HomeSpotlightIndian Premier League Indian Premier League

શાહરુખના કારણે આત્મવિશ્વાસમાં વધારો:ગાંગુલી

કોલક્તા નાઈટ રાઈડર્સના કપ્તાન સૌરવ ગાગુંલીએ સોમવારે કહ્યું કે આઈપીએલ ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચ દરમિયાન ડ્રેસિંગ રુમમાં ટીમના માલિક શાહરુખ ખાનની ઉપસ્થિતિથી ખેલાડીઓનું ધ્યાન ભંગ થતું નથી પણ તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની ભ્રષ્ટાચાર નિરોધક શાખાએ શાહરુખને મેચો દરમિયાન પોતાની ટીમના ડ્રેસિંગ રુમ અને ડગઆઉટથી દુર રહેવા ચેતવણી આપી હતી.

ગાંગુલીએ આઈસીસીની આ ચેતવણીની આલોચના કરતા કહ્યું હતુ કે શાહરુખની ઉપસ્થિતિથી અમારુ ધ્યાન ભંગ થતુ નથી. તેનાથી ઉલ્ટુ તે મેચ દરમિયાન પોતાના ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારે છે. તે અમારી ટીમના 12માં ખેલાડી જેવા છે. તેમની ઉપસ્થિતિમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ પડવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.

35 વર્ષિય ગાંગુલીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે આઈપીએલે સાબિત કરી આપ્યું છે કે વરિષ્ઠ ખેલાડીઓને ટી-20 માટે અયોગ્ય કરાર આપી શકાય નહીં. 36 વર્ષિય એડમ ગિલક્રિસ્ટ અને 38 વર્ષિય સનથ જયસુર્યાએ તે વાત સાબિત કરી છે.

ગાંગુલીનું માનવું છે કે કોઈપણ ખેલાડીની મહારથ ટેસ્ટ ક્રિકેટ દ્વારા જ પારખી શકાય છે. તેમણે ક્હ્યું કે તમારી પરિક્ષા ટેસ્ટ ક્રિકેટથી જ થઈ શકે છે. પરંતુ ટી-20 ક્રિકેટ લોકપ્રિય થયું છે અને ભવિષ્યમાં તેની લોકપ્રિયતામાં વધારો થશે.