
Spotlight
Mothers Day Mothers Day
બાળક કે.જી.માં હોય કે કોલેજના અંતિમ વર્ષમાં ફાઇનલ પરિણામો લોકોના મનમાં ટેન્શન અને ચિંતા મૂકી દે છે. એટલે જ કદાચ ઉનાળાની રજાઓમાં લોકો શાંતિની ખોજમાં અસ્તવ્યસ્ત થઇ જતા જોવા મળે છે. ઘણા લોકો માને છે કે રજાઓ એટલે બાળકોએ બસ રમ્યા જ કરવાનું. આખું વર્ષ તો છોકરાઓ ભણતા હોય છે.
પછી શું ભણભણ જ કરવાનું? વેકેશન એવો સમય છે જયારે માતા-પિતા બાળકોમાં શારીરિક અને માનસિક વૃદ્ધિનો વિકાસ કરી શકે છે. સામાન્ય રીતે લોકો રજા એટલે ‘કંઇં ન કરવાનો સમય’ તેવી સમજતા હોય છે, પરંતુ ખરા અર્થમાં તો રજા એટલે ‘પોતાને સમર્થ બનાવવાનો સમય.’ વ્યક્તિના વ્યક્તિત્વનો આધાર તેનું બાળપણ હોય છે. આ આધાર મજબૂત બનાવવા રજાઓનો સદુપયોગ કરવા કેટલીક ગાઇડલાઇન...
- બાળકોને જે વિષયમાં ઓછી રુચિ હોય તે વિષયનું મહત્ત્વ સમજાવીને તેમાં રસ જાગૃત કરવાનો પ્રયત્ન રજાઓમાં કરવો.
- બાળકના નબળા વિષયોનો પાયો મજબૂત કરવા દિવસમાં ૧-૨ કલાક પસાર કરવો.
- આત્મવિશ્વાસ વધારવા માટે રજાઓનો સમય સૌથી યોગ્ય ગણાય.
- શારીરિક રીતે નબળા બાળકો જલદીથી બીમાર અથવા થાકી જતા હોય તો માતા-પિતાએ તેઓની યોગ્ય સારવાર કરાવવી.
- ફરવા માટે એવી જગ્યા પસંદ કરવી જેમાં બાળકોનું જનરલ નોલેજ વધવા સાથે ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયોમાં રસ વધે.
- ઘ્યાન કેન્દ્રિત કરવાની શકિત સાથે યાદશકિત વધારવા માટે બાળકને યોગ્ય માનસિક કસરતો કરાવવી, રમતો રમાડવી.
- બાળકની નબળાઇ અને તાકાત જાણીને તેને જીવનમાં કઇ દિશામાં આગળ વધવામાં પ્રોત્સાહિત કરી શકાય તે નક્કી કરવું.
- બાળકોના શોખને જેમ કે વાંચન, હસ્તકળા, સંગીત, નત્ય, ચિત્રકામ, હસ્તકામ, સિલાઇ-ગૂંથણ વગેરેને કેળવવો.
- આજુબાજુના સ્થળોએ ફરવા લઇ જવા જેથી તેમને આનંદ મળે તેમ જ હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવાય.
- માતા-પિતાએ બાળકોને જવાબદાર બનાવવા માટે રજાઓમાં યોગ્ય પ્રકારની નાની-મોટી જવાબદારીવાળા કામો સોંપવા.
- બાળક જીવનમાં શું કરવા માગે છે? કેવી રીતે જીવન વીતાવવા માગે છે? આગળ શું અને કેવી રીતે ભણવા માગે છે? તેની ચર્ચા કરીને તેમના વિચારો જાણવા તેમ જ તેમાં સુધારા લાવવા માટેના પ્રયત્નો કરવા.
- વર્તન કે વ્યવહારમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે રજાઓનો સદુપયોગ કરવો.
- રજાઓ છે એટલે રાત્રે મોડા સૂઇને સવારે મોડા ઊઠવાનું તેમજ મોડા નહાવાનું, ખાવાનું વગેરે જેવી આદતો ન પાડવી. રોજિંદા કાર્ય સમય પર પતાવવાનો આગ્રહ રાખવો.
- ઘણા બાળકો સ્વભાવથી ડરપોક કે શરમાળ હોય છે. તેઓ તેમના સંકુચિત સ્વભાવને લીધે બીજા બાળકો સાથે ભળી શકતા નથી તેથી તેમને સામાજિક પ્રસંગોમાં તેમ જ સંગ્રહાલય જેવી જગ્યાઓમાં લઇ જવા.
- કુટુંબીજનો સાથે રહીને કૌટુંબિક ભાવના લાગણીઓને માન તેમજ મહત્ત્વ આપતા શીખવવું.
- પોતાનું કામ જાતે કરવું, રોજિંદુ કાર્ય સમય પર કરવું, કયા કાર્ય પતાવવાના છે તેનું પ્લાનિંગ કરવું, જેવી આદતો બાળકોની આળસ દૂર કરે છે.
- માતા પિતાએ ઘરકામ તેમજ બેંકના કામ અથવા બજારના કામ શીખવાડવા.
આ રીતે માતા-પિતાએ સમયનો સદુપયોગ કરીને બાળકોમાં માનસિક વિકાસ કરવા સાથે તેમના આત્મવિશ્વાસને હકારાત્મક રીતે યોગ્ય માર્ગદર્શન દ્વારા સાચી દિશામાં દોરી શકે. માતા-પિતાએ રજાઓનો સદુપયોગ બાળકોના ઘડતર માટે કરવો જેથી કરીને કોઇ તેમને ભવિષ્યમાં કોઇ તેમને ન કહે કે ‘ભણ્યો છે પણ ગણ્યો નથી.’