
Spotlight
Indian Premier League Indian Premier League
તાજેતરમાં જ બેંગ્લોરની ટીમના ખરાબ પ્રદર્શન બદલ રોયલ ચેલેન્જર્સ ફ્રેન્ચાઈઝીના માલિક વિજય માલ્યાએ ખુબ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને રાહુલ દ્રવિડ પર આરોપબાજી કરી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ટીમમાં જે ખેલાડીઓ તેઓ ઈચ્છતા હતા તેમને લેવામાં આવ્યાં નહતાં. કોણ હતું માલ્યાની પસંદગી? સ્વાભાવિકપણે જ આપણને આ સવાલ થાય. તો સ્પષ્ટપણે જણાવી દઈએ કે વિજય માલ્યાના નજીકના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે જો માલ્યાનું ધાર્યુ થાત તો તેઓ ટીમમાં મહેન્દ્રસિંહ ધોની, રોબિન ઉથ્થપ્પા, બ્રેન્ડોન મેકકુલ્લમ જેવા ખેલાડીઓને રોયલ ચેલેન્જર્સ માટે ખરીદી લેત. તેમને માર્ક બાઉચર, અનિલ કુંબલે, સુનિલ જોશી જેવા ખેલાડીઓ પસંદ કરવા નહતા. અરે તેમને તો રાહુલ દ્રવિડ પણ બહુ પસંદ નહતો.
ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સના ખેલાડીઓનું પરફોર્મન્સ જોતા આ ટીમ હવે સેમી ફાઈનલમાં પ્રવેશી શકે તેવી આશાઓ લગભગ પૂરી થઈ ગઈ છે. આવા સંજોગોમાં હવે વિજય માલ્યાં પોતાની ટીમના ખેલાડીઓને બદલી નાખવાનું વિચારી રહ્યા છે એટલે કે જે નકામા અને નિષ્ફળ ખેલાડીઓ પૂરવાર થયા છે તેમની ટીમમાંથી બાદબાકી થઈ જશે એમ સૂત્રો જણાવે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જો વિજય માલ્યાનું ધાર્યુ થાત તો તેઓ પોતાની ડ્રીમ ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની, રોબિન ઉથ્થપ્પા અને બ્રેન્ડોન મેકકુલમનો સમાવેશ કરી લેત. માલ્યાને તેમની ટીમમાં માર્ક બાઉચર, અનિલ કુંબલે, સુનિલ જોશી જેવા ખેલાડીઓ જોઈતા નહતાં. માલ્યા હવે ટીમના ખેલાડીઓને બદલવાની ઈચ્છા ધરાવે છે અને જો નિયમો અંતર્ગત થઈ શકતુ હશે તો આ ટીમમાં કેપ્ટન રાહુલ દ્રવિડ પણ શામેલ હોઈ શકે છે.
અત્રે જણાવવાનું રાહુલ દ્રવિડને બીસીસીઆઈના નિયમો હેઠળ આઈકોન પ્લેયરોની યાદીમાં શામેલ કરાયો હતો. જ્યારે રાહુલ દ્રવિડ તો ક્યારેય ટવેન્ટી 20 ક્રિકેટ રમ્યો જ નહતો એવું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સૂત્રોનું કહેવું છે.
રોયલ ચેલેન્જર્સ ટીમના માલિક વિજય માલ્યા સહિત તમામ લોકો ટીમમાં પોતાના જેવા ટેસ્ટ ખેલાડીઓની પસંદગી કરવા બદલ રાહુલ દ્રવિડ પર માછલા ધોઈ રહ્યા છે. અને હવે સૂત્રો જણાવે છે કે ટીમના માલિક સહિત અન્ય તમામ અધિકારીઓ દ્રવિડ સ્વેચ્છાએ રાજીનામુ આપી દે તેની રાહ જોઈ રહ્યા છે.
રોયલ ચેલેન્જર્સના અધિકારીઓને તો ત્યાં જ નવાઈ લાગી ગઈ હતી જ્યારે 38 વર્ષના સ્થાનિક ખેલાડી સુનિલ જોશીને 30,00 ડોલરની કિંમતે ખરીદવામાં આવ્યો હતો. તે તો કર્ણાટક ટીમનો પણ ભાગ નથી. અધિકારીઓનું કહેવું છે કે આનું એક માત્ર કારણ એ જ છે કે જોશી દ્રવિડનો ખુબ સારો મિત્ર છે.
આ બાજૂ અનિલ કુંબલેની પસંદગી પર પણ ટીમના અધિકારીઓ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ટવેન્ટી 20 ક્રિકેટમાં અનિલ કુંબલે શું કરી રહ્યો છે. પરંતુ સ્થાનિક અને પાછો હાઈ પ્રોફાઈલ બોલર હોવાને કારણે તેની પસંદગી કરવી પડે તેવું હતું અને કદાચ દ્રવિડ પણ તે સમજતો હશે અને તેની પસંદગી કરી હશે.
ટીમના મુખ્ય ક્રિકેટીંગ ઓફિસર માર્ટિન ક્રોવે તો તાજેતરમાં એક કોમેન્ટ પણ પસાર કરી હતી કે અમે ટીમને જીતાડવા માટે બધા જ પ્રયત્નો કરી નાખ્યા પરંતુ આ ટીમ ખુબ જ જૂની અને ટેસ્ટ ખેલાડીઓના હોવાથી ધીમી છે.
આ બાજૂ ખેલાડીઓને બદલવા અંગે આઈપીએલના કમિશ્નર લલિત મોદીએ જણાવ્યું કે આગામી ત્રણ વર્ષ માટે નિયમો નિર્ધારીત છે. ટીમમાં 8 ખેલાડીઓ વિદેશી અને જેમાંથી 4ને આખરી 11ની યાદીમાં શામેલ કરી શકાય. જો ફ્રેન્ચાઈઝી નવા ખેલાડીઓને લેવાં માગતી હોય તો તેવું કરી શકે છે. પરંતુ તેવા સંજોગોમાં તેમણે હાલ ટીમમાં જે ખેલાડીઓ છે તેમને વળતર તો ચૂકવવું જ પડે.