
Spotlight
Indian Premier League Indian Premier League
દિલ્હીનો ૧૮૭ રનનો સ્કોર ચેન્નાઇએ છેલ્લા બોલે વટાવી ચાર વિકેટે મેચ જીતી, ધોની મેન ઓફ ધ મેચ
ઓપનર સ્ટિફન ફ્લેમિંગ અને વિધુત તથા સુકાની મહેન્દ્રસિંહ ધોનીની મજબૂત બેટિંગ બાદ પૂંછડિયા ખેલાડીઓએ રંગ રાખતા ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે ગુરુવારે અહીં રમાયેલી આઇપીએલની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિલ્હી સામે છેલ્લા બોલે રોમાંચક વિજય હાંસલ કર્યોહતો.
ચેન્નાઇએ ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગમાં ઉતાર્યા બાદ ગૌતમ ગંભીર અને શિખર ધવનની અડધી સદીની મદદથી દિલ્હીએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૭ રન નોંધાવ્યા હતા. ચેન્નાઇએ ૨૦મી ઓવરના છેલ્લા બોલે છ વિકેટે ૧૮૮ રન કરીને મેચ જીતી લીધી હતી.
ચેન્નાઇએ ૧૯.૫ ઓવરમાં ૧૮૭ રન કરીને સ્કોર સરભર કરી દીધો હતો. છેલ્લા બોલે બદ્રીનાથે ઓફસ્પિનર શોએબ મલિકના બોલે ડીપ મિડવિકેટ તરફ ઉછાળ્યો હતો અને શિખર ધવને કેચ ઝડપવાનો જોરદાર પ્રયાસ કર્યોહતો પરંતુ તે બોલ ઝડપી શકયો ન હતો અને ચેન્નાઇએ જરૂરી એક રન કરી લીધો હતો.
એ અગાઉ મોર્કેલે ૧૫ બોલમાં ૩૦ રન ફટકારીને ટીમને વિજયની નજીક લાવી દીધી હતી. વિધુતે ૪૦, ફ્લેમિંગે ૪૪ તથા ધોનીએ ૩૩ રન ફટકાર્યા હતા. ધોનીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
અગાઉ ગૌતમ ગંભીરે ૮૦ તથા શિખર ધવને ૫૯ રન ફટકારતાં દિલ્હીની ટીમે ૧૮૭ રનનો સ્કોર રજૂ કર્યોહતો. વર્તમાન ટુર્નામેન્ટમાં દિલ્હીનો આ ત્રીજો પરાજય હતો.