HomeSpotlightIndian Premier League Indian Premier League

બોલીંગ વિકલ્પ ન હોવાનો અફસોસ વ્યક્ત કરતો ધોની

dhoni11ગઈ કાલે રમાયેલી આઈપીએલની ફાઈનલ મેચમાં શેન વોર્નના નેતૃત્વવાળી રાજસ્થાન રોયલ્સ ટીમે ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નાઈ સુપર કિંગ્સને પરાજય આપ્યો હતો.

જો કે સ્પર્ધામાં બીજા નંબરે રહેનાર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આ પરાજય માટે કોઈની પર આક્ષેપ કર્યો નથી પરંતુ ધોનીએ તેની પાસે વધારે બોલીંગ વિકલ્પ ન હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.

મેચ સમાપ્ત થયા બાદ એક પત્રકાર પરિષદને સંબોધતા નિરાશ ધોનીએ જણાવ્યુ હતુ કે હું કોઈ ચોક્કસ ખેલાડી સામે આંગળી ચીંધવા નથી ઈચ્છતો. હું તે બાબતે સંમત છું કે અમે ફિલ્ડિંગમાં ઘણી ભૂલો કરી હતી પરંતુ અમારો સૌથી મોટો પ્રશ્ન એ હતો કે અમારી પાસે ફક્ત પાંચ બોલરો હતા.

જો કે બોલીંગમાં વિકલ્પ ન હોવાને કારણે ધોનીએ મજબૂરીમાં લક્ષમીપતિ બાલાજી પાસે છેલ્લી ઓવર નખવી પડી હતી. જો કે તે પહેલા રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ બાલાજીની ઓવરોમાં સારા એવા રન બનાવ્યા હતા.

છેલ્લી ઓવરમાં ફક્ત આઠ રન બનાવવાના હતા અને બાલાજીએ તેનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો હતો, રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનો સોહેલ તન્વીર અને શેન વોર્ને છેલ્લા બોલે પોતાનુ લક્ષ્યાંક પૂરૂ કર્યુ હતુ.

સુરેશ રૈનાએ મેન ઓફ ધ મેચ રહેલા યુસુફ પઠાણનો કેચ પડતો મુક્યો હતો તે સમયે યુસુફ 13 રને રમી રહ્યો હતો અને ત્યાર બાદ યુસુફ પઠાણે મેચની બાજી પલટી નાંખી હતી. તેમ છતાં ધોનીએ કોઈ ચોક્કસ ખેલાડી પર આક્ષેપ કરવાનુ ટાળ્યુ હતુ.

જો કે યુસુફ પઠાણ બે વાર નસીબદાર રહ્યો હતો પહેલી વાર રૈનાએ મુરલીધરનની ઓવરમાં 13 રને તેનો કેચ પડતો મુક્યો હતો જ્યારે બીજી વાર ફાસ્ટ બોલર ગોનીની ઓવરમાં ગોની તેનો એક મુશ્કેલ કેચ પકડવામાં નિષ્ફળ રહ્યો હતો. અને અંતે યુસુફ પઠાણે 39 બોલમાં 56 રન ફટકારીને મેચને રાજસ્થાનના પક્ષમાં કરી દીધી હતી.