HomeSpotlightMothers Day Mothers Day

થોડો પ્રેમ થોડી સમજણ

bach-cha-party.jpgમાતા-પિતા માટે સંતાનો જ સર્વેસર્વા હોય છે, પરંતુ સંતાન તેમને વાર્તાના નેગેટિવ કેરેકટર જેવા કે, રાવણ, શૂપર્ણખા, કેપ્ટન હૂક કે રાક્ષસ-રાક્ષસી જેવા નામ આપી ચૂકયાં હોય છે. આજથી થોડા સમય પહેલાં અલગ અલગ સ્કૂલના લગભગ ત્રણ હજારથી પણ વધારે વિધાર્થી પર સર્વે કરવામાં આવ્યો. જેમાં ફકત પાંચ ટકા વિધાર્થી પોતાના માતા-પિતાને પ્રેમ કરતાં હતાં.

બાકીના વિધાર્થીઓએ માતા-પિતા માટે વિરોધ દર્શાવ્યો હતો. બાળકોનું સદાય હિત ઇરછતા માતા-પિતાનો તેઓ શા માટે વિરોધ કરવા લાગે છે? મોટા ભાગના બાળકોએ તેનો જવાબ આપતાં કહ્યું હતું કે, માતા-પિતા તેમના અંતિમ નિર્ણયનો વિરોધ કરે છે માટે.

માતા-પિતા પોતાનું સઘળું ઘ્યાન તેમના પર રાખે એવુ સંતાનો ઈચ્છતાં હોય છે. જે આજના દોડધામભર્યા માહોલમાં શકય નથી. વળી નાની-મોટી મુશ્કેલીમાં, તાણ અને ડેડલાઇનની વચ્ચે આપણે બાળકોને પૂરતો સમય અને ઘ્યાન આપી શકતાં નથી.

અજાણતાં જ થતી ભૂલની અસર બાળકો પર થયા વગર રહેતી નથી કેમ કે બાળકો વધુ પડતાં સંવેદનશીલ હોય છે. વળી, માતા-પિતાની આકાંક્ષાઓ પણ ઘણી વખત નફરતનું કારણ બને છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, ૮૩.૬ ટકા માતા-પિતા ઇરછે છે કે તેમના સંતાનો પરીક્ષામાં ટોપ પર રહે. માતા-પિતાની અતિ મહત્ત્વકાંક્ષાને પૂર્ણ કરવી, બાળકો માટે ઘણી વખત મુશ્કેલ બની જાય છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, આજના મોટાભાગના માતા-પિતા બાળકો પર હાથ ઉઠાવતા નથી. પરંતુ તેમની સાથે વાત કરવાનું બંધ કરીને બાળકોએ કરેલી ભૂલની સજા આપવાનો જે રસ્તો અપનાવે છે, તેને લીધે તેઓ બાળકોની નફરતનું કારણ બને છે. એ પણ હકીકત છે કે માતા-પિતા બાળકોના દુશ્મન નથી.

બાળકો માટે માતા-પિતાના મનમાં કયારેય પ્રેમ અને સમર્પણની ભાવનામાં ઊણપ નથી આવતી. તેમના પ્રેમને સંતાનો ત્યારે જ સમજે છે જયારે તેમને તેનો અહેસાસ કરાવવામાં આવે. જયારે માતા-પિતા સંતાનોના પ્રેમ, પૈસા, સમજ અને સ્વતંત્રતાની જરૂરિયાતને પૂરી કરી શકતાં નથી ત્યારે તેમનામાં અસંતોષ જન્મે છે. જે આગળ જતાં નફરતમાં પરિણમે છે.

નફરતનું બીજું કારણ પરિસ્થિતિ પણ હોઇ શકે છે. બાળકો ઘર અને બહારની પરિસ્થિતિથી પ્રભાવિત થઇ શકે છે. કયારેક માતા-પિતા વચ્ચે થતા ઝઘડા બાળકોને પરેશાન કરે છે. બહારના પ્રભાવમાં સંતાનો ખરાબ સોબતમાં પણ ફસાઇ શકે છે. જેને લીધે તે માતા-પિતાનો અનાદર કરવા લાગે છે.

આ સમસ્યા આજે દરેક મા-બાપને સતાવી રહી છે. તેનું સમાધાન પણ છે. એ માટે થોડો સમય અને ધૈર્યની જરૂર છે. બાળકને પ્રેમ, સમય અને સમજ આપો. તેને સમજાવો કે, માતા-પિતા સંતાનને યોગ્ય માર્ગદર્શન આપવાનો અધિકાર ધરાવે છે. જેનો ઉપયોગ કરી સંતાનો મોટા થઇ જવાબદાર પુરુષ કે મહિલા બની શકે. આવો સંવાદ સંતાન સાથે અચૂક કરો. જેની અસર સંતાન પર ચોક્કસ થશે.

સંતાનને કોઇ મુશ્કેલી હોય તો ઘ્યાનથી સાંભળો. ખરાબ સોબતને લીધે તેઓ તમારી સાથે યોગ્ય વ્યવહાર ન કરતાં હોય તો તેમને પ્રેમથી ખરાબ સંગત છોડાવવાના પ્રયત્ન કરો. તમારાથી શકય એટલી તમામ સુવિધાઓ તેમને આપો જે તેમને વિકાસ તરફ લઇ જાય.

કયારેક ઇમાનદારીપૂર્વક પોતાની જાતને આંકવાનો પ્રયત્ન કરો કે, શું તમે તમારા બાળક પાસેથી વધુ પડતી અપેક્ષા રાખો છો? કે પછી તેના પર નાની-નાની બાબતોમાં ગુસ્સે થઇ જાવ છો? અથવા ઝડપથી ધીરજ ગુમાવી બેસો છો? બાળક પર વધુ પડતો અધિકાર જમાવવાનો પ્રયત્ન કરો છો? આમાંની તમારામાં રહેલી નબળાઇને ઓળખી સંતાન સામે તેનો સ્વીકાર કરો.

કયારેક સંતાનો પર વગર વાંકે ગુસ્સે થઇ ગયાં હો તો ‘સોરી’ શબ્દનો ઉપયોગ કરો. જેનાથી તેના ઘવાયેલા અહંને રાહત મળશે. હા, વાતવાતમાં ‘સોરી’ શબ્દનો પ્રયોગ પણ ન કરો. તેનાથી તેને તેની ટેવ પડી જશે અને તમે દિલથી બોલતાં હશો ત્યારે તેની અસર નહીં થાય. સંતાનોના ઉછેરમાં શારીરિક, માનસિક અને સંવેદનશીલતાનું ઘ્યાન રાખવાથી બાળકનો વિકાસ સારી રીતે થશે.