કરી શકે તો કેવું? ભણવાની ચિંતા, બોયફ્રેન્ડ તરફનું આકર્ષણ કે પછી ફિલ્મ જોઇને મનમાં ઊઠતાં સવાલ... આવું બધું જ જો માતા સાથે ચર્ચા કરી શકે તો યોગ્ય રાહ ચીંધવાનું વધુ સહેલું બને!
દીકરીના લગ્નની ગોઠવણમાં વ્યસ્ત કુટુંબ ઇરિછત સમયે ગર્ભધાન અને રિપ્રોડકિટવ હેલ્થ વિશે દીકરી સાથે વાત કરે છે? ના, પણ તે ચોક્કસ જરૂરી છે, કારણ કે ‘હમણાં જ લગ્ન થયા, આટલું જલદી બાળક નથી જોઇતું.’ આવા કથન સાથે ગર્ભપાત કરાવવા જનાર નવવધૂને તો જ સ્વસ્થ જીવનના આશીર્વાદ આપી શકીશું.
જવાબદાર કોણ?
કોલેજમાં ભણતી દીકરીઓ માટે બહેનપણી અને ઇન્ટરનેટ માહિતી મેળવવાના માઘ્યમ બન્યા છે ત્યારે ખાસ કહેવું છે કે, માતા, સમાજ, કાઉન્સેલર અને સ્ત્રીરોગ નિષ્ણાત તેમજ ટીનએજ હેલ્થ કન્સલ્ટન્ટની આ સહિયારી જવાબદારી છે. લગ્નની ઉમરે પહોંચતા પહેલાં તેમને યોગ્ય રસીકરણ (રુબેલાની રસી)થી ખોડખાંપણવાળું બાળક જન્મવાની સંભાવના ઘટાડી શકાય છે.
જાતિય સંસર્ગથી થતા હ્યુમન પેપીલોમા વાયરસના ચેપ અને તેનાથી થઇ શકતા કેન્સર સામે રક્ષણ મેળવવાની રસી પણ હવે સરળતાથી ઉપલબ્ધ છે. લગ્નપૂર્વે વૈજ્ઞાનિક માહિતીસભર વિશિષ્ટ કાઉન્સેલિંગ માટે હવે ઘણાં યુવામિત્રો જીવનસાથીને લઇને મને મળે ત્યારે દિલ ખોલીને વાતો કરે છે. આવી માહિતીનો સમાજમાં પ્રસાર જરૂરી છે.
ચિંતાનો વિષય
કોલેજમાં ભણતી યુવતીઓને ઈચ્છા અનુસાર ગર્ભધાન અટકાવવાના ઉપાયની સમજ હોય તો અનિરિછત ગર્ભનો ગર્ભપાત કરાતો અટકાવી શકાય. હજુ પણ વિશ્વમાં લાખોની સંખ્યામાં અસલામત ગર્ભપાતના કારણે સ્ત્રીના મૃત્યુ થાય છે. ગર્ભનિરોધક ગોળી વિશે પ્રવર્તમાન ગેરમાન્યતાઓ દૂર કરવા માટે વિષય નિષ્ણાતોએ પ્રયત્નશીલ રહેવું જોઇએ.
સ્વતંત્ર્ય પામવાની ખેવના સાથે ઊછરતી પેઢી ડર, અસલામતી જેવું પણ અનુભવે છે અને ક્યારેક માનસિક તાણવના કારણે આત્મહત્યા જેવું કત્ય પણ કરી બેસે છે. આપણે તેમને સંવાદિતા સાધવાનું શીખવવાનું છે. જાત સાથે, વિશ્વાસુ મિત્રો સાથે, સમજદાર સમાજ સાથે.
માતાપિતા અને સંતાન મિત્ર બને ત્યારે સર્જાય સ્વસ્થ સમાજ
ટીનએજર્સ સમજી લે કે વિજાતીય આકર્ષણ કુદરતી છે, સંબંધોની મર્યાદાને સમજો, જવાબદાર બનો. મનની મૂંઝવણના નિરાકરણ માટે સચોટ માહિતી મેળવવા વિષયનિષ્ણાતની મદદ લો. મનોજાતીય અને ભાવનાત્મક ફેરફારોને લીધે માતા-પિતાને સંતાનોના વર્તનમાં ફેર જણાય તો આ બાબતે સંતાન સાથે ખુલ્લા મનથી વાત કરો અને તણાવમુકત કુટુંબવ્યવસ્થાનું સર્જન કરો.
અંક આરોગ્ય
-ભારતમાં દર વર્ષે લગભગ ૧૬ લાખ યુવતીઓ ૧૫થી ૧૯ વર્ષની વયે બાળકને જન્મ આપે છે, જયારે વિશ્વભરમાં લગભગ ૧૧ ટકા યુવતીઓ માતા બને છે. ‘નિમ્ન અને મઘ્યમ આવક ધરાવતા દેશો માં લગભગ ૧૦ ટકા છોકરીઓ ૧૬ વર્ષની વયે માતા બને છે.
-સબ-સહારન વિસ્તારમાં પંદર વર્ષની વય પહેલાં જ સગર્ભા બનતી છોકરીઓનું પ્રમાણ ઘણું છે.
દર વર્ષે લગભગ ૧૬ લાખ તરુણીઓ માતા બને છે. તરુણાવસ્થામાં જન્મ આપવાનું પ્રમાણ ચીનમાં લગભગ ૨ ટકા, લેટિન અમેરિકા અને કેરિબિઅનમાં ૧૮ ટકા અને સબ-સહારન આફ્રિકામાં ૫૦ ટકાથી પણ વધારે છે. ‘એવું નોંધાયું છે કે પંદર વર્ષથી નાની વયની છોકરીઓ જેની સાથે પ્રથમ વાર જબરદસ્તીથી જાતીય સંબંધ બાંધવામાં આવ્યો હોય તેઓ અનિરછનીય રીતે સગર્ભા બને છે.